પરિસ્થિતિને અવસર સમજીને પાર કરીએ

આપણે જેવા સકારાત્મક વિચારો કરવા શરૂ કરીએ છીએ કે, તરત આપણે પોતે હળવાશ અનુભવીએ છીએ. જ્યારે કોઈ વિઘ્ન કે સમસ્યાઓ આવે ત્યારે આપણે દુઃખ અનુભવીએ છીએ. તે સમયે આપણે તેવા વિચારો કરવા જોઈએ કે આ કોઈ વિઘ્ન નથી. આ પરિસ્થિતિ મારી સામે એટલા માટે આવી છે કે, મારે જીવનમાં એક નવો રસ્તો અપનાવવાનો છે. આપણે રોડ ઉપર ચાલતા જતા હોઈએ ત્યારે રસ્તામાં એક મોટો પથ્થર પડેલો હોય તો તેને કારણે આપણે ચાલવાનું બંધ નહી કરીએ. પણ પથ્થરની બાજુમાંથી નવો રસ્તો કરીને પસાર થઈ જઈશું.

આપણા જીવનમાં પણ કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે શોધવો જોઈએ. આમ કરવાથી આપણી વિચારવાની રીત બદલાઈ જશે. નકારાત્મક વિચારધારા ખતમ થઇ જશે. જેમ માર્ગમાં કોઈ પથ્થર આવે છે ત્યારે આપણે નવો રસ્તો શોધી લઈએ છીએ. તેવી જ રીતે જ્યારે આપણને લાગે કે, આપણી સામે બહુ મોટી મુશ્કેલી આવેલ છે જેનો આપણે સામનો કરવાનો છે. આ સમયે આપણે આપણો બચાવ તો કરી જ શકીએ છીએ. પરિસ્થિતિઓ તો રહેવાની જ પરંતુ આપણે તેને એક અવસર સમજીને પાર કરીએ. આમ કરવાથી આપણી વિચારવાની રીત બદલાઈ જશે અને સરળતાથી આપણે પરિસ્થિતિને પાર કરી શકીશું. જ્યારે આપણે પરિસ્થિતિને સરળતાથી પાર કરી લઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે પરિસ્થિતિ તો તો કંઈ હતી જ નહીં. આપણે તેને રાઈનો પહાડ બનાવી દીધેલ.

જીવનમાં પરિસ્થિતિઓ એટલા માટે આવે છે કે, આપણે આપણી કાર્યક્ષમતાને વધારી શકીએ. જીવનમાં જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે કૂદીને પાર કરી જાવ. જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ, પછી ભલે તે પરિસ્થિતિઓના રૂપમાં આવે કે સંબંધોના રૂપમાં આવે. તે સમયે આપણે આપણા વિચારોને ચેક કરવા જોઈએ. આવા સમયે વિચારો એવા ચાલે છે કે હવે મારું શું થશે? મારી સાથે આવું ખરાબ શા માટે થઈ રહ્યું છે? મારું ભાગ્ય જ ખરાબ છે. આપણે ગુસ્સે થઈએ છીએ, દુઃખી જઈએ છીએ. પોતાના ઉપરનું નિયંત્રણ ગુમાવી દઈએ છીએ.

પરિસ્થિતિનો સામનો કરવાની આપણી શક્તિ સમાપ્ત થઈ જાય છે. જ્યારે પણ સમસ્યા આવે છે ત્યારે તેને પાર કરવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. જો આપણે આપણા જીવનની સુખદ યાત્રા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો મુશ્કેલીઓને પાર કરવી સરળ બની જશે. આપણે જીવનને હાર અને જીતનો ખેલ સમજી લઈએ. જો આપણી જીત થાય તો આપણે ખુશ થઈશું. જો આપણને અસફળતા મળે તો દુઃખી થઈ જઈશું. આવી માન્યતાઓ આપણને નિરાશ કરી દેશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)