સોળે સાન ને વીસે દસ ભાષાનું જ્ઞાન!

ભાષાના અભ્યાસ અને તેની જાણકારી હોવાની બાબતમાં દુનિયાના અન્ય લોકોની સરખામણીમાં એક અબજ કરતાં વધુ ભારતીયો હંમેશા મુઠ્ઠી ઉચેરા સાબિત થયા છે. દરેક સરેરાશ ભારતીય ઓછામાં ઓછી બે, અને કરોડો ભારતીયો ઓછામાં ઓછી ત્રણ ભાષા કડકડાટ જાણે છે. વિશ્વમાં બાકી દેશોના નાગરિકો આપણી આ આવડત જોઈને ઘણી વાર અચરજમાં સરી પડતાં હોય છે. બે ભાષા જાણતા લોકોને અંગ્રેજીમાં બાય-લિંગ્વલ અને બે કરતાં વધુ ભાષા જાણતા લોકોને મલ્ટી-લિંગ્વલ કહેવાય છે.

ભાષાઓ ક્ષેત્રે અન્ય એક શબ્દ પણ પ્રચલિત છે – હાયપરપોલિગ્લોટ (Hyperpolyglot). જે લોકો છ અથવા તેથી વધારે ભાષા લખી, વાંચી, બોલી અને સમજી શકતા હોય તેને હાયપરપોલિગ્લોટ કહેવાય છે. આ વાત છે ગુજરાતના સૌથી યુવા વયના હાયપરપોલિગ્લોટ રાજમાન નકુમની, જે બે-પાંચ નહિ પણ પૂરી દસ ભાષા જાણે છે!

હાલ ગોંડલ ખાતે ગુજરાત પોલિસમાં સીઆઇડી (ક્રાઇમ) વિભાગમાં ફરજ બજાવતા પોલિસ ઇન્સપેટક્ટર કપિલ નકુમના વીસ વર્ષના પુત્ર રાજમાન છેલ્લા પાંચ વર્ષથી સતત વિવિધ ભાષાઓનો અભ્યાસ કરી રહ્યા છે. ચિત્રકળા, ગિટાર તેમજ માર્શલ આર્ટમાં રસ અને આવડત ધરાવતા રાજમાન કઈક નવું શીખે જેનાથી તેમને કારકિર્દીમાં પણ ફાયદો થાય અને તેમની બુદ્ધિક્ષમતા પણ વધારે તેજ બને તેવા હેતુથી કપિલભાઇએ તેમને નવી ભાષા શીખવા સૂચન કર્યું હતું અને પિતાની વાત અનુસરીને રાજમાને રાજકોટમાં ફ્રેન્ચ ભાષા શીખવાની શરૂઆત કરી. નવી ભાષા શીખવા માટે સામાન્ય કરતાં ઘણા ઓછા સમયમાં (બેથી અઢી મહિનામાં) પરીક્ષા આપવા જેટલું ફ્રેન્ચ શીખી લીધા પછી અમદાવાદમાં ‘આલિયાન્સ ફ્રોન્સેસ’ ખાતે ફ્રાન્સ શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા.

એક નવી ભાષા શીખવાનો કશુંક અસમાન્ય જ્ઞાન મેળવ્યું હોવાનો તેમને અપાર રોમાંચ હતો. ફ્રેન્ચની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે બીજી બે ભાષા શીખવાનું શરૂ કર્યું. સવારે સ્પેનિશ શીખતા અને બપોરે જર્મન. યુરોપની અન્ય ભાષાઓની સરખામણીમાં જર્મન ભાષા શીખવી મુશ્કેલ ગણાય છે, પરંતુ રાજમાને તો જર્મન અને સ્પેનિશ બંને ભાષા સાથે શીખવાનું બીડું ઝડપ્યું. બંને એકબીજા કરતાં તદ્દન જુદી ભાષા હતી પણ જે વસ્તુ આપણે મનથી શીખી રહ્યા હોય ત્યાં કોઈ અવરોધ ક્યાં આવે છે? રાજમાને આ બંને ભાષા પર પણ પ્રભુત્વ મેળવ્યું અને તેની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય પરીક્ષાઓ આપી.

ત્રણ ભાષા શીખ્યા પછી હવે રાજમાનને ભાષાઓ શીખવામાં મજા આવવા લાગી હતી. બરાબર એ જ સમયે 2020માં કોવિડ મહામારીનો આતંક ફેલાયો હતો. ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો અને ઘણો નવરાશનો સમય પણ હતો એટલે એમણે ઇટાલીયન અને પોર્ટુગીઝ ભાષા પર હાથ અજમાવવાનું નક્કી કર્યું. આ બંને ભાષા ઇન્ટરનેટના માધ્યમથી તેમણે પોતાની રીતે જ શીખી અને 2021માં એક પ્રોફેસરની મદદથી ભણીને પરીક્ષા પાસ કરી. છ ભાષાઓના જ્ઞાન સાથે રાજમાન હવે હાયપરપોલિગ્લોટ બની ગયા હતા પણ તેમને આટલાથી સંતોષ નહોતો.

રાજમાને યુરોપિયન ભાષાઓમાં નિષ્ણાત બન્યા બાદ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. સંસ્કૃતનો અભ્યાસ કરવાની સાથોસાથ તેઓ કોઈ એવી ભાષા શીખવા માંગતા હતા જે વધુ પડકારજનક હોય. યુરોપની તમામ ભાષાઓ એક સરખી લિપિ વડે રચાયેલી છે અને સંસ્કૃત પણ હિન્દી દેવનાગરી લિપિમાં લખાય છે. અંગ્રેજી અને હિન્દી જાણતા લોકો માટે આ ભાષાઓ નવી છે, પણ લિપિ તો જાણીતી જ છે ને! પરિણામે રાજમાન એવી કોઈ ભાષા જાણવા માંગતા હતા જેમાં તેમણે સાવ એકડ એકથી શરૂઆત કરવાની હોય. પુસ્તક હાથમાં આવે અને એક પણ શબ્દ ભાંગ્યો-તૂટ્યો પણ વાંચી ન શકાય એવી ભાષા. ચાઇનીઝ ભાષામાં ખાસ રસ નહોતો, એટલે તેમણે ત્રણ વિકલ્પ: જાપાનીઝ, કોરિયન અને રશિયન પૈકી રશિયન શીખવાનો નિર્ણય લીધો. રાજમાન રશિયન નાગરિક પાસેથી જ ઓનલાઈન શિક્ષણ મેળવીને રશિયન શીખ્યા.

હજુયે ભારતીય ભાષાઓમાં રાજમાન કોઈ દ્રવિડિયન ભાષા શીખવાનો રસ ધરાવે છે.  કારકિર્દીમાં તેમને આ તમામ ભાષાઓ અને તેના માન્ય પ્રમાણપત્રો ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તે રાજમાન અને તેનો પરિવાર બરાબર સમજે છે.

દસ-દસ ભાષાઓના જાણકાર હોવા બદલ રાજમાન સૌથી વધુ અમદાવાદની એચ.કે. ઇન્સ્ટીટ્યુટના યાજ્ઞિક સરના આભારી છે, જોકે વિવિધ ભાષાઓ શીખવનારા તેમના તમામ પ્રોફેસર્સ મનોજભાઇ રામાણી, જાનકી મેડમ અપૂર્વા મહેતા, મિ.યેન, અભિષેક ત્રિવેદી વગેરેને પણ તે અચૂક યાદ કરે છે.

રાજમાનને વિવિધ ભાષામાં કડકડાટ બોલતા સાંભળવો હોય તો કરો ક્લિકઃ https://youtu.be/SG-HIuOSkgk

(જેલમ વ્હોરા)