આપણી સફળતાનો આધાર

ભાગ્ય, ઈશ્વર, નસીબ, પ્રયાસ કદાચ આ બધું જરૂરી છે, પણ કયા પ્રમાણમાં? જયારે તમે ભાગ્ય વિશે વાત કરો તો દેખીતી રીતે તે વિશે તમે કશું કરી નહીં શકો. જયારે તમે નસીબ કહો છો તો દેખીતી રીતે, તેના વિશે પણ તમે કશું કરી ન શકો. ઈશ્વર વિશે પણ તમે કંઈ નહીં કરી શકો. જે વસ્તુ ફક્ત તમારા હાથમાં છે, તે છે પ્રયાસ. તમે તમારું ૧૦૦ ટકા તમારા પ્રયત્નમાં આપી દો. જે થવાનું હશે તે થશે. તમારી શક્તિ અને ક્ષમતાના પ્રમાણને નસીબ, ઈશ્વર, ભાગ્ય આ બધી વસ્તુઓ ઉપર છોડશો નહીં- તે તમારું કામ નથી. જો એવી કોઈ વસ્તુ હશે તો તે કામ કરશે. તમારું કામ માત્ર પ્રયત્ન કરવું છે અને પ્રયત્ન તેજ, કેન્દ્રિત અને પ્રમાણસર હોવો જોઈએ. માત્ર પ્રયત્ન કરવો તે મૂર્ખતા છે. ખાલી અથાગ પ્રયત્ન કરવાથી, તે તમને ક્યાંય નહીં પહોંચાડે. યોગ્ય પ્રકારની ક્રિયા, યોગ્ય સમય અને યોગ્ય સ્થાન – બધું મહત્વપૂર્ણ છે.

આ વસ્તુઓ સાકાર કરવા તમારે સમજ અને બુદ્ધિની જરૂર છે. તમારા જીવનમાં તમારે બસ આટલું જ કરવાની જરૂર છે કે તમારી સમજ અને તમારી બુદ્ધિને સતત વધારવાના માર્ગો શોધો. “હું મારી બુદ્ધિને કેવી રીતે વધારી શકું?” તેની ચિંતા કરશો નહીં. મહત્વની બાબત એ છે કે તમે તમારી સમજ કેવી રીતે વધારશો. જો તમારામાં જીવનને, તે જેવું છે, તેવી જ રીતે જોવાની ક્ષમતા હોય તો તમારી પાસે તેનું સારી રીતે સંચાલન કરવાની બુદ્ધિ પણ ઉપલબ્ધ છે.

જે લોકો પોતાના મગજને વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરે છે જે તેમને સામાજિક રૂપે સફળ કરશે પરંતુ સાચા અર્થમાં તમે સફળ નહીં થઇ શકો. જો તમે સાચા અર્થમાં સફળ થવા ઈચ્છતા હો તો તમારે બધી વસ્તુઓને વિકૃત કર્યા વિના, તે જેવી છે તે જ રીતે જોવી જોઈએ. જો તમે આ વસ્તુઓને તે જેવી છે તે જ રીતે જોઈ શકો તો જીવન એક રમત, કે એક ખેલ બની જશે. તમે તેને ખુશીથી અને ખુબ જ સારી રીતે રમી શકો છો. જો તમે તેને સારી રીતે રમી શકો તો લોકો કહેશે કે તમે સફળ છો.

તમારે સફળ થવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે પોતાના જીવનને આકાર આપવાની એક ખુબ દયનીય રીત છે. તમે માત્ર પોતાની જાતને અને તમારી આસપાસના બધા લોકોને માત્ર દુઃખ અને પીડા આપવાનું કારણ બનશો કેમકે તમારી સફળ થવાની વ્યાખ્યા એ છે કે દરેક વ્યક્તિ તમારી નીચે અને તમે બધાથી સર્વોચ્ચ સ્થાને હોવા જોઈએ. આ સફળતા નથી પરંતુ એક બીમારી છે.

માત્ર પોતાનો પૂર્ણ વિકાસ કેવી રીતે કરવો તે જુઓ અને તેનાથી બધી વસ્તુઓને અભિવ્યક્તિ મળશે. જો તેને સારી અભિવ્યક્તિ મળશે તો તમારી આસપાસના લોકો કહેશે કે “તે ખુબ સફળ છે” જે સારું કહેવાય. લોકોએ તમારી સફળતાને માન્યતા આપવી જોઈએ, પરંતુ તમારે કેવી રીતે સફળ થવું તેમ ન વિચારવું જોઈએ. તે જીવન પ્રત્યેની ખોટી સમજ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.