જો આપને જીવનમાં કોઈ લક્ષ બનાવવું હોય તો બનાવી શકીએ છીએ, પરંતુ આપણી અપેક્ષા તેના ઉપર આધારિત ન રહેવી જોઈએ. અપેક્ષા રાખીએ જરૂર પણ સાથે-સાથે એ પણ તૈયારી રાખવી જોઈએ કે જો મારી અપેક્ષાઓ પૂરી ન થાય તો હું દુઃખી નહીં થાઉં. એવું નહીં કે આમ થશે તો મને ખુશી મળશે. આપણે કોઈ લક્ષ્ય રાખીએ છીએ ત્યાર બાદ તેને પૂરું કરવા માટે કોઈ પણ પ્રકારનો માર્ગ આપનાવીએ છીએ. આમ કરવાથી આપણે તણાવમાં જતા રહીએ છીએ.
હવે આપણે એ વિચારવાનું છે કે આ બધા પાછળ આપણી કેટલી બધી ઊર્જા વપરાઈ જાય છે! જો એક દિવસ માટે એવો વિશ્વાસ રાખીએ કે “આજે મારી સાથે જે કઇ પણ થવાનું છે બહુ જ સારું થવાનું છે”.
આપણે જે ઊર્જા બહાર મોકલીએ છીએ તેજ પાછી આવવાની છે. આપણે જીવનમાં હળવાસનો અનુભવ કરતા ખુશી અને મોજ સાથે જીવન વિતાવીશું. આમ અપણે ભવિષ્યની ખોટી ચિંતા ન કરતા વર્તમાનને ખુશી-ખુશીથી વિતાવીએ. જો આપણી અત્યારની એક એક સેકન્ડ સારા અનુભવ કરાવે છે તો તે પછીની સેકન્ડ પણ વધારે સારી રીતે પસાર થશે જ.
આપણા જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિ આવવાની છે. સમસ્યાઓ તો આવવાની છે કારણ કે આપણને વર્તમાનકાળમાં જીવવાનો અભ્યાસ નથી. પરિણામે કોઈપણ સમસ્યા આવે છે ત્યારે આપણે ખોટી ચિંતામાં મૂકાઈ જઈએ અને વિચારીએ છીએ કે હવે મારું શું થશે? સામાન્ય રીતે કોઈ પણ પરિસ્થિતિ મોટી નથી હોતી. આર્થિક સંકટનું સમાધાન આપણે વર્તમાન સમયમાં સ્વસ્થ રહીને કરવાનું છે. પરંતુ આપણે તમામ શક્તિ વ્યર્થ વિચારોમાં વાપરી નાખીએ છીએ. આગળ શું થશે? પૈસા પુરા થઈ ગયા. હવે બાળકોને અભ્યાસ કેવી રીતે કરાવીશું? આ પ્રકારના નિરાશાવાદી વિચારોના કારણે આપણો ઉમંગ – ઉત્સાહ સમાપ્ત થઈ જાય છે.
જેટલો આપણે ભૂતકાળને પકડીને બેસી રહીશું તેટલી ખુશી આપણાથી દૂર થતી જશે. ભૂતકાળ તથા ભવિષ્યને ભૂલીને આપણે વર્તમાનમાં જીવવું જોઈએ. જો આપણી ખુશી ભવિષ્ય ઉપર આધારિત નથી તો શ્રેષ્ઠ ભવિષ્ય અંગે યોજના બનાવવી ખોટી વાત નથી. જો આપણી ખુશી ભવિષ્ય ઉપર આધારિત હશે તો તેની સાથે ઘણી બધી સમસ્યાઓ પણ આવશે.
રાજયોગ શીખવાડે છે કે તમે કોઈ શરીર નથી એક આત્મા છો. પહેલી વાત આપણે એ સમજી લેવી જોઈએ કે આપણી ખુશી કોઈ ચીજ કે વસ્તુ ઉપર આધારિત નથી. બીજી વાત કે આપણે હંમેશા ખુશ રહી શકીએ છીએ.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)