દુઃખ તથા સુખનો આધાર છે આપણા વિચારો

ઘટનાઓ તથા દુર્ઘટનાઓના કુચક્ર થી ભરેલ વર્તમાન સમયે માનવીની સાથે તથા તેની આજુબાજુ ના વાતાવરણમાં પણ અનેક ગમતી તથા અણગમતી ઘટનાઓ બનતી જ રહે છે. ક્યારેક આપણને અપમાનીત થવાની અનુભૂતિ થાય છે, કોઈ જગ્યાએથી આપણી ઇચ્છા મુજબ વ્યવહાર નથી થતો, ક્યારેક કોઈ મોટી બીમારી જીવન જીવવાની ઈચ્છાને સમાપ્ત કરી દે છે. ક્યારેક ધનની અછતના કારણે એક ખૂણામાં બેસીને આંસુ વહેવડાવવા પડે છે, ક્યારેક તણાવથી ભરેલ સંબંધોમાં શ્વાસ રૂંધાય છે તો ક્યારેક અજાણી ભયંકર શારીરિક તથા માનસિક યાતનાઓને સહન કરવી પડે છે. જો આપણે આ બાબતો અંગે વારંવાર વિચારીશું તો વર્તમાન સમયે દુઃખી થઈશું તથા બીજા માટે સમસ્યા ઊભી થઇ જશે. એ સંપૂર્ણ રીતે સત્ય છે કે વર્તમાન સમયે સંસારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેવો પણ પાગલ છે તેના 90 ટકા લોકો ભૂતકાળની દુઃખ આપનાર યાદ યાદોના કારણે જ પોતાના મનનું સંતુલન ગુમાવવા માટે નિમિત્ત બને છે.

ભગવાન શિવ પણ વ્યર્થની સ્મૃતિના વિષય માટે એ જ કહે છે કે જ્યારે મનુષ્યની સામે ભૂતકાળની ન ગમતી બાબતો આવે છે ત્યારે તે અંગે ખૂબ વિચારીને તેમાં પ્રાણ પૂરી દે છે. પરિણામે તે ખૂબ દુઃખી-અશાંત બની જાય છે. અંતમાં સાગર પરમાત્માની યાદમાં ‘બીતી સો બીતી” કરી તે વ્યર્થ બાબતોને મનમાંથી દૂર કરવી જ પડે છે. માનવ જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભૂલી જવા વાળી બાબતોને યાદ રાખે છે અને યાદ રાખવા જેવી બાબતોને ભૂલી જાય છે. આપણે વ્યર્થને ભૂલવા તથા સમર્થને ધારણ કરવાની કળા વિકસિત કરવી પડશે.

આ પ્રક્રિયામાં આપણા મનોબળનો ખૂબ મોટો હાથ છે. એ એક સનાતન સત્ય છે કે માનવને કોઈ દુઃખી નથી કરી શકતું. તે પોતાના વિચારો થી જ દુઃખી થાય છે. જૂની સ્મૃતિઓના આધાર પર આપણા વર્તમાનમાં વિચારો ઉત્પન્ન થાય છે જે આપણને દુ:ખી બનાવી દે છે. પરિણામે વર્તમાનના પડકારોનો સ્વીકાર કરવાની શક્તિ પણ સમાપ્ત થઈ જાય છે. સંસારની દરેક પ્રકારની પરિસ્થિતિઓ દરરોજ બદલાતી રહે છે.

 

એક શિક્ષક કે જેણે તમને સ્કૂલમાં માર માર્યો હતો. આજે તમે ઊંચા હોદ્દા પર હોવાના કારણે તમારું સન્માન કરે છે, તો શું તમે સ્કૂલની વાતને યાદ રાખીને તેમના થી નફરત કરશો? એક મિત્રએ તમને નવી નોકરી મેળવવા માટે સહયોગ નહોતો આપ્યો, પરંતુ આજે તે તમારા માટે કાંઈ પણ કરવા તૈયાર છે. તો શું તમે તેને તેજ નજર થી જોશો? એવી અનેક ઘટનાઓ છે કે જે સમયની સાથે બદલાઈ ગયેલ છે. પરંતુ જો તમે જૂની કડવી વાતોને જ યાદ રાખશો તો શું પ્રાપ્ત થશે? ફક્ત વર્તમાનમાં દુઃખ. ઘટનાઓની સાથે-સાથે માનવ દરેક સેકન્ડે બદલાતો જ રહે છે. એક સુંદર અંગ્રેજી કહેવત છે – “Every saint has a past and every sinner has a future.” આ વાક્ય નો સાર એ છે કે “આજનો ડાકુ કાલે સંત બની શકે છે તથા આજે જે સંત છે ભૂતકાળમાં ડાકુ હોઈ શકે છે.” માટે જ વર્તમાનમાં થયેલ પરિવર્તનની પ્રશંસા કરી પ્રસન્નતાનો અનુભવ કરવો તથા ભૂતકાળની દુઃખી કરવા વાળી બાબતોને ભૂલવું તે જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)