દીવાળી બાદ આજે દેવ દીવાળીનો તહેવાર છે. દેવ દીવાળીનું સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ છે. ત્યારે આવો જાણીએ દેવ દીવાળીનો મહિમા અને મહાત્મ્ય.
દેવ દિવાળી સાથે પૌરાણીક કથા જોડાયેલી છે. ત્રિપુર નામનો મહાદાનવ પ્રયાગ ક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપસ્યા કરી. તેના તપના તેજ અને પ્રભાવના કારણે ત્રણ ભુવન બળવા લાગ્યા. એને સંમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં, અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરી અમરત્વ માગ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, ‘હે વત્સ! મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી? શરીર ધારીઓ માટે મરણ અનિવાર્ય છે એટલે મારી પાસેથી અન્ય વરદાન માગી લે.
ત્રીપુરે બ્રહ્માજીને કહ્યું કે પ્રભુ દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે પછી કોઈ રોગથી મારૂ મૃત્યું ન થાય તેવું શ્રેષ્ઠ વરદાન મને આપો. ત્રીપુરને તથાસ્તુ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયો. ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી, અનેક દૈત્યો એની પાસે આવ્યા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે, ‘આપણા વિરોધી દેવોને હણી નાખો. એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો.’ દૈત્યરાજ ત્રિપુરની આજ્ઞા થતાં, સર્વ દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને અને યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો.
વિશેષમાં ત્રિપુરનાં વચનોને અનુસરતાં વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી. જે તેજ ગતિથી ઉડનારાં ધાતુનાં વિમાન જેવાં ત્રણ પુર હતાં. ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી પર ઇરછાનુસાર વિચરતો અને વિનાશ સર્જતો. દેવો ત્રસ્ત અને લાચાર બન્યા. આગળની કથા અનુસાર ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદમુનિનું મિલન થયું સૌએ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું. દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું. ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યુ અને કાર્તિક માસની શુકલ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો, એટલે સર્વ દેવો પ્રસન્ન થયા હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો. આથી આ દિવસને ‘દેવદિવાળી’ તરીકે ઓળખવામાં આવે છે.
કાર્તિક પૂર્ણિમા, ‘દેવદિવાળી’ ના દિવસે જે કોઇ વ્યકિત પરમાત્માનું સ્મરણ કરી સાતસો વીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુકત થાય છે. આ દીપ પ્રાગટય અને તેનાં દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. ‘દેવદિવાળી’ની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે.
(અહેવાલઃ હાર્દિક વ્યાસ)