શારીરિક, માનસિક અને ભાવનાત્મક જડતા

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

યોગાસનના અભ્યાસ દરમ્યાન, તમને સમજાય છે, કે તમે શારીરિક રીતે કેટલાં કઠોર છો. એજ રીતે મન અને ભાવનાઓની સખ્તાઈને જાણવા માટે થોડી વધારે જાગરૂકતાની જરૂર છે. કોઈ વ્યક્તિ જે તેના વિચારો અને લાગણીઓમાં ખુબ સખત છે, તે માને છે કે પોતે આદર્શ વ્યક્તિ છે, કારણકે તે કોઈપણ બીજી રીતે જોવા, વિચારવા કે અનુભવ કરવા તૈયાર નથી. જ્યારે આવા વ્યક્તિને તમે મળો, તમને લાગે કે તે અડીયલ છે પરંતુ તે પોતાને પરિપૂર્ણ ગણે છે.

તેજ રીતે ઉર્જાના સ્તર પર જડતા હોય શકે. એ લોકો જેમની ઉર્જા એકદમ તરલ છે, પહેલાં દિવસની કોઈપણ સરળ ક્રિયાથી તેમની ઉર્જાઓમાં હિલચાલ અને પરિવર્તન આવશે. જયારે બીજા કોઈ વ્યક્તિ માટે, ઘણાં લાંબા સમયના અભ્યાસ પછી પણ, કંઈ થતું નથી. આ બધું, તમારી, ઊર્જાઓ કેટલી સરળ છે તેની પર નિર્ભર કરે છે. આ બધા સ્તરની કઠોરતા અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયલી છે. કોઈ એક સ્તરની કઠોરતા બીજા ઘણાં બધા સ્તરમાં પરિવર્તીત થઈ શકે છે.

પતંજલિના માર્ગ પર, યોગ એક એવી પધ્ધતિ છે, જ્યાં તમે ગમે એવા મુર્ખ હોવ, કે ગમે એ સ્તરની અજાણતામાં હોવ કે પછી ગમે એ પ્રકારના કર્મ બંધન ધરાવતા હોવ, તેનાથી કોઈ ફરક નથી પડતો, દરેક વ્યક્તિ માટે માર્ગ છે. જો તમે, ખાલી તમારા શરીરને વાળવાની તૈયારી બતાવો, તો તમે એક કર્મ તોડી ચુક્યા છો. જો તમારું માથું તમારા ઘૂંટણને અડે તો તમે એક ભૌતિક કર્મ તોડી નાખ્યું. આ મજાક નથી, કારણકે, જેણે ક્યારેય આવું ન કર્યું હોય તેની માટે આ એક સિદ્ધિ છે. એક દિવસ એવો પણ હશે કે તમે શારીરક અને માનસિક રીતે એકદમ સખત હશો.

આવું બધા સાથે થાય છે. તમે તમારા જીવનને જુઓ, કે શારીરિક તથા માનસિક રીતે, ૧૦ વર્ષની વયે તમે કેટલા લચીલા હતા. ૨૦ વર્ષની વયે આ લચક ઘણી ઓછી થઇ જાય છે અને ૩૦ વર્ષની ઉમરે લગભગ ગાયબ થઇ જાય છે. ખાલી શારીરિક સ્તર પર નહીં પણ માનસિક સ્તર પર ઘણી જડતા આવી ગઈ છે. મોટા ભાગના લોકો માટે જીવન ફક્ત પીછેહઠ છે. જે પણ ફાયદાઓ સાથે તમે જન્મ્યાં હતા, તેને વધારવાને બદલે તમે તેમાં ઘટાડો કર્યો છે.

આ માર્ગ એમતો ખુબ જ સરળ છે, પરંતુ તમારા અને તમારા વ્યક્તિત્વના લીધે તે ઘણો ગુંચવાઈ ગયો છે. એક વ્યક્તિ, આધ્યાત્મિક માર્ગમાં, જે ગુંચવણનો સામનો કરે છે, તે આના લીધે નથી, એ તમારા મનની ગડબડના કારણે છે. તમારી અંદર બધુ સખત થઈ ગયું છે, કંઈ પણ હલતું નથી, જાણે તમે સખ્તાઈના ખાંચામાં ફસાઈ ગયા છો.

પરંતુ જો તમે ગુરુની કૃપા થવા દો, તો માર્ગ ઘણો સરળ છે, કારણકે માર્ગ જ લક્ષ્ય છે. જો તમે ફક્ત અહીં સ્થિર થઈને બેસો, તો બધું જ અસ્તિત્વ સાથે એક થઈને કંપન કરશે અને તમે જાતે પણ અસ્તિત્વ સાથે કંપન કરશો.

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)