સર્જનહારનું સર્જન

જો ગીતાના કોઈ મૂળ તત્વને તમારી અંદર ઉતારવો હોય, તો તમે સાક્ષાત કૃષ્ણ હોવા જોઈએ. નહીં તો તમને તે નહીં સમજાય. આવું મોટા પાયે બધી બાજુ થઇ રહ્યું છે, કે ગીતાને બુદ્ધિપૂર્વક વાંચીને તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે જે બિલકુલ અર્થહીન છે. તમે સત્યનો અનુભવ કરી શકો, તેનું અર્થઘટન નહીં. તમે સત્યને સમજી ન શકો, તમે માત્ર તેમાં ભળી શકો છો. તે એવું નથી કે તમે તેને પકડી શકો, પણ તે એવું કઈ છે જેમાં તમે સમાઈ શકો છો. ગીતાને વાંચીને સમજી શકાય નહીં. તમે સાક્ષાત ગીતા બની શકો છો પરંતુ તમે ગીતાને સમજી કે શીખી નથી શકતા.

જો તમારે સર્જન કે સર્જનહાર વિશે કશું પણ જાણવું હોય તો માત્ર એક જ જવ્યા પર નજર કરવાની જરૂર છે, એ છે તમારી અંદર. બધા પુસ્તકો, ભલે તે ગમે તેટલા પ્રાચીન હોય, જેટલું પુસ્તક જુનું હોય તેટલી સંભાવનાઓ વધારે બને, કે લોકોએ તેની સાથે ચેડા કરી હોય. દેખીતી રીતે કૃષ્ણએ ગીતા લખી નહોતી. તેઓ તો રણભુમી પર બોલ્યા હતાં, અને અર્જુન પાસે કોઈ ટેપ રેકોર્ડર નહોતું. તો પછી કોણે આ પુસ્તક લખ્યું? બીજા કોઈએ તેને લખ્યું હશે અને આપણને ખબર નથી કે કેટલું અર્થઘટન થયું હશે.

તેમણે ખરેખર કોઈ અર્થઘટન કર્યું છે કે નહીં આપણે જાણતા નથી પરંતુ મનુષ્યો અર્થઘટન કરવા સક્ષમ છે. જો તમે આજે તમારી નજર સમક્ષ કંઈ જોયું અને તમારા પાડોશીને તે વિશે કહ્યું, જે તેણે બીજા કોઈને જઈને કહ્યું, એમ કરતા કરતા જો આ વાત 25 લોકોથી પસાર થઈને ૨૪ કલાક પછી તમારી પાસે પાછી આવી, તો શું તમે તે વાતને ઓળખી શકશો? દેખીતી રીતે મનુષ્યો ચેડા કરવાની ખુબ જ ક્ષમતા ધરાવે છે.

જયારે કોઈ વસ્તુ હજારો વર્ષોથી ચાલતી આવી હોય, તો તમે કલ્પના કરી શકો છો કે તેનું કેટલું અર્થઘટન થયું હશે. તમે જાણો છો ને કે દરેક ચુંટણી વખતે પાઠ્યપુસ્તકોનું ઘણું અર્થઘટન થાય છે, ઈતિહાસ લખવાનું શરૂ થયું તે પહેલાનું નહીં પરંતુ પચાસ વર્ષ પહેલાના ઈતિહાસ સાથે પણ નિરંતર ચેડા થાય છે. તમને ખબર નહીં હોય કે પચાસ વર્ષ પહેલાં શું બન્યું. જયારે આ સ્થિતિ છે તો કોને ખબર હશે કે પચાસ હાજર વર્ષ અગાઉ શું બન્યું? માત્ર એક શબ્દ વડે કે પછી કોઈ ખોટા વિરામચિહ્ન દ્વારા પણ જે કહેવામાં આવી રહ્યું છે તેના સમગ્ર સંદર્ભને તમે બદલી શકો છો.

આ પુસ્તકો એવા લોકો દ્વારા લખવામાં આવી હતી જેઓની ચેડા કરવાની ક્ષમતા પ્રચંડ હતી. પરંતુ આ પુસ્તક- આ જીવનનો ભાગ – એટલે કે તમે જાતે- “પોતે”- સર્જનહારે જાતે તેને લખ્યું છે. તે ખોટુ ન હોય શકે. આમાં કોઈ ચેડા કે વિકૃતિ નથી. તેમાં કોઈ અર્થઘટન ન હોય શકે. તમારે માત્ર તેને કેવી રીતે વાંચવું તે શીખવું પડશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.