સદ્ગુરુ: યોગદાનનો અર્થ એ નથી કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢીને લોકોમાં વહેંચો. હું દાન કરવાની વાત નથી કરતો. દાન અશ્લીલ છે કારણ કે દાન માત્ર ત્યાં જ શક્ય છે જ્યાં પ્રેમનો અભાવ હોય. જો તમે તમારા બાળકો માટે કંઇક કરો છો, તો શું તમે એવું વિચારો છો કે તમે એક મહાન દાન કર્યું છે? ના. પરંતુ, જો તમે શેરીમાંના પેલા બાળક માટે કંઇક કરો, તો તમને લાગે છે કે તમે એક મહાન દાન કરી રહ્યા છો, કારણ કે તમને તેના માટે કોઈ પ્રેમ નથી. તમે ક્યારેય વિચાર્યું નથી કે તે બાળક માટે તમે જવાબદાર છો.
જો તમે વિચાર્યું હોય કે તે બાળક માટે તમે જવાબદાર છો, તો તમને એવું નહીં લાગે કે તે દાન છે. તમે તે કરવા માંગો છો. તે કરવા માટે જેટલી વધુ તકો મળે તેટલું વધુ સારું. પરંતુ જ્યાં તમને લાગે છે કે હું જવાબદાર નથી, ત્યાં તમને લાગે છે કે તે દાન છે. હું દાનની વાત નથી કરતો. આપણે જે પણ કરીએ, આપણું જીવન પોતે જ એક યોગદાન બની શકે છે. તમે બધા જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે સારા કપડાં પહેરો છો. શું આ આજુબાજુ આપેલું યોગદાન છે? જો તમે દુર્ગંધવાળા, ફાટેલા કપડાં પહેરીને જશો, તો તે જગ્યા તેવી નહીં રહે. તો, તે ચોક્કસપણે આજુબાજુ અપાયેલું યોગદાન છે, પરંતુ અજાગરૂક રીતે અપાયેલ છે – તે સમસ્યા છે. હવે, જો તમે આવી જાગરૂકતા સાથે આવો છો કે “હું આવા કપડાં પહેરું છું કારણ કે હું મારી આસપાસના દરેકના જીવનમાં યોગદાન આપવા માંગુ છું,” તો આ કપડાં કેટલી સુંદર અનુભૂતિ કરાવશે? તેની કિંમત 10 રૂપિયા હોય કે 10,000 રૂપિયા, તેનાથી કોઈ ફર્ક નથી પડતો.
તો, તે બધું જ જે તમે કરો છો તે એક યોગદાન બની શકે છે. એ જરૂરી નથી કે યોગદાન આપવા માટે તમારે કોઈને કંઇક આપવું જ પડે. તમે પહેલેથી જ યોગદાન આપી રહ્યા છો, એકમાત્ર વસ્તુ એ છે કે તમે જાગરૂક નથી.
એ બસ ડ્રાઈવર જે રસ્તા પર બસ ચલાવી રહ્યો છે, જુઓ કે તે કેટલો ઉપયોગી માણસ છે. આવતીકાલે જો તે ત્યાં નહીં હોય તો ઘણા લોકોના જીવન ખોરવાઈ જશે. પણ તે બેવકૂફ આ જાણતો નથી. જ્યારે તમે બસમાં બેસીને જાઓ છો, ત્યારે તમે ક્યારેય વિચાર કરો છો કે આ માણસને ડ્રાઇવિંગ આવડે છે કે નહીં? બસ ડ્રાઇવરોમાં તમને જબરદસ્ત વિશ્વાસ છે. તમે તમારા માતા-પિતા પર પણ આટલો વિશ્વાસ કરી શકતા નથી, પરંતુ આ બસ ડ્રાઇવર પર તમને ઘણો વિશ્વાસ છે. ઘણા લોકો પોતાનો જીવ તેના હાથમાં મૂકીને સૂઈ જાય છે. આ માટે તમારે કેટલા વિશ્વાસની જરૂર પડે! જો તે આજુબાજુ ફરીને જુએ કે, “આ લોકો અહીં મારા બાળકોની જેમ બેઠા છે અને મારે તેમને સહી સલામત રીતે લઈ જવાના છે,” તો તમે જાણો છો કે આ બસ ચલાવવી કેટલી અદ્ભુત હશે? આમ પણ તે ડ્રાઇવિંગ જાણે છે, તેને રસ્તો ખબર છે, તે તમને સારી રીતે લઈ જશે, પરંતુ જો તેનામાં આ જાગરુકતા હોય, તો આ બસ ચલાવવી કેટલું સુંદર હોય.
બસ તમારા જીવનને એક યોગદાન બનાવો અને જે દુનિયામાં તમે રહો છો તેમાં તમે શું તફાવત લાવો છો તે તમે જાતે જ જોઈ શકો છો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.