(બી.કે. શિવાની)
ધારો કે આજે તમે તમારી જાતે બાળકો માટે પીત્ઝા બનાવ્યા, તે પીત્ઝા બાળકો બહુ જ હોંશે-હોંશે ખાઈ રહ્યાં છે. બાળકોને હોંશે-હોંશે પીત્ઝા ખાતા જોઈ, તેમના ચહેરા પરનો આનંદ જોઈને, તમે મનોમન ખુબ ખુશ થાવ છો. પણ તે જ સમયે જો ઓફિસથી તમારા બોસનો ફોન આવે, અને કહે કે આજે તમે જે કામ કર્યું છે તેમાં ઘણી બધી ભૂલો છે, મારું નુકશાન થઈ ગયું. તો આ વાત સાંભળીને તમારી ખુશી જતી રહેશે. આમ જોવા જોઈએ તો ખુશી આપણી પરિસ્થિતિઓ ઉપર આધારિત હોય તેવું થઈ ગયું છે. આપણી ખુશી શા માટે પરિસ્થિતિઓ ઉપર આધારિત હોવી જોઈએ? આજે તો આપણું જીવન બીજા લોકો, તેમના મૂડ અને સ્વભાવ ઉપર આધારિત છે. આપણા મનની સ્થિતિ અન્ય લોકોના સ્વભાવ ઉપર આધારિત છે. જો મારી શારીરિક તંદુરસ્તી પ્રકૃતિના વાતાવરણ ઉપર આધારિત હશે, તો હું કેવી રીતે સ્વસ્થ રહી શકીશ?
આજે (કોવિડ-૧૯ના) વાતાવરણમાં બેક્ટેરિયા-ઇન્ફેક્શન તો પહેલેથી જ છે, પરંતુ જો મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો બેક્ટેરિયા તમારા ઉપર કોઈ અસર નહીં કરી શકે. પરંતુ જો મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડશે તો, નાના-નાના વાઇરસ પણ ઋતુ બદલાતા તમારા શરીર ઉપર આક્રમણ કરી દેશે. પણ જો તમે મજબૂત હશો, તો તમારા ઉપર કોઈ પણ ઇન્ફેક્શનનો પ્રભાવ નહીં પડે. જો તમે તમારું ધ્યાન નહીં રાખો અને માત્ર એમ કહેતાં રહેશો કે વાતાવરણ બરાબર નથી, ઠંડી વધારે પડે છે, ગરમી વધી ગઈ છે, તો ખરેખર બીમાર પડી જ જવાશે. તો શું આપણે બીમાર પડવું છે? કે સ્વસ્થ રહેવું છે? તે બંને વિકલ્પ આપણી પોતાની પાસે જ છે.
જેવી રીતે આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ. તેવી રીતે આપણે પોતે પોતાના મનનું ધ્યાન પણ રાખવું જોઈએ. આપણે એમ વિચારીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ આવશે, ત્યારે તે સમયે મનનું ધ્યાન રાખીશ, પણ તે સમયે તો મનનું ધ્યાન રાખવું ઘણું અઘરું બની જશે. જેમ ઋતુ બદલાય તેમ આપણે આપણા શરીરનું દરરોજ વિશેષ ધ્યાન રાખીએ છીએ. માટે જ બહાર પ્રકૃતિના વાતાવરણમાં થયેલ પરિવર્તનની કોઈ ખાસ અસર આપણા શરીરને થતી નથી. આપણા શરીરની રચના એવી છે કે, બહારના વાતાવરણના પરિવર્તન સાથે તાલમેલ બનાવી શરીરના રોગપ્રતિકારક તંત્રનો નાશ કરી છે, આપણને તેની ખબર સુદ્ધાં પડતી નથી અને સામાન્ય રીતે આપણે આપણું દૈનિક કાર્ય કરતા રહીએ છીએ. પણ જયારે ઋતુ બદલાય છે ત્યારે આપણે આપણા શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, અને તે સમયે શરીરમાં શક્તિ-તાકાત ભરી શરીરને તૈયાર કરવું જરૂરી છે. કે જો બહારથી ઇન્ફેક્શન આવે તો તેનો સામનો કરી શકીએ.
જે રીતે શરીરનું ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે જો મનનું ધ્યાન રાખીશું તો નાની-મોટી પરિસ્થિતિઓ જીવનમાં ક્યારે આવીને જતી રહેશે તેનો ખ્યાલ પણ નહિ પડે. ઘણા પ્રકારની બહારથી પરિસ્થિતિઓ આવશે, જેમ કે કોઈએ તમને ખરું-ખોટું કીધું તો કોઈ નારાજ થઈ ગયા. કોઈ આર્થિક નુકશાન થયું. બાળકો તમારાથી સંતુષ્ટ નથી. બોસ તમારાથી રાજી નથી કે વારંવાર તમારા પર ગુસ્સે થઈ જાય છે. પાડોશી ઊંચા અવાજે કઈ કહી ગયા વગેરે.
જેમ ઋતુઓની, હવામાનની, બહારની સ્થિતિઓ સામે શરીરનું રક્ષણ કરવું ઘણું સરળ લાગે છે. એવી જ રીતે જ્યારે આપણે પોતાનું ભાવનાત્મક રક્ષણ કરવાનું શરૂ કરીશું ત્યારે તે પણ આપણને સહેલું અને સરળ લાગશે. ત્યારબાદ તમને કોઈ કાંઈ પણ કહે, તો પણ તેનો પ્રભાવ તમારી ઉપર નહીં પડે. તમારું મન હેરાન-પરેશાન નહિ થાય. કોઈએ તમારી સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી, તમને અપમાનિત કર્યા, તો પણ તે સમયે આપણે એમ જ વિચારવાનું કે શું હું એટલી નબળો/નબળી છું કે, બીજાના વિચારોનો પ્રભાવ મારી ઉપર પડે કે તેના અયોગ્ય વ્યવહારના કારણે હું શા માટે વારંવાર અપસેટ થઈ જાઉં?
અન્ય વ્યક્તિઓ તમારા માટે કેવી પ્રતિક્રિયા આપશે તે બાબતે સારા ખોટા અનુમાનો આપણે કરીએ છીએ. પરંતુ આપણે પોતાની જાતને અંદરથી જોઈશું તો ખબર પડશે કે, આપણે અચાનક ક્રોધિત કેમ થઈ જઈએ છીએ? આપણી આસપાસના લોકો પણ એમ કહેશે કે, અરે, આને અચાનક શું થઈ ગયું? અત્યાર સુધી તો ખૂબ સારા મૂડમાં હતા. દરેક વ્યક્તિના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. તે વિચારોની પ્રતિક્રિયા અંગે આપણે કંઈ પણ અનુમાન લગાવવું શક્ય નથી.
જેમ ઋતુઓ અંગે આપણને ખબર હોય છે કે, અત્યારે ઉનાળામાં ગરમી જ રહેશે, ત્યારબાદ ચોમાસામાં વરસાદ આવશે. પરંતુ જે દિવસે વાતાવરણ અચાનક બદલાઈ જાય, અત્યારે ગરમી છે. અડધા કલાક પછી અચાનક વરસાદ આવવા માટે અને અડધા કલાક પછી ખૂબ ઠંડી લાગવા માંડે. તો શું આપણે ઝડપથી આપણી સુરક્ષાની વ્યવસ્થા કરી શકીશું? જેવી રીતે વાતાવરણમાં અચાનક ફેરફાર સર્જાતા તે પરિવર્તનનો સામનો કરવા આપણે તૈયાર હોતા નથી. તેવી જ રીતે અન્ય લોકોના આપણી સાથેનો તોછડો કે ખરાબ વ્યવહારનો સામનો કરવા માટે આપણે પહેલેથી તૈયાર હોતા નથી.
અહીં આ બાબત ખાસ અગત્યની છે કે, આપણે પહેલાં આપણું ધ્યાન રાખીએ ત્યારબાદ અન્યનું. દિનપ્રતિ-દિન દરેકના જીવનમાં સમસ્યાઓ વધી રહી છે. આજે વ્યક્તિએ પોતાના મનનો કંટ્રોલ પરિસ્થિતિઓ ઉપર આધારિત બનાવી દીધો છે. વર્તમાન સમયે પરિસ્થિતિઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે, જેના કારણે દરેકના મનની સ્થિતિ પણ ઝડપથી બદલાઈ રહી છે. આવા સંજોગોમાં આપણે વિચારીએ કે, આત્માની સ્થિતિ કેવી હશે? સમગ્ર દિવસ દરમિયાન મન અનેક સ્થિતિઓમાંથી પસાર થાય છે. લોકોના અજુકતા વ્યવહારને ઝેલે છે, પરિણામે જેટલો બીજાનો અસ્વાભાવિક વ્યવહાર હશે તેટલો જ તમારો પણ અસ્વાભાવિક વ્યવહાર બની જાય છે.
સત્ય વાત એ છે કે, ઘણીવાર આપણને પોતાને પણ ખબર પડતી નથી કે, આપણાં અંતરમનનો જવાબ પણ અસ્વાભાવિક શા માટે બની જાય છે? બાળકોનું જ ઉદાહરણ લઈએ કે – માની લો કે આજે તમારા બાળક સાથે સ્કૂલમાં કોઈ ઘટના બની. બાળકે ઘેર આવીને તમને આ અંગે કશું જણાવ્યું નહિ. પરંતુ તેના મનની અંદર ઘણું મનોમંથન ચાલી રહ્યું છે. અને તે સમયે ધારો કે, તમે બાળકને દરરોજની જેમ કોઈક બાબતે તેને ટોક્યું કે કહ્યું. અત્યાર સુધી તો દરરોજ તે તમારી વાત ધ્યાનથી સાંભળતો હતો. પરંતુ આજે અચાનક જ તેણે તમને સામે જવાબ આપી દીધો. આ સમયે જો તમે તમારા મન પર કાબૂ રાખી, મનની અંદર થોડું વિચારો તો, આ પરિસ્થિતિ ત્યાંજ સામાન્ય બની જાય. પરંતુ મોટાભાગે આપણે આવા સમયે તેણે અસ્વાભાવિક જવાબ આપ્યો એટલે આપણે તેને એમ કહીએ છીએ કે, આ કોઈ તારી વાત કરવાની રીત છે? તને આજે શું થઇ ગયું છે? તું બગડી ગયો છે. તને ખરાબ મિત્રોનો સંગ લાગી ગયો છે. અને પછી પણ ઘણું બધું બોલતા જ રહીએ છીએ. એ બાળક પહેલેથી જ મનથી પરેશાન હતું. તેને ખબર છે કે તેણે ખરાબ રીતે વ્યવહાર કર્યો છે. જેનો તેને પશ્ચાતાપ પણ છે અને ઉપરથી આપણો ગુસ્સો, હવે તેનો આગળનો જવાબ કેવો હશે? આ સંજોગોમાં આપણે બીજાના જવાબનું મૂલ્યાંકન કરવાના બદલે પોતાના જવાબ તરફ ધ્યાન આપીશું તો, સામેવાળી વ્યક્તિને સાચવી લેવી કે સંતુષ્ટ કરવી સરળ બની જશે.
બીજાને તેમની ભૂલો બતાવવાના બદલે પહેલાં સ્વયંને અંતરમનથી ઊંડાણપૂર્વક જોવું જરૂરી છે. જ્યારે બાળક ઉપર, પતિ ઉપર કે બીજા કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ પછી આપણે કેવું અનુભવીએ છીએ? કારણ કે ગુસ્સો કર્યા પછી, આપણે એવું વિચારીએ છીએ કે મારે આમ નહોતું કરવું જોઈતું. મારા કારણે ઘરમાં અશાંતિ થઇ ગઈ. આવી રીતે પશ્ચાતાપ કરવાના બદલે આપણે એમ પણ વિચારી શકીએ કે, ભલે સામેવાળી વ્યક્તિએ બરાબર રીતે વાત નથી કરી, પણ તેની સાથે મારે શાંતિથી વાત કરવી જરૂરી છે. મારે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોયતો હતો, તે તો મારા જ હાથમાં હતું. પણ જો તે સમયે મેં શાંતિપૂર્વક વ્યવહાર કર્યો હોત તો આજે આવી પરિસ્થિતિ ના સર્જાત, કંઈક જૂદી જ સ્થિતિ હોત.
આપણે આપણા જીવનમાં આંતરિક ખુશી-આનંદને પ્રાધાન્ય આપવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે જ્યારે પહેલા હું પોતે ખુશ રહીશ તો બીજાને પણ ખુશી આપી શકીશ. હવે આપણે એમ વિચારીએ કે આ વિશ્વ એક નાટકનું રંગમંચ છે, તેના દરેક દ્રશ્યોમાં હું એક્ટર બનીને અભિનય કરી રહેલ છું, નાટકના દરેક કામથી હું ખુશ છું.
વધુ આવતા લેખમાં…
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર 2019 દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)