આત્માની સર્વોચ્ચતાનું ગીત એટલે અષ્ટાવક્ર ગીતા

સારા પુસ્તકો સમાન કોઈ કાયમી મિત્ર નથી. દુનિયાભરમાં ભારત જગતગુરુની ભૂમિકા ભજવે છે. મોટા મોટા મહાપુરુષો હિમાલયનો પ્રવાસ કરી ગયાં છે, ભારતના ધર્મ અને રીવાજો પાછળ ગંભીર અને સો ટચનું સત્ય છુપાયેલું આજે પણ વિજ્ઞાનીઓ સાબિત કરે છે. સ્વામી વિવેકાનંદએ ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે ધર્મ અને આત્માના રહસ્ય જાણવા વિનંતી કરી, અનેક ચર્ચા અને તર્કવિતર્ક પછી પણ સ્વામીજી અતૃપ્ત જ રહ્યાં. ગુરુ રામકૃષ્ણ પરમહંસને લાગ્યું કે સ્વામી વિવેકાનંદની જ્ઞાન પિપાસા માત્ર અષ્ટાવક્રનો ઉપદેશ જ શાંત કરી શકે તેમ છે. સ્વામી વિવેકાનંદ એક જ બેઠકે આખું પુસ્તક વાંચી ગયા, અષ્ટાવક્ર મુનિનો ઉપદેશ તેમને ક્ષીર સાગરનું નવનીત લાગ્યો. સ્વામી વિવેકાનંદ આ જ્ઞાનથી તૃપ્ત થયાં અને તેમણે ગુરુ રામકૃષ્ણ પરમહંસને ભાવવિભોર થઇને વંદન કર્યા.પ્રચલિત મત મુજબ કહેવાય છે કે, અષ્ટાવક્ર જન્મ્યા ત્યારે તેઓના આઠ અંગ વિકલ હતા એટલે તેઓ અષ્ટાવક્રના નામથી ઓળખાયા. ઘણા બધા અંગોમાં ખામીને લીધે તેઓ દેખાવે કરૂપ લાગતા હતા. તેમના કરૂપને લીધે તેમની માતાને પિતા તરફથી તિરસ્કાર સહન કરવો પડતો. બાળક અષ્ટાવક્રએ જોયું કે તેમના પિતા જ્ઞાની હોવા છતાં અષ્ટાવક્રના માત્ર દેખાવને લીધે તેની તરફ ભેદભાવ કરતા હતા. અષ્ટાવક્ર જ્ઞાની અને મેઘાવી હોવા છતાં તેમની બુદ્ધિ અને જ્ઞાનની અવગણના થતી. તેમણે જોયું કે, પિતાતો શાસ્ત્રોના પંડિત હતા છતાં હજુ પણ તેમનું મન મનુષ્યની અંદર રહેલા સર્વોચ્ચ આત્માને જાણી શક્યું નહોતું. અષ્ટાવક્રને પિતાનો પ્રતિભાવ જોઇને ઘણું દુઃખ થતું. સમય જતા અષ્ટાવક્રએ અનેક તર્ક-વિતર્ક સહીત સંસારના સત્યને સમજવા ભગીરથ પ્રયત્ન કર્યો, તેમની અસાધારણ બુદ્ધિને લીધે તેઓ જલ્દીથી સંસારનો સાર પામી ગયા, તેઓ એટલા તો મેઘાવી બન્યા કે જ્ઞાન-વિજ્ઞાનની ચર્ચામાં તેઓ બધા પંડિતોને પોતાના જ્ઞાન અને વિચક્ષણ બુદ્ધિથી હરાવી દેતા.

કહેવાય છે સૌથી પહેલા વેદ આવ્યા, પછી ઉપનિષદો આવ્યા ત્યારબાદ પુરાણો આવ્યા અને છેલ્લે તંત્ર શાસ્ત્ર આવ્યા. અષ્ટાવક્ર ગીતાએ વેદાંતિઓની ગીતા છે. તેનો સમય મહાભારત પહેલાનો છે. તેમાં ખૂબ સ્પષ્ટ રીતે આત્માની સર્વોચ્ચતા પીરસવામાં આવી છે. આચાર્ય ઓશો રજનીશને મતે અષ્ટાવક્ર ગીતાએ ધર્મશાસ્ત્રોનું અમૃત છે. જાણવું રસપ્રદ થઇ પડશે કે તેમાં કોઈ પૂજા કે વિધિ નથી, કોઈ દેવી-દેવતાની વાર્તા નથી, આ ઉપદેશ અદ્વૈતવાદનું સમર્થન કરે છે. અષ્ટાવક્ર ગીતામાં નિર્ભય, નિષ્પક્ષ અને શંકાનું સમાધાન કરતો ઉદાર ઉપદેશ છે. અષ્ટાવક્ર ગીતાએ રાજા જનક અને અષ્ટાવક્ર મુનિ વચ્ચેનો સંવાદ છે. રાજા જનક પણ જ્ઞાની હતા, અનેક શાસ્ત્રાર્થ પછી પણ જનક રાજાને જ્ઞાનની તરસ રહી હતી, અષ્ટાવક્ર મુનિએ આત્માના રહસ્યને સરળ ભાષામાં એક પછી એક તેમની પાસે મુક્યા.

અષ્ટાવક્ર ગીતામાં કુલ મળીને ૨૧ પ્રકરણ છે, બંધમોક્ષ, લયોપદેશ, નિર્વેદ, તત્વસ્વરૂપ, આત્મવિશ્રાંતિ અને જીવનમુક્તિ પ્રકરણમાં સરળ રીતે આત્માનું જ્ઞાન પીરસવામાં આવ્યું છે. અષ્ટાવક્રએ જીવનને સાક્ષીભાવે જીવવા પર ભાર મુક્યો છે, અષ્ટાવક્ર પ્રમાણે આત્મા સાથે જો કર્તાપણું બંધાય તો જ બંધન સર્જાય છે, આ બંધન જ સંસારમાં દુઃખનું કારણ બને છે. અષ્ટાવક્ર મુજબ જ્ઞાની મનુષ્ય સંસારની લીલાનો ભાગ બનતો નથી પણ તે તેનો સાક્ષી બને છે. તેઓ જીવનને દ્વંદ્વોથી પર બની જીવવા કહે છે. નિસ્પૃહી જીવ સંસારના ક્ષુલ્લક ભોગ તરફ નથી જતો પરંતુ તે ચૈતન્ય સ્વરૂપ આત્માનો આનંદ જ માણે છે. આત્મા જ રાજા છે તે જ્ઞાની ખુબ સારી રીતે જાણતો હોય છે.

અષ્ટાવક્ર કહે છે, અજ્ઞાની મનુષ્ય જેને આત્મસ્વરૂપનું સાચું જ્ઞાન નથી થયું તે કર્મ ના કરે તો પણ તેમાં અટવાયેલો રહે છે, તે કર્મથી બદ્ધ રહે છે અને આત્માનું ભાન ગુમાવે છે. જયારે જ્ઞાની મનુષ્ય કર્મ કરવા છતાં તેનાથી લેપાતો નથી, તે સદા મુકત આત્મા જ રહે છે. જ્ઞાની મનુષ્ય જેને આત્માનું જ્ઞાન થયું છે, તે સદા નિર્ભય રહે છે, તેને દિવસ-રાતનો ડર (કાળનો ડર) નથી, કશું ગુમાવાનો ડર નથી કારણ કે તે આત્માનું અમૃત જાણી ચુક્યો છે.

વિચારપુષ્પ: દરેકને સ્વર્ગ જોઈએ છે, પણ મૃત્યુથી બધાને ડર પણ લાગે છે.

અહેવાલ- નીરવ રંજન