હતાશા અને નિરાશાઃ શું તે ખરીદવા જેવી વસ્તુ છે?

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

પ્રશ્નકર્તા: હું એન્જિનિયરિંગ એન્ટરન્સ પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ એમાં બે વાર નિષ્ફળ ગયો . હું ખૂબ નિરાશ થઈ ગયો છું અને તેમાંથી બહાર આવી નથી શકતો.

સદગુરુ: હતાશા, નિરાશા અને હિમ્મત ગુમાવવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર તમે નિરાશ થઈ જશો તો તમે હિમ્મત ગુમાવશો. અને જો એકવાર તમે હિમ્મત ગુમાશો તો તમે હતાશ થઇ જશો.

ચાલો, હું તમને એક વાર્તા કહું. શેતાને ધંધો છોડી દેવાનું નક્કી કર્યું, તેથી તેણે તેના ધંધાના તમામ સાધનો વેચવા નાખ્યા. તેમાં ક્રોધ, વાસના, લોભ, ઈર્ષ્યા, સંપત્તિ પ્રત્યેની લાલસા, અહંકાર હતાં – તેણે બધું વેચવા કાઢ્યું અને લોકોએ તે બધું ખરીદી લીધું. પરંતુ પછી કોઈકે જોયું કે તેની પાસે હજી પણ તેની થેલીમાં કંઈક હતું. તેથી તેઓએ તેને પૂછયું, “તમારી પાસે થેલીમાં હજી શું છે?” શેતાને કહ્યું, “આ મારા સૌથી અસરકારક સાધનો છે. હું તેમને વહેંચીશ નહીં, કદાચ હું ધંધામાં પાછા આવવાનું નક્કી કરું તો? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો હું તેમને વેચવા કાઢું તો પણ, તે ખૂબ મોંઘા હશે, કેમ કે કોઈક રીતે જીવનનો નાશ કરવા માટેના મારા કાર્યના આ શ્રેષ્ઠ સાધનો છે.”

લોકોએ પૂછ્યું, ” અમને કહો કે તે શું છે?” શેતાને કહ્યું, “નિરાશા અને હતાશા.”

એકવાર જ્યારે ઉત્સાહ ખતમ થઈ જાય અને તમારામાં ઉદાસીનતા આવી જાય ત્યારે જીવનની સંભાવના નથી. જ્યારે તમે કહો છો કે “હું કોઈ વસ્તુથી નિરાશ થઈ રહ્યો છું,” તો તમે નિરાશા અને હતાશાથી દૂર નથી. નિરાશા એ પ્રથમ પગલું છે.

-તો, તમે નિરાશાને કેવી રીતે છોડશો? તેને ખરીદશો નહીં! તમારે તેને છોડવાની કોઈ જ જરૂર નથી, કારણ કે જીવન – દરેક જીવન – એક ઉત્સાહ છે. કીડી જે રીતે ફરે છે તેને જુઓ. જો તમે તેને રોકવાનો પ્રયાસ કરો છો, તો શું તે ક્યારેય નિરાશ અથવા હતાશ થાય છે? જ્યાં સુધી તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધી તે પ્રયાસ કરશે. જીવન ઉર્જા કોઈ પ્રકારની નિરાશા જાણતી નથી. તે મર્યાદિત મન છે જે નિરાશાને જાણે છે, કારણ કે મર્યાદિત મન ખોટી અપેક્ષાઓ થકી કાર્ય કરે છે. જ્યારે તમારી અપેક્ષાઓ જીવન સાથે સુસંગત ન હોય,  તમારી અપેક્ષાઓ જીવંત ઘટનાને બદલે કાલ્પનિક મનોવિજ્ઞાન હોય છે, અને જ્યારે તે અપેક્ષા પૂર્ણ નથી થતી ત્યારે મનને લાગે છે કે તે જીવનનો અંત છે.

હતાશા, નિરાશા અને હિમ્મત ગુમાવવાનો અર્થ એ છે કે તમે તમારા પોતાના જીવનની વિરુદ્ધ કામ કરી રહ્યા છો. જ્યારે લોકો તેમની પરીક્ષામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેમાંથી ઘણા લોકો આત્મહત્યા કરે છે, શું તેમ નથી? કારણ કે તેઓને એવું લાગે છે કે તે જીવનનો અંત છે. તમે જેમની પૂજા કરો છો તે બધા લોકો – રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈસુ – તેઓએ ક્યારેય કોઈ પરીક્ષા પાસ કરી નથી. તમે તેમની પૂજા શા માટે કરો છો?  પરીક્ષા પાસ કરવા માટે, તમે એવા લોકોને બોલાવી રહ્યા છો કે જેમણે ક્યારેય પરીક્ષા પાસ કરવાની કાળજી લીધી ન હતી. તેમ કરવું અર્થહીન છે.

તમારી પરીક્ષા પાસ ન કરવાનો અર્થ કંઈ જ નથી. તમે સામાજિક આવશ્યકતાને કારણે પાસ થવા માંગો છો, તે અલગ વાત છે. પરંતુ નિરાશ થવું એ જીવનની ઘટના નહીં પણ સંપૂર્ણપણે એક માનસિક ઘટના છે. જ્યારે તમે નિરાશ થાવ અને તમારું મન એમ કહે કે “આ જીવન જીવવા જેવું નથી, મને મરી જવા દો,” ફક્ત તમારું મોં બંધ કરો, તમારા નાકને બે મીનિટ સુધી પકડો અને જુઓ, તમારી અંદરનું જીવન કહેશે કે, “મને જીવવા દો.”

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)