જે દિવસે એ વિશ્વાસ થઈ ગયો કે હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આ શરીર મારી મોટર છે જેનો હું ડ્રાઇવર છું, કંટ્રોલર છું. આપણા જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે. આપણને જીવનમાં એવો અનુભવ થાય છે કે મૂલ્યો પર ચાલવાથી મારી પ્રગતિ રોકાઈ ગઈ, મારુ પ્રમોશન અટકી ગયું, મારી બદલી થઈ ગઈ, મારે ઘણું સહન કરવું પડ્યું. પરંતુ આપને સહન ત્યારે જ કરવું પડ્યું કહેવાય કે જ્યારે સહન કરવાથી આપને દુઃખનો અનુભવ થાય. આપણે એવું વિચારીએ કે ખૂબ ખૂબ સુખી છું, સંતુષ્ટ છું. મારી આજુબાજુના બધા લોકો ખૂબ સારા છે. મારે જીવનમાં કોઈ વધારાની અપેક્ષા નથી. તો આનાથી આપણા જીવનનો આખો ઉદ્દેશ્ય જ બદલાઈ જશે તથા ખુશીની પરિભાષા જ બદલાઈ જશે.
જીવનમાં સફળતા મેળવવા માટે શક્તિશાળી સકારાત્મક વિચારો હોવા જરૂરી છે, જે આપણે પોતે ઉત્પન્ન કરીએ છીએ. આપણે આખું જીવન પસાર કરીએ છીએ પરંતુ એ જાણ્યા વગર કે હું કોણ છું? જ્યારે જીવનમાં આપણે પ્રાપ્ત કરેલ ઉપલબ્ધિ માં કાંઈ પણ ઉપર-નીચે થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે મારા જીવવાનો કોઈ અર્થ નથી. જીવનમાં આપણને બધી બાબતો યાદ આવે છે પરંતુ હું કોણ છું? તે યાદ નથી રહેતું. પરિણામે આપણું જીવન વિનાશી વસ્તુ ઉપર આધારિત થઇ જાય છે, જે પાછળથી દુઃખ આપે છે. આપણે પોતાને યાદ અપાવવું જોઈએ કે હું આ શરીર નો માલિક આત્મા છું. પોતાને આત્મા નિશ્ચય કરવાથી એક ફાયદો એ થાય છે કે આપણી કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે. જેવી રીતે ડ્રાઇવર સૂઈ જાય છે છતાં પણ ગાડી ચાલી રહી છે, જેમાં અકસ્માત થવાનો ભય રહે છે. તેવી જ રીતે આત્મા રૂપી ડ્રાઇવર અજ્ઞાન ઊંઘમાં સુઈ ગયો છે છતાં પણ શરીર રૂપી ગાડી ચાલે છે. હવે આત્મા ડ્રાઇવરે જાગવાનું છે અને પોતાની ગાડી ને સંભાળવાની છે.
હું આત્મા જ્યારે વિચારવાનું કામ કરું છું ત્યારે મન દ્વારા સંકલ્પ કરું છું અને બુદ્ધિ દ્વારા નિર્ણય લઉં છું, પછી તે મારા કર્મ માં આવે છે. જો કોઈ કર્મ વારંવાર કરવામાં આવે છે તો તે મારો સંસ્કાર બની જાય છે. માટે જ આપણે કહીએ છીએ કે આ સારા સંસ્કારવાળી આત્મા છે, એવું ક્યારેય નહીં કહીએ કે આ બહુ સારા સંસ્કાર વાળુ શરીર છે. સંસ્કાર કોના છે? આત્માના. આત્માના ત્રણ અંગ છે. -મન, બુદ્ધિ અને સંસ્કાર. જીવનની આ યાત્રામાં હું કેવું કાર્ય કરું છું તથા કેવા સંસ્કાર મારામાં જમા થાય છે તે સમજવું ખૂબ જરૂરી છે. આપણે જીવનમાં પ્રાપ્ત કરેલ તમામ ઉપલબ્ધિઓ આત્માને શરીર છોડ્યા બાદ અહીં જ રહી જાય છે. ફક્ત આપણે જીવન દરમિયાન કરેલ કાર્યો ના સંસ્કાર જે આત્મામાં જમા થયા છે તે આપણી સાથે આવે છે. જ્યારે આપણે સ્મશાનમાં જઈએ છીએ ત્યારે આપણને આ બધી બાબતો યાદ આવે છે, આને કહેવાય સ્મશાની વૈરાગ્ય. તે સમયે વૈરાગ્ય આવે છે કે આ બધું તો અહીં જ રહી જવાનું છે. આપણે જીવન દરમિયાન સાધનો નો પ્રયોગ કરવાનો છે પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે મારી સાથે અંત સમયે શું આવવાનું છે?
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)