વાસ્તુ: શિવલિંગ પર કેવડાના અત્તરથી અભિષેક કરવાથી આર્થિક છેતરપીંડી ઘટે

શું તમે ક્યારેય છેતરાયા છો? મોટા ભાગના લોકોનો જવાબ હા જ હશે. દરેકે દરેક વ્યક્તિ પોતાના જીવન કાળ દરમિયાન ક્યારેક તો છેતરાય જ છે. ક્યારેક આર્થિક, ક્યારેક માનસિક તો ક્યારેક સામાજિક બાબતો તેની સાથે જોડાયેલી હોય છે. કોઈનું ભલું કરવા જતા છેતરાઈ ગયાની લાગણી અનુભવાય તો શું કરવું જોઈએ? જે તે વ્યક્તિને એના કર્મના ભરોસે છોડી દેવા જોઈએ. એક માણસ છેતરાય છે ત્યારે એક સજ્જન વ્યક્તિના સ્વભાવમાં બદલાવ આવી શકે. એટલે કે એક સારી વિચારધારાનું ખૂન થાય છે. તેથીજ છેતરપીંડી કરનાર વ્યક્તિ કદાચ એકાદ ક્ષણ માટે રાજી થઇ શકે પણ સુખી તો ન જ થાય. ભારતીય નિયમો મુજબ વાસ્તુની ઉર્જાની સાથે વ્યક્તિના કર્મોની ઉર્જા પણ કામ કરે જ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારો સ્વભાવ ખુબ લાગણી સભર છે. ભૂતકાળમાં મેં ભૂખ્યા રહીને પણ લોકોને જમાડ્યા છે. પણ હવે સમય બદલાયો છે. કોરોના કાળ પછી મારા આખા પરિવારે નવા કપડા ન લેવાનો, તહેવારો ન ઉજવવાનો, સાદું ખાવાનો નિર્ણય લીધો. અમે જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા પ્રયત્ન કર્યો. પણ જેવી ખબર પડી કે અમે મદદ કરીએ છીએ. જેમની પાસે પુરતું હતું એ પણ અમને દબાણ કરીને મદદ લેવા આવી ગયા. એક હદ પછી અમે ના પાડી એટલે એમણે અમારા વિષે ખુબ ખરાબ વાતો કરવાની શરુ કરી દીધી. તો શું કોઈને મદદ ન કરવી જોઈએ? શું અમે ખોટા હતા? અમે અમારા મોજશોખ છોડીને સમાજને મદદ કરવા નીકળ્યા અને જે અનુભવ થયા એ પછી કોઈને મદદ કરવાનું મન નથી થતું. શું સારા માણસો રહ્યા જ નથી?

જવાબ: સુપાત્રને દાન. આ વાક્ય ખુબ સમજીને લખાયું હશે. દયામણા બનીને કોઈનો ઉપયોગ કરી લેવો એવી ખાસિયત વાળા લોકો બધાને મળી જાય છે. કર્મના સિદ્ધાંતને સમજવા વાળા લોકો ઘટી ગયા છે. અંતે સાથે કશુજ નથી આવવાનું એ પણ લોકો કદાચ ભૂલી રહ્યા છે. દેખાદેખી, મોજશોખ, એ જીવન નથી. કોઈક નેતા સાથે ફોટા પડાવીને લોકોને ઠગવા વાળા લોકો પણ દેખાય છે. તમે તમારી સારપ ન છોડો. જે લોકો માત્ર સ્વાર્થ માટે જ જીવે છે એમનો જીવનકાળ પણ સુખમય નથી હોતો. માણસને અમે એની જરૂરીયાતને સમજી અને મદદ કરો. ભીખ આપવી એ પણ ગુન્હો છે. કોઈ ગમે તે બોલે, દબાણમાં આવીને પણ કોઈને પૈસા ન અપાય. એવું કરીને તમે આવી પ્રવૃતિને પ્રોત્સાહન આપશો. તમે જેમને ખરા ટાણે મદદ કરી એ પણ તમારું અહિત ઈચ્છે છે એ સાચે જ ખરાબ કહેવાય. તમે એમના જીવનનો અભ્યાસ કરો. એ લોકો આંતરિક રીતે ક્યારેય સુખી નહિ હોય. અન્યના સુખમાં બાધક વ્યક્તિ સુખી ન જ થાય. તમે મદદ કરીને સુખી રહો. માત્ર ગમે તેને મદદ ન કરો. જોઈ વિચારીને મદદ કરો.

સવાલ: મેં સોસીયલ મીડિયા પર કોઈને મદદ માટેની અપીલ જોઈ અને જરા પણ વિચાર્યા વગર યથાશક્તિ મદદ કરી. મને એ વ્યક્તિ સારા લાગ્યા જે અન્યને મદદ કરવા લોકોને સમજાવતા હોય. એમના અન્ય એક કાર્યમાં મેં પૈસા આપ્યા અને હવે એમનો વ્યવહાર બદલાઈ ગયો છે. શું આગળ પણ જે રજૂઆત હતી એ માત્ર પોકળ જ હશે? શું ત્યારે પણ મારા પૈસાનો દુરુપયોગ જ થયો હશે? આવું થવાનું કારણ શું?

જવાબ: દરેક વ્યક્તિ એના સંજોગો પ્રમાણે વ્યવહાર કરે છે. બહુ ઓછા લોકો સ્થીતપ્રગ્ય રહી શકે છે. બની શકે કે પહેલી વખતની અપીલ સાચી હોય. જરૂર કરતા વધારે બહોળો પ્રતિસાદ મળ્યા બાદ એ વ્યક્તિના વિચારો બદલાયા હોય. કોઈ એક વ્યક્તિ અનેક વ્યક્તિને છેતરી શકે છે. અનેક વ્યક્તિઓ એક વ્યક્તિને વારાફરતી છેતરી શકે છે. પણ એક વ્યક્તિ એની એ વ્યક્તિને વારંવાર છેતરી ન શકે. કોઈના પણ આંખો મીંચીને વિશ્વાસ ન કરો. એની સામે દરેક વ્યક્તિ પર અવિશ્વાસ પણ ન કરો. પણ વિચારીને, સંજોગોને સમજીને અને રજૂઆતની સત્યતા જોઇને પછી નિર્ણય લો. કેટલાક લોકો ભલા માણસોને મુર્ખ સમજતા હોય છે. જયારે ઇશાનથી વાયવ્યની વચ્ચે બે થી બધારે દોષ હોય અને અગ્નિનો દોષ હોય ત્યારે વ્યક્તિને અન્યને છેતરવાનું સુજે. અને વાયવ્યના અમુક દોષના કારણે વ્યક્તિ છેતરાય. તમારો આશય સારો હતો એટલે એક નહિ તો બીજી રીતે તમારા પૈસા પાછા આવી જશે. સામે વાળાના કર્મ એના પોતાના હોય છે.

સુચન: શિવલિંગ પર કેવડાના સાચા અત્તરથી અભિષેક કરવાથી આર્થિક છેતરપીંડી ઘટે છે.( જોકે જાણકાર પાસે અભિષેકની સમગ્ર રીત જાણવી જરૂરી છે.)

Email: vastunirmaan@gmail.com