સ્મૃતિના બે આધાર: દિલનો સ્નેહ અને નફરત કે વેરભાવ

જીવનની દરેક સ્થૂળ વસ્તુઓની વહેંચણી થઈ શકે છે પરંતુ સારી કે ખરાબ સ્મૃતિઓની નહીં. પાપ કરવું એ તો જહેરને ગળા નીચે ઉતારવા સમાન દુઃખદાયક હોય છે જ. પરંતુ તેની યાદ વારંવાર પશ્ચાતાપની ચિતામાં સળગાવે છે. માટે જ યોગી વ્યક્તિ એક તરફ વિકર્મોને વિદાય આપે છે તથા બીજી તરફ જે થઈ ગયું છે તેને ભૂલી તેમાંથી બોધ ગ્રહણ કરી આગળ વધે છે. તેણે કરેલ ભૂલના યાદ તે ડાઘને ઊંડો કરે છે અને ઈશ્વરની સ્મૃતિ તેને હલકો કરતા-કરતા બિલકુલ દૂર કરે છે.

પરિવર્તનનો આધાર સ્મૃતિની શક્તિ છે. આ સૌથી મહત્વની જાણવા જેવી વાત છે. સંસારમાં લોકોએ વિશ્વ પરિવર્તનના અન્ય ઉપાય તો કર્યા પરંતુ સ્મૃતિને શ્રેષ્ઠ બનાવીને પરિવર્તન કરવાના ઉપાયથી તેઓ દૂર જ રહ્યા. સ્મૃતિના બે શક્તિશાળી આધાર છે. એક છે દિલનો સ્નેહ તથા બીજો છે નફરત કે વેરભાવ. જો સ્મૃતિ રૂપી નૌકામાં શત્રુતાના ભાવ ભર્યા હશે તો તે નૌકા કિનારાને સ્પર્શી નહીં શકે. મનમાં જેટલા વધુ લોકો માટે ખરાબ ભાવ હશે તો યોગમાં બેસતી વખતે તે બધા યાદ આવશે, અને મન બિંદુ બનવાના બદલે ખરાબ ભાવની યાદોનો સાગર બની જશે.

સ્મૃતિઓ સૂક્ષ્મ ચિત્રોના રૂપમાં બુદ્ધિ રૂપી નેત્રની સામે આવે છે. બુદ્ધિ રૂપી નેત્ર એકસાથે બે ચિત્રો નથી જોઈ શકતું. એક સમયે એક જ ભાવનો આનંદ લઈ શકાય છે. જ્યાં હદ છે ત્યાં બેહદ નથી અને જ્યાં બેહદ છે ત્યાં હદ નથી. 5 તત્વો તથા વિકારો દ્વારા બનેલ શરીર તથા તેની સાથે જોડાયેલ વ્યવહારની ક્ષુદ્ર સ્મૃતિઓ સામે આવી શકશે અથવા રચયિતા પરમાત્માના બેહદ દિવ્ય જ્ઞાન પર આધારિત દિવ્ય સ્મૃતિઓ બુદ્ધિ રૂપી નેત્રની સામે આવી શકશે. એકાગ્રતા રૂપી જ્યોતિને અશુદ્ધ મનોભાવનાની લહેરો લાગતી રહેશે તો તે ઘણીવાર ડગમગશે અને કોઈ વાર ઓલવાઈ પણ જશે. જો થોડી સ્થિરતાનો અનુભવ થશે તો તે પણ એવી રીતે કે કોઈ વ્યક્તિ સાગરમાં ફક્ત ભીનો થઈને બહાર આવી જાય અને મોતિઓથી વંચિત રહી જાય. શક્તિશાળી ચુંબક હંમેશા કાટ વગરના લોખંડને આકર્ષિત કરે છે.

શક્તિશાળી આત્મા પણ હંમેશા સમર્થ વાતોને સ્વીકારી તેને ચિંતનમાં લાવે છે. તેને હંમેશા વિશ્વના નવનિર્માણની, અન્ય આત્માઓની વિશેષતાઓને તથા મુક્તિ-જીવનમુક્તિના બંધ દરવાજા ખોલવાની સ્મૃતિ હંમેશા રહે છે. શ્રીમદ ભગવત ગીતામાં નષ્ટોમોહા સ્મૃતિલબ્ધા બનવાનું લક્ષ્ય સાધકને આપવામાં આવેલ છે. પ્રત્યેક આધ્યાત્મિક પુરુષાર્થનું અંતિમ લક્ષ ઈશ્વરીય સ્મૃતિ સ્વરૂપ બનવાનું જ છે. આ માટે કર્મેન્દ્રિયો વશ હોવી જરૂરી છે. નહીં તો યોગમાં ભોગ યાદ આવશે અને વ્યક્તિ શ્રેષ્ઠાચારી બનવાના બદલે મિથ્યાચારી બની જશે.

કાલિદાસ દ્વારા રચાયેલ નાટક “અભિજ્ઞાન શકુંતલમ’ નો હીરો દુષ્યંત જીવનના છેલ્લા તબક્કામાં યાદ શક્તિ ઓછી થવાના શ્રાપથી શ્રાપિત થાય છે જેથી તેને જીવનમાં અપમાન, અશાંતિ વિગેરે ભોગવવા પડે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)