આપણે ફક્ત એક ધ્યાન રાખવું જોઈએ કે આપણું લક્ષ્ય ફક્ત કાર્ય તરફ હોય. આપણે એ યાદ રાખવું પડશે કે કામ કરવા વાળો કોણ છે? જે કામ કરવાવાળો છે તે શક્તિ છે, ઉર્જા છે. તેને આપણે જ્યાં સુધી શક્તિશાળી નહીં બનાવીએ તો કામ સારું નહીં થઈ શકે. આપણો રોલ એક બોસના રૂપમાં કે પિતાના રૂપમાં પ્રોત્સાહન આપવાવાળો હોવો જોઈએ, ટીકા કરવા વાળો નહીં. કામ તો તેની જાતે જ થઈ જશે. જ્યારે ટીકા કરવા વાળી વ્યક્તિ આપણી સામે ઉભી હોય છે ત્યારે તેના તરફથી મળતી ઉર્જાના કારણે આપણે યોગ્ય રીતે કામ નથી કરી શકતા અને આપણાથી ભૂલો થવા લાગે છે. આપણાથી ભૂલો એટલા માટે થાય છે આપણી અંદર ભય ઉત્પન્ન થાય છે. તણાવના કારણે મારી કાર્ય કુશળતા ઓછી થઈ જાય છે.
આપણે ચેક કરવું જોઈએ કે મારાથી મોટી વ્યક્તિઓ મારી સાથે કેવી રીતે વાત કરે તો મને ગમે? મારી સાથે કેવી રીતે કામ લે? દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે બધા મારી સાથે પ્રેમ થી વાત કરે. બધા પ્રેમ, સહયોગ અને સહાનુભૂતિની આશા રાખે છે. કોઈ વ્યક્તિ એવી નથી હોતી કે જો તેની ટીકા કરો તો તે વધુ સારી રીતે કામ કરશે. આમ પ્રેમથી કામ લેવાથી એકબીજાની નજીક અવાય છે. બંને વચ્ચે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે. જો બોસ કર્મચારીની ટીકા કરે પછી કર્મચારી બોસ પ્રત્યે નફરત ઉતપન્ન કરે આ સંજોગોમાં બંને વચ્ચે સકારાત્મક ઊર્જા પ્રવાહિત નથી થઈ શકતી. જ્યાં પ્રેમ, સહયોગ અને સમજૂતીની ઉર્જા પ્રવાહિત થાય છે તો બધા તેને પસંદ કરે છે. આ સંજોગોમાં કર્મચારી પોતાની કંપનીની પ્રગતિ માટે પોતાની જાતે જ સારી રીતે કામ કરશે. આનું કારણ એ છે કે કર્મચારીને કંપની પોતાની લાગે છે.
આજે વ્યાપાર જગતમાં કહેવાય છે કે આપણે આપણું કાર્ય પોતાની જાતે જ અઘરું બનાવી દઈએ છીએ. આપણે ઓફિસમાં પોતાનું મગજ તો લઈને આવીએ છીએ પરંતુ દિલ ઘેર મૂકીને આવીએ છીએ તો શું આપણે એકાગ્રતાથી કામ કરી શકીશું? જો દિલ તથા દિમાગ બંને સાથે લઈને ઓફિસમાં આવીએ તો આપણને કામ કરવા માટે કોઈએ કહેવું નહીં પડે એની જાતે જ કામ થતું જશે. પરસ્પર વ્યવહારમાં પારદર્શિતા આવી જશે. કોઈના થી કોઈ ભૂલ નહીં થાય, જો કોઈ ભૂલ થશે તો પોતે પોતાની જાતે જ ઉપરી અધિકારીને સાચું બતાવશે. કારણકે આપણને ખ્યાલ છે કે ઉપરી અધિકારી આપણને વઢવાના નથી. આમ પરસ્પર એકબીજા વચ્ચે વિશ્વાસની ભાવના ઉત્તપન્ન થાય છે.
ડરના કારણે એક વિશેષ ચક્ર બને છે. ભૂલ થઈ જાય છે પછી તેને છૂપાવીએ છીએ અને તેનો દોષ બીજા ઉપર નાંખી દઈએ છીએ. પરિણામે પરસ્પર સંબંધ ઉપર અસર થાય છે તથા નકારાત્મક વાતાવરણ બની જાય છે. પરંતુ જો આપસમાં પારદર્શિતા છે તો હું વિશ્વાસ સાથે કહીશ કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને તે બાબત ત્યાં જ પૂરી થઈ જશે.
જેટલી આપણી વિચારોની આંતરિક સ્થિરતા વધતી જશે તો તણાવ ઓછો થતો જશે તથા આપણી કાર્યદક્ષતા વધતી જશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)