જેવું આપીશું તેવું પામીશું તે આપણને ખબર છે તો હવે આપણે પોતે શાંતિથી એ જોવું પડશે કે આ માન્યતાની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે? પહેલા દિવસે તો તરત ખબર નહીં પડે પરંતુ ધીમે-ધીમે આપણને ખબર પડતી જશે. કારણ કે આપણી ઘણી બધી માન્યતાઓ છે. જેમ કે મેં તમારા માટે કંઈક કર્યું, તો તમારે મને માન આપવું જોઈએ એ મારી માન્યતા છે. તમે જો મને માન ન આપો તો મને ખોટું લાગશે. કારણ કે મે મારા મનમાં એવી માન્યતા રાખી છે કે જો હું કોઈના માટે કંઈક કરું, તો મને માન મળવું જોઈએ. એ તો સ્વાભાવિક છે, પરંતુ એ જરૂરી નથી કે તરત જ તમારા તરફથી મને માન-સન્માન મળે. બધું જ આપણી ઇચ્છા મુજબ નહીં થાય. હું તમને ખૂબ પ્યાર કરું છું. તમે બીમાર છો અને હું તમારા માટે ફૂલ લઈને આવું છું, તમારી સાર-સંભાળ કરું છું, પરંતુ જયારે હું બીમાર પડી અને જો તમે મને કશું પૂછ્યું પણ નહીં. પરિણામે મારા મનમાં કયા અને કેવા વિચારો થાય. અને પછી તમે એમ વિચારો છો કે જો ફરીથી તમે બીમાર પડશો તો હું તમારા માટે કાંઈ પણ નહીં કરું.
આ પ્રકારની વિચાર કરવાની પદ્ધતિ આપણે હવે બદલવી જ જોઈએ. આવા સમયે આપણે એવું વિચારવું જોઈએ કે હું એજ કામ કરીશ જે મને સારું લાગે છે અને જે કાર્ય દ્વારા મને ખુશી મળે છે. આમ આ પ્રકારની વિચારશૈલીથી આપણું જીવન પણ સરળ બની જશે અને જીવનમાં સહજ ખુશીનો અનુભવ થયા કરશે. શું આપણે આપણી માન્યતાઓને બદલી શકીએ? કે હું કોઈપણ પ્રકારની ઈચ્છા, અપેક્ષા, આશા રાખ્યા વગર મારું કાર્ય સારી રીતે કરી શકું છું. શું આવું શક્ય છે કે નથી? આના માટે અભ્યાસની જરૂર છે. જો મેં કોઈના માટે કંઈક સારું કર્યું અને જ્યારે મારો સમય આવ્યો ત્યારે તેણે મારું કામ ન કર્યું. પરિણામે તેવા સમયે હું દુઃખની લાગણી અનુભવું છું. આનું કારણ એ પણ છે કે, મેં મારા મનમાં એવી માન્યતા રાખી હતી કે, મેં તેના માટે સારું કર્યું છે, તો તેણે પણ મારા માટે સારું કામ કરવું જ જોઈએ. જો તેઓ મારા માટે કશું કામ મારી આશા પ્રમાણે કરતા નથી તો હું દુઃખી થઈ જઉં છું. દરેકનું વ્યક્તિત્વ, સ્વભાવ તથા પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. તમે મારા ઘેર આવ્યા હતા ત્યારે મેં તમને સંપૂર્ણ ભોજન કરાવેલ અને હું જયારે તમારા ઘેર આવી ત્યારે તો તમે મને ફક્ત ચા પીશો એમજ પૂછ્યું? પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. આ એક બહુ જ સૂક્ષ્મ માન્યતા છે કે હું જેટલું બીજા માટે કરું છું તેવી જ રીતે તેમણે પણ મારા માટે કામ કરવું જોઈએ.
જો મારી આ માન્યતા મને દુઃખ આપી રહી છે તો તે બદલવી જરૂરી છે. દરેકનું વ્યક્તિત્વ, વિચારસરણી, વ્યવહાર, પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. જેટલું તમે મારા માટે કરો છો એટલું કરવાની મારી સ્થિતિ નથી. પરિણામે હું મારી પરિસ્થિતિ તથા વિચાર અનુસાર કરીશ જે તમારી અપેક્ષા મુજબ નહીં હોય અને તમે દુઃખી થઈ જશો. આપણે હંમેશાં ખુશ રહેવા માટે વિચારવું જોઈએ. હું બીજા માટે એટલા માટે તેમનું કામ કરું છું કે તે કામ મને સારું લાગે છે, અને તે કામથી મને ખુશી થાય છે. હવે આપણે બીજા પાસે આશા કે અપેક્ષા રાખીશું નહીં. આમ આવી રીતે આપણે આપણી પોતાની માન્યતા બદલી દીધી. હું તે જ કરીશ જે મને યોગ્ય લાગશે. અને બીજા લોકો પણ એવું જ કરશે જે તેમને યોગ્ય લાગશે. મારે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું છે.
આ પ્રકારની માન્યતા રાખવાથી અન્ય લોકોના વ્યવહારના કારણે હું દુઃખી થઈશ નહીં. જયારે આપણને એવો અનુભવ થાય મને ખોટું લાગવાનું શરૂ થયું છે, તે સમયે મનના વિચારોને ત્યાં જ રોકી દેવા જોઈએ અને ચેક કરવું જોઈએ કે, મારી કઈ માન્યતાના કારણે આ પ્રકારનો વિચાર પેદા થયો? જે કોઈ નકારાત્મકભાવ મનમાં થાય છે તેની પાછળ આપણી કોઈને કોઈ માન્યતા રહેલી હોય છે તેને બદલવાની જરૂર છે. આ લેખમાળા દ્વારા આપણે જે પણ શીખી રહ્યા છીએ તેને જીવનમાં ધારણ કરતા જઈએ, જેથી આપણું જીવન કાયમ ખુશીઓથી ભરપૂર રહે.
વધુ આવતા અંકમાં.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)