સદ્દગુરુ: જીવનનો સંપૂર્ણ અનુભવ

સદ્દગુરુ: જયારે મથુરા છોડીને તેમને જવું પડ્યું અને દરેક પ્રકારની મુસીબતોથી ગુજરી રહ્યાં હતા ત્યારે બલરામે કૃષ્ણને પૂછ્યું, “આ બધી વસ્તુઓ આપણી સાથે જ કેમ થઇ રહી છે અને તે પણ જયારે તમે અમારી સાથે છો? કૃષ્ણનો ઉત્તર હતો, “જયારે તમારા જીવનમાં બધું સારી રીતે ચાલતું હોય ત્યારે તમે કોઈ ફરિયાદ નથી કરતાં. આ બધાનું કારણ એ જ કે તમે અમુક પરિસ્થિતિઓને સારી ગણો છો અને અમુકને ખરાબ, અથવા અમુક પરિસ્થિતિઓને ઈચ્છનીય અને અમુક પરિસ્થિતિઓને અનિચ્છનીય, એટલે જીવનને જીવન તરીકે જોવાને બદલે તમે પોતાની જાતને પૂછો છો કે આ વસ્તુઓ તમારી સાથે જ  કેમ થાય છે.”

જે ક્ષણે તમે આધ્યાત્મિકતામાં પગ મુકશો, તમારી માટે જીવન એક મોટા પાયે આકાર લેશે જેમકે દરેક વસ્તુ એકદમ ઝડપી થાય છે. બસ એટલું જ છે, કે જો તમે એક વસ્તુની ઓળખ સારી અને બીજીની ઓળખ ખરાબ એમ ન આપો તો તમારી માટે જીવન ખુબ તીવ્રતાથી ઘટિત થાય છે. કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. જીવન ચાલી રહ્યું છે. કેટલાક લોકો તેને માણી રહ્યાં છે અને બીજા કેટલાક તેને સહન કરી રહ્યાં છે.

હું જીવનને જીવન તરીકે લેવાની વાત કરી રહ્યો છો, જીવનને આ સર્જન તરીકે. અત્યારે, મોટાભાગના લોકો જીવનને ઘણી બધી વસ્તુઓ સાથે ઓળખાવે છે જેને ખરા અર્થમાં જીવન સાથે કોઈ લેવા દેવા નથી. જે લોકો પાસે કાર નથી તેઓ એમ સમજે છે કે જેમની પાસે કાર છે તેઓ વધુ ભાગ્યશાળી છે. તે ખરેખર આરામદાયક અને અનુકૂળ વસ્તુ છે, પરંતુ કોઈ મોટું ભાગ્ય ન કહેવાય. જો કાર જેવી વસ્તુ જ ન બની હોત તો કોઈ વ્યક્તિને તે મેળવવાની ઈચ્છા ન થઇ હોત. અહીં સમસ્યા એ છે કે તમે પોતાની જાતને બીજા સાથે સરખાવો છો, તે અર્થમાં કે “ઓહ, તેની પાસે છે અને મારી પાસે નથી.” આ વસ્તુને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી- તે એક માનસિક અવસ્થા છે.

જયારે તમે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલો છો, ત્યારે તમારી આંતરિક સ્થિતિ વેગ પકડે છે- તમે તમારા અંતિમ મુકામ પર પહોંચવાની ઉતાવળમાં છો. તમારે તે માટે ૧૦૦ જેટલાં જન્મો નથી લેવા. આધ્યાત્મિક પ્રક્રિયામાં પ્રવેશનો અર્થ છે કે તમે જીવનને એક મોટા પાયે અનુભવ કરવા તૈયાર છો. એકવાર તમે આવીને મારી પાસે બેસો છો, ત્યારે મારા આશીર્વાદ પણ આ જ હોય છે કે – તે બધી વસ્તુઓ જે જીવન છે તે તમારી સાથે ઘટિત થાય.

એક આધ્યાત્મિક વ્યક્તિ પોતાની સાથે બનેલી ઘટનાઓને સારી કે ખરાબ તરીકે નથી જોતો- તમને માત્ર તે વસ્તુ સાથે નિસ્બત હોવી જોઈએ કે જીવન કેટલી તીવ્રતાથી ઘટિત થઇ રહ્યું છે. સારું અને ખરાબ તે સામાજિક બાબત છે- તેને જીવન સાથે કોઈ લેવા દેવા નથી. તમે જો સમાનતા જાળવી રાખશો, તો તમે જોશો કે તમારા જીવનની દરેક ઘટના તમને એક પગલું આગળ વધારશે. જો તમે આ નહીં જુઓ અને જો તમે તમારી સામાજિક પરિસ્થિતિઓથી પ્રભાવિત થશો તો જીવન જે વેગે ઘટિત થઇ રહ્યું છે, તેના લીધે, તમને લાગશે કે તમારા જીવનમાં કોઈ ખોટી વસ્તુ થઇ રહી છે, પરંતુ તેવું નથી.

જો તમારે આધ્યાત્મિક થવું હોય તો મૂળભૂત રીતે તેનો અર્થ છે કે તમારે પોતાનો નાશ કરવો છે- તમે અત્યારે જે રીતે બનેલા છો તે. સકારાત્મક પરિભાષાનું ખોટું અર્થઘટન હંમેશા લાખો અલગ રીતે કરી શકાય છે કારણકે તમારું મન તેમાં વસેલું છે. હું સભાનપણે નકારાત્મક પરિભાષાનો ઉપયોગ કરું છું કારણકે તમે તેનો ખોટો અર્થ નહીં કાઢી શકો. તેને સકારાત્મક રીતે વ્યક્ત કરવું હોય તો એમ કહી શકાય કે તમે મુક્તિની શોધમાં છો. તમે તમારા અંતિમ સ્વભાવની શોધમાં છો, તમે ભગવાનની શોધમાં છો, તમારે અનંત બની જવું છે. જયારે તમારે અમર્યાદિત બનવું હોય, ત્યારે તમારે પોતાની હાલની સ્થિતિનો અંત આવશે જેમાં તમે જીવી રહ્યાં છો. એકવાર તમે આ ઈચ્છા વ્યક્ત કરો અને જરૂરી ઉર્જાનું રોકાણ તમારામાં કરવામાં આવે, પછી વસ્તુઓ એ રીતે ઘટિત થશે કે તમે જે રીતે હાલમાં છો તેનો અંત આવી જશે. તેનો અર્થ એ નથી કે તમારી સાથે નકારાત્મક વસ્તુઓ થશે. માત્ર એટલું જ છે કે જીવન જબરજસ્ત ગતિએ આગળ વધશે.

(સદ્દગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.