લોકવ્યવહારની કળાઃ આ 9 વાત તમારા માટે જરુરી છે

કોઈકે સાચું જ કહ્યું છે કે, તમારો વ્યવહાર એ તમારા સંસ્કારોનું પ્રતિબિંબ છે. રાજા ભર્તુહરિએ પોતાના સમગ્ર જીવન દરમિયાન થયેલા કડવામીઠાં અનુભવોના સારરૂપે આ શ્ર્લોક નીતિશતકમાં આપ્યો છે.

दाक्षिण्यं स्वजने दया परजने शाठ्यं सदा दुर्जने

प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जने चार्जवम् ।

शौर्यं शत्रुजने क्षमा गुरुजने कान्ताजने धृष्टता

ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः ||

મનુષ્યે પોતાના સ્વજન માટે ઉત્તમ વ્યવહાર કરવો જોઈએ, આ વ્યવહાર સામાન્ય વ્યવહાર કરતાં એક ડગલું આગળ રહીને સમર્પણ અને પ્રેમની ભાવનાવાળો હોવો જોઈએ. સ્વજન માટે મનુષ્યે હમેશાં પોતાના હૃદય અને ઘરના દ્વાર ખુલ્લાં રાખવા જોઈએ. આ બિલકુલ સો ટચનું સત્ય છે કે ‘સ્વાર્થના સૌ કોઈ સગાં છે, પરંતુ સ્વાર્થીનું કોઈ સગું નથી હોતું.’ મિત્રોમાં અને સગામાં પાંચપચીસ તમારા સ્વજનો હશે તો જીવન જરુરથી હર્યુંભર્યું બની જશે. કારણ વગરના દુઃખ તમારી આસપાસ નહીં આવે અને સુખ સોગણું થઇ જશે. પરંતુ આ સંબંધના પ્રાણ તમારો વ્યવહાર છે. સ્વજનો સાથે વ્યવહાર અમૂલ્ય હોય છે.મનુષ્ય સંસારમાં ભ્રમણ કરે ત્યારે અનેક એવી વ્યક્તિઓ મળશે જે તેની સાથે કોઈ સંબંધ ધરાવતી નથી પણ સમય અને સંજોગે તેની સાથે આવેલી છે. આ વ્યક્તિઓ માટે મનુષ્યે હમેશાં દયા ભાવ રાખવો જોઈએ. દયા ધર્મનું મૂળ છે અને સજ્જનતાની પહેલી નિશાની છે. વટેમાર્ગુ, રોગી અને ગરીબ વ્યક્તિઓ માટે મનુષ્યે દયાભાવ રાખવો જોઈએ.

જીવનમાં કઠોર અનુભવોના કારણ બહુધા દુર્જનો હોય છે, દુર્જનો સાથેનો આપણો ઢીલો અને ઠંડો વ્યવહાર તેમની દુર્જનતાને ઓર સળગાવી મૂકે છે. ગુજરાતીમાં કહેવત છે કે કાગડા બધે કાળાં હોય છે, કોઈ કાળે પૃથ્વી પર માત્ર સજ્જનો જ રહ્યાં હોય તેવું પણ શક્ય નથી. સજ્જનો અને સંતોને આવા દુર્જનોનો પનારો રાતે ને દિવસે પડ્યાં કરે છે. રાજા ભર્તુહરિએ દુર્જનોને સરળતાથી ન લેવા કહ્યું છે, જરુર પડ્યે અને યોગ્ય સમયે દુર્જનોને તેમના કદ પ્રમાણે જવાબ આપવામાં વિલંબ ન કરવો જોઈએ. આ લોક વ્યવહારની ત્રીજી સોનેરી વાત છે. જેમ લીમડામાં દૂધ સિંચવાથી તે મીઠો નથી બની શકતો તેમ ગમે તેટલા સારા વ્યવહાર કરો પણ દુર્જનની દુષ્ટતા જતી નથી. સાપ મંત્રથી વશ થતો હશે પરંતુ દુર્જનને વશમાં કરવાનો કોઈ ઉપાય નથી. માટે પ્રથમ તો આવા દુર્જન વ્યક્તિનો ત્યાગ જ તમને શાંતિ આપશે અને ત્યાગ શક્ય નથી તો ઉપદેશ આપ્યાં વગર તેને યોગ્ય જવાબ આપવા રાજા ભર્તુહરિએ નિર્દેશ કર્યો છે.

કોણ જાણે, જે ત્યાગી છે તેને ભ્રમણકાળે બધે બધું મળે છે, અને જે રાગી કે ભોગી છે તે હમેશાં તરસતો રહે છે. દરેક વ્યક્તિની અંદર એક સાધુપણું હશે. કડવા અનુભવો અને અન્યાય માણસને ત્યાગવૃતિ તરફ ધકેલે છે. સંસારમાં સામાન્ય જણાતી વ્યક્તિમાં પણ સજ્જનતા અને ઉત્તમ વ્યવહાર જોવા મળી શકે છે. સામાન્ય લાગતાં માણસ પણ ઉત્તમ સેવા ધર્મ બજાવતા હોય છે, આવા જનો પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. રાજા ભર્તુહરિએ સાધુજનો, ફકીરો અર્થાત બીજા માટે પોતાને તપાવનાર લોકો માટે પ્રીતિ રાખવા કહ્યું છે. તમે વ્યવહારમાં પણ જોશો કે, અનેક સેવાધર્મીઓ જેવા કે મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ વગેરે બધે ઊંડી લોકચાહના પામ્યાં હતાં, તે આ શ્ર્લોકની સચોટતા પુરવાર કરે છે.

આપણે જીવનમાં તથાકથિત મોટી વ્યક્તિઓ અને ઊંચા આસને બિરાજમાન વ્યક્તિઓને પણ મળીએ છીએ. ‘નયો નૃપજને’ નય એટલે ન્યાય સંગત અને સિદ્ધાંત સાથે, રાજા સાથે હસીમજાક કે વિના તર્કની વાત ચાલે નહીં તે ધ્યાનમાં રાખવું જોઈએ. માપનો અને પ્રસંગોપાત થતો વ્યવહાર તેની મીઠાશ જાળવી શકશે તે પણ ભૂલવું ના જોઈએ. આ થઇ રાજા સાથે વ્યવહારની વાત.

‘વિદ્વજને આર્જવં’ એટલે કે વિદ્વાનો સાથે નમ્રતા, પ્રમાણિકતા અને સ્વીકૃતિની ભાવના રાખવી જોઈએ. વિદ્વાનોને પ્રતિકાર કે વિવાદ પસંદ નથી હોતા, ઉલટાનું આપણને તેનાથી નુકસાન ચોક્કસ થાય છે. વિદ્વાન વ્યક્તિ ફળ લાગેલ વૃક્ષ સમાન છે, તેની પાસે જવાથી સામાન્યજનને ચોક્કસ લાભ થવાની સંભાવના રહેલી છે તે યાદ રાખવું. આવા વિદ્વાનોને રાજા ભર્તુહરિએ નમ્રતાથી સત્કારવા સૂચવ્યું છે. ભાગ્યે જ કોઈ માણસ શત્રુ વિના જીવન ગુજારશે, રાજા ભર્તુહરિએ શત્રુજનો સાથે શૂરવીરતા દાખવવા કહ્યું છે. શત્રુ અને રોગ ઉગતા ડામવા આપણાં પૂર્વજો પણ કહી ગયાં છે. શત્રુઓ સાથે શરણાગતિ એ મૃત્યુ સમાન છે, અનિવાર્ય સંજોગોમાં શત્રુ માટે વ્યવહાર એટલે ‘યુદ્ધએ જ શાંતિ’ હોય છે. ‘ક્ષમા ગુરુજને’ જેમ વિદ્વાનોને નમ્રતાથી આવકારવા કહ્યાં છે તેમ ગુરુજનો પાસે પણ ક્ષમાપૂર્ણ વ્યવહાર કરવાનો છે, અહીં ક્ષમા આપણે ગુરુજનો સમક્ષ માગવાની છે. આપણા કાર્યક્ષેત્રમાં પણ ઘણીવાર કોઈ વ્યક્તિ આપણાં ગુરુસમાન બને છે. ગુરુજનોના આપણી ઉપર અનંત ઉપકાર હોય છે, આવા ગુરુજનોને સત્કારવામાં ક્યાંક તો ત્રૂટિ રહેતી જ હોય છે, માટે તેમની સમક્ષ ક્ષમાનો ભાવ-પ્રાર્થના કરવી જ ઉત્તમ રહેશે. ‘કાન્તાજને ધ્રુષ્ટતા’ અહી રાજા ભર્તુહરિએ સ્ત્રીઓ સાથે વ્યવહારમાં સાવધાન રહેવા કહ્યું છે. પરસ્ત્રી સાથે સ્વાર્થ કે આકર્ષણ ભરેલો સંબંધ અંતે તો પુરુષને નડે છે તે વ્યવહારિક સત્ય છે. માટે પરસ્ત્રીની સોબતમાં પુરુષે ચેતવું જોઈએ.

આમ રાજા ભર્તુહરિએ સાર્થક લોક્વ્યવ્હાર કઈ રીતે થાય તેની સોનેરી ચાવીઓ આપી છે. કોઈકે સાચું જ કહ્યું છે કે, જીવનમાં ભય પામવા જેવું કશું નથી, પણ સમજવા જેવું બધું જ છે. બધી કલામાં જીવન જીવવાની કલા સૌથી શ્રેષ્ઠ છે, અને આપણો વ્યવહાર એ તેનો આત્મા છે.

અહેવાલ- નીરવ રંજન