જાણો- કર્મ અને મોક્ષનો સાચો માર્ગ સાથે જ સુખ અને દુઃખ એટલે શું?

કર્મ… એક એવો શબ્દ કે જે પ્રત્યેક સજીવના જીવન સાથે જોડાયેલો છે. આપણા વડવાઓ કહેતાં કે કર્મની ગતિ ન્યારી છે. આપણે વાત કરીશું કર્મ અને મોક્ષની અને સાથે જ જાણીશું સુખ અને દુઃખની વ્યાખ્યા.ભગવાન ક્રૃષ્ણએ શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે…

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि।।

આ શ્લોકનો અર્થ હંમેશા આપણે ખોટો સમજતા આવ્યાં છીએ લોકો એમ કહે છે કે તું કર્મ કર ફળની આશા ન રાખ. હવે ફળની આશા જ ન રાખવાની હોય તો માણસ કર્મ કરે ખરો? આ શ્લોકનો અર્થ સમજાવતાં ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પોતાની ભાગવત કથા દરમિયાન કહે છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહ્યું હતું કે હે પાર્થ તું કર્મ કર, પરંતુ ફળ પર તારો અધિકાર નથી. અર્થાત તું જે પ્રમાણે કર્મ કરીશ તે પ્રમાણેનું ફળ ઈશ્વર આપી જ દેશે. કારણ કે ઈશ્વરનો દરબાર અભેદ છે અર્થાત તેમાં કોઈ ભેદ નથી. રાજા હોય કે રંક, સંત હોય કે ફકીર, ધનવાન હોય કે બળવાન, તમામ લોકોને પોતે જે પ્રમાણેનું કર્મ કર્યું છે તે પ્રમાણેનું જ ફળ પ્રાપ્ત થાય છે. એમાં સહેજ પણ ભૂલચૂક કે ઓછુંવત્તું થતું નથી.

ભગવાન તો તમને ક્યારેક માફ પણ કરી દે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે કરેલા કર્મો ક્યારેય કોઈને માફ કરતાં નથી. સ્વયં ભગવાન રામના પિતા દશરથને પણ જો પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો મનુષ્ય છીએ આપણે તેમાંથી છૂટી ન શકીએ. શિકાર કરવા ગયેલાં રામના પિતા દશરથે પોતાના માતા પિતાને યાત્રા પર લઈને નીકળેલા અને નદી કિનારે જલપાન કરાવવા ઉભેલાં શ્રવણને શિકાર સમજીને બાણ માર્યું અને શ્રવણનો જીવ ગયો. શ્રવણના માતાપિતાએ રાજા દશરથને પુત્રવિયોગે મરવાનો શ્રાપ આપ્યો અને અને રામ જ્યારે વનવાસમાં હતાં ત્યારે રાજા દશરથનો સ્વર્ગવાસ થયો. આમ સ્વયં વિષ્ણુના અવતાર એવા રામના પિતાને પણ કરેલા કર્મનું ફળ ભોગવવું પડ્યું.

સંત મહાત્માઓ હંમેશા કહે છે કે હે મનુષ્યો તમે કોઈનું સારું ન કરી શકો તો કાંઈ વાંધો નહીં પરંતુ કોઈનું ખરાબ તો ન જ કરશો. જીવનમાં ક્યારેય કોઈના પ્રત્યે ઈર્ષા, રાગ, દ્વેષ, કોઈનું અહિત વિચારવું, કોઈને શારીરિક,માનસિક અથવા આર્થિક દ્રષ્ટિએ હાનિ પહોંચાડવી આ પ્રકારના કર્મો ક્યારેય ન કરવા, કારણ કે તે મહાપાપ છે. આ પ્રકારના કર્મો કરનારા મનુષ્યથી ઈશ્વર પણ દૂર રહે છે.

પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ કર્મ કરે છે. કેટલાંક લોકો સારા કર્મો કરે તો કેટલાક લોકો ખોટા કર્મો કરે છે. મનુષ્યના જીવનમાં થોડાક વધારે પૈસા અથવા થોડોક ઉંચો હોદ્દો આવી જાય એટલે તે વ્યક્તિ ગેલમાં આવી જાય છે, અને મનફાવે તેમ કરે છે. પરંતુ આ જ તેની સૌથી મોટી નિષ્ફળતા છે. કારણ કે તે જે કર્મો વર્તમાન સમયમાં કરે છે તેનું ફળ તેને ભવિષ્યમાં ભોગવવું પડશે તે વાત તેના સ્મૃતિમાં રહેતી નથી. અને તેની એજ ભૂલ ભવિષ્યમાં તેના માટે પારાવાર મુશ્કેલીઓ ઉભી કરે છે.

સુખ અને દુઃખની વ્યાખ્યા

સુખ હોય કે દુઃખ હોય આ બન્નેમાંથી કોઈપણ વસ્તુ ઈશ્વરે બનાવેલી પ્રોડક્ટ છે જ નહીં. પરંતુ માણસે જે કર્મ કર્યા હોય તે પ્રકારનું ફળ તેને મળે છે. હવે સારા કર્મો કર્યા હોય તો સારું ફળ મળે એટલે કે સુઃખ મળે, અને જો ખરાબ કર્મો કર્યા હોય તો ખરાબ ફળ એટલે કે દુઃખ મળે. હવે આમાં દુઃખ પડે ત્યારે ઈશ્વરને આપણે દોષ દઈએ કે ભગવાન મારી સાથે સારું કરતાં જ નથી, અરે ક્યાંથી કરે ભાઈ તેં કર્મો જ એવા કર્યા છે તો હવે એમાં ઈશ્વર પણ શું કરી શકે. ઈશ્વરની ભક્તિ કરવાથી દુઃખમાં રાહત ચોક્કસ મળે પરંતુ દુઃખમાંથી મુક્તિ ક્યારેય ન મળે.

મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય

એક જીવ જ્યારે ચોર્યાસી લાખ યોનિમાં ભ્રમણ કરીને બહાર આવે છે ત્યારે તેને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. હવે જીવ જ્યારે 84 લાખ વાર જન્મ લે અને 84 લાખ વાર મૃત્યુ પામે ત્યાર બાદ તેને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. તો શું આ મહામૂલા મનુષ્ય અવતારને આમ જ વેડફી નંખાય?  ના…. ઈશ્વરે આપણને આપણને આ મહામૂલો અવતાર આપ્યો છે તો કંઈક એવું કરીને જવાય કે આપણાં ગયા પછી આપણે કરેલા સત્કર્મોના ફળનો મીઠો સ્વાદ લોકોને ચાખી શકે.

મોક્ષ પ્રાપ્ત કરવો અઘરો જરુર છે પરંતુ અશક્ય જરાય નથી. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પહેલાં તો પોતાની જાતને અથવા પોતાના સર્વસ્વને ઈશ્વરને સમર્પિત કરી દેવું પડે, જેવી રીતે મીરાંબાઈ, નરસિંહ મહેતા, અખાભગત, શબરી, સુદામા સહિતના મહાન ભક્તોએ કર્યું તેવી રીતે. ઈશ્વરને પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યા બાદ, સતત ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનું ભજન અને માત્રને માત્ર ઈશ્વરની જ ભક્તિ કરવી જોઈએ. જ્યારે તમારામાં ઈશ્વરત્વ જન્મ લે છે ત્યારે તમારા માટે દુનિયાનું સઘળુ નાશવંત બની જાય છે. અને આ પ્રકારની સ્થિતિમાં મનુષ્ય જ્યારે આવી જાય અને જ્યારે ઈશ્વરને પણ એમ થાય કે લાવ મારે આ જીવને મળવા જવું છે ત્યારે ઈશ્વર સાક્ષાત તમારી જોડે રહીને તમને મોક્ષપ્રાપ્તિ કરાવે છે.

બાકી દુનિયાનું સઘળું નાશવંત છે, સત્ય છે તો માત્ર ઈશ્વર.  ઘણા મનુષ્યો આ સત્ય અર્થાત ઈશ્વરથી જ દૂર ભાગતાં હોય છે. મનુષ્યએ પોતે કરેલા સત્કર્મો જ તેને મોક્ષ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મનુષ્ય સેવા એ જ સાચી સેવા છે. કોઈ ગરીબની દીકરીના લગ્ન સમયે તેનું કન્યાદાન કરવું, ગરીબોની સેવા કરવી, ભૂખ્યાંને ભોજન આપવું, કપરાં સમયે કોઈની મદદ કરવી, ગરીબ પરિસ્થિતિમાં જીવતા લોકોના બાળકોને ભણાવવા, કોઈની ઈજ્જત જ્યારે નીલામ થતી હોય તેવા સમયે તેને મદદ કરવી, ગાયોની સેવા કરવી, શ્વાન,કીડી, પશુપક્ષી વગેરે ભોજન આપવું, કોઈના દુઃખના સમયમાં તેનો સહારો બનવું, અને સૌથી મહત્વની વાત એ કે કોઈ દુઃખી થયેલા માણસના ચહેરા પર સ્મિત લાવવું. આ તમામ કર્મો એવા છે જેની સાક્ષાત ઈશ્વર નોંધ લે છે. અને આ કર્મો આપણને તારી દે છે.

આપણાં વડવાઓ, સાધુસંતો અને ઋષિમુનિઓ આપણને કેટલીક પરંપરાઓ આપતા ગયાં છે જે આપણને સત્કર્મ કરાવે છે. પરંતુ વર્તમાન સમયમાં નવી પેઢીના લોકોના જીવનની કરુણતા એ છે કે તેઓ આ તમામ પરંપરાને વિસરતા જાય છે. યાદ રાખી લેવું ગમે તેટલા પૈસા ભેગા કર્યાં હશે તે અંત સમયે કામ નહીં આવે. મનુષ્ય અવતારમાં તમે ગમે તેટલું કમાયા હશો, ગમે તેટલું ભેગું કર્યું હશે કશું જ સાથે આવવાનું નથી, જો કંઈ સાથે આવશે તો તે છે તમે કરેલા કર્મો. ધનવાન મનુષ્ય પણ પોતે ભેગા કરેલા કરોડો કે અરબો રૂપિયાથી એક શ્વાસ પણ ખરીદી શકતો નથી. પરંતુ હા જો કર્મો સારા કર્યા હોય તો જેટલું જીવાય તેટલું મોજથી જીવાય છે અને મૃત્યુ બાદ પણ સદગતિ પ્રાપ્ત થાય છે.

અને એટલા માટે જ ક્યારેય કોઈનું અહિત ન કરવું. શક્ય હોય તો કોઈનું સારું કરવું પણ ખરાબ તો ન જ કરવું, શક્ય હોય તો કોઈના ચહેરા પર સ્મિત લાવવું પરંતુ કોઈના દુઃખનું કારણ ક્યારેય ન બનવું. કોઈના પર ઈર્ષા કે રાગદ્વેષ ન રાખવા અને સતત ઈશ્વરનું સ્મરણ કરવું. કારણ કે જીવન જીવવાની સાચી પદ્ધતિ આ જ છે. આ પ્રકારે જો જીવન જીવી જવાય તો ખરેખર મનુષ્ય જીવમાંથી તરી જવાય.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)