શું વાસ્તુ દોષ હોય તો વ્યક્તિ નકારાત્મક બની શકે?

કળા અને સંસ્કૃતિની વાતો તો ઘણી થાય છે પણ શું આપણે સહુ એના માટે સક્રિય છીએ? અન્ય કોઈ દેશને તકલીફ પડે અને આપણે સપના જોવા લાગીએ કે હવે આપણે બધાથી આગળ નીકળી જઈશું એના કરતા આપણે સતત વિકાસશીલ રહીએ તો? શું અન્ય દુખી થાય તો જ આપણે સુખી થઇ શકીએ? કોઈના સાપેક્ષ વિના સુખી ન થવાય? થોડો સમય ઊંડા શ્વાસ લઈને વિચારો. જવાબ તરત જ મળી શકશે. એનું કારણ એ છે કે અન્યને દુખી જોવાની ઈચ્છા એને જ થાય જેને સુખની સાચી સમજણ નથી. જે સુખને સમજી જાય છે એને કોઈના પ્રમાણ લેવાની જરૂર જ નથી. સુખ એ આંતરિક અનુભૂતિ છે. એના માટે બહાર હવાતિયા ન  મારીએ તો ચાલે. સાચા સુખને પામવા માટેની ઉર્જા મળે છે ભારતીય વાસ્તુ નિયમો માંથી.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે આપેલા આઈડી પર પૂછી શકો છો.

સવાલ: અમારી બાજુમાં એક ભાઈ રહે છે. એ પોતાની જાતને ઈશ્વરના અવતાર માને છે. વાત વાતમાં નરકમાં નાખવાની ધમકી આપે છે. નથી એમને શાસ્ત્રોનું જ્ઞાન કે નથી એમને જીવનનું ભાન. વ્યસન કરે છે, અપશબ્દો બોલે છે. અપમાનજનક વાતો પણ કરે છે. તો પણ એમને પૂજવા વાળા મળી રહે છે. આવા ઢોંગી પણાને રોકી ન શકાય? આવી નકારાત્મક વ્યક્તિ બનવા માટે કયા વાસ્તુ દોષ કામ કરે?

જવાબ: સહુથી પહેલા તો લોકો એ સમજવું પડશે કે જે પોતે જ વ્યસનનો ગુલામ છે એ અન્યને મુક્તિ ક્યાંથી આપશે? બીજી વાત કોઈ પણ વ્યક્તિ મહાન ત્યારે જ બને છે જયારે લોકો એને સ્વીકારે છે. લોકોએ આવા માણસને ભગવાનનું સ્વરૂપ માની લીધો એ એમની જ ભૂલ છે. કોઈ નરકમાં નંખાવવાની વાત કરે એટલે ડરી જવાનું? જે લોકો મોક્ષ આપાવવાની વાતો કરે છે એ પોતે મોક્ષને સમજે છે ખરા? અંધ શ્રદ્ધા હોય ત્યાં આવા લોકો ફાવે જ. તમે સમજો છો પણ તમે આ સ્થિતિ માટે લોક જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યા? મોટા ભાગે આપણે ફરિયાદ જ કરીએ છીએ. પ્રયત્ન નહિ.

જયારે ઈશાનથી નૈરુત્યનો મોટો દોષ હોય ત્યારે વ્યક્તિને પોતાના ફાયદા માટે અન્યને છેતરવા ગમે. જોકે આ ઉર્જાને સુધારવા માટે તમારા પેલા પાડોશીએ પ્રયત્ન કરવો પડે. એને સુધરવું ગમશે?

સવાલ: નમસ્તે. મને ખબર છે તમે ફોનમાં વાત કરો ત્યારે નમસ્તે કહો છો. તમે ભારતીયતાનું સાચું સ્વરૂપ છો. મારી દીકરીને ભણવામાં આવે છે કે વાસ્તુ એ જ્યોતિષ શાસ્ત્રનો ભાગ છે. શું આ સાચું છે? મને વિશ્વાસ નથી આવતો.

જવાબ: જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહની વાત છે. જેમાં એક પણ ગ્રહનું નામ પૃથ્વી નથી. વાસ્તુમાં એક ગ્રહની વાત છે જેનું નામ પૃથ્વી છે. આ બંને શાસ્ત્રો પોત પોતાની રીતે અદ્ભુત છે. પણ આધિપત્યની ભાવનાના કારણે દરેકને પોતે શ્રેષ્ઠ છે અને અન્ય પોતાની નીચે છે એવું દર્શાવવું ગમે. તમને આવો વિચાર આવ્યો એ જ સારી વાત છે.

સુચન: વાસ્તુ શાસ્ત્ર એ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. જાતકના નામ કે રાશિ પ્રમાણે ઘરનું દ્વાર ન મૂકી શકાય.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )