સરખામણી કરવાની ભાવના આપણી તંદુરસ્તી માટે સારી નથી

બાળકો વાંચવાથી નિરાશ નથી થતા. મહેનત કરવાથી નિરાશ નથી થતા પરંતુ નિરાશા દબાણનો સામનો કરવાથી આવે છે. રોજ મહેનત કરવી જોઈએ એ ચિંતા કર્યા વગર કે હવે મારું શું થશે? પેલાએ તો પ્રવેશ મેળવી લીધો પરંતુ મારું શું થશે? આમાં સરખામણી કરવાની ભાવના ઉત્પન્ન થાય છે જે આપણી ભાવનાત્મક તંદુરસ્તી માટે સારૂં નથી. આથી જો શક્ય હોય તો આ પ્રકારના વિચારો ને સમાપ્ત કરી દો. આ કાર્યમાં મેડીટેશન ખૂબ જ મદદરૂપ બને છે.

વિદ્યાર્થી જીવનમાં જો એક વિદ્યાર્થી રોજ સવારે પોતાના દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરે તો કોઈપણ પ્રકારના નુકસાન વગર તે મહેનત કરી શકે છે અને જીવનમાં સફળ પણ થઈ શકે છે. આપણામાં એટલી બધી શક્તિ પડેલી છે કે અત્યારે જે મહેનત કરીએ છીએ તેનાથી અનેક ઘણી મહેનત કરી શકીએ છીએ. પરંતુ આ માટે એ ધ્યાન રાખવું પડશે કે આપણા મનના વિચારો વ્યર્થ તરફ ન જતા રહે. મનમાં અનેક ઘણી શક્તિ પડેલી છે પરંતુ તે શક્તિને કયા ઉદ્દેશ્ય માટે કેન્દ્રિત કરવી છે તે આપણા ઉપર આધાર રાખે છે. બાળકોને જે પરિણામની આશા હોય છે તે મુજબ પ્રાપ્તિ ન થાય તો તેનો અર્થ એ નહીં કે બાળક નિષ્ફળ છે. આ બાબતમાં બાળક તથા તેના પિતા અગત્યનો ભાગ ભજવી શકે છે.

જો તમે નિશ્ચિંત બનીને સાચા દિલથી મહેનત કરી રહ્યા છો તો પરિણામ સારું જ આવશે. પરંતુ ભય ના વિચારો કરીને પોતાને નિરાશ ન કરો. વાસ્તવમાં શું થાય છે કે બાળકની સાથે વડીલો પણ મહેનત કરે છે જેથી બાળક વિચારે છે એ મારું પરિણામ વડીલો માટે ખુબ અગત્યનું છે. તે દ્વારા જ તેઓને ખુશી તથા સંતોષ પ્રાપ્ત થશે. આમ બાળકના મનમાં દબાણ ઊભું થાય છે કે મારે વડીલોની ખુશી માટે સારું પ્રદર્શન કરવાનું છે.


મારી ખુશી થી વધુ મારા વડીલોની ખુશી મારા પરિણામ સાથે જોડાયેલી છે. આ પ્રકારના દબાણ ઉતપન્ન કરનાર વિચારો બિન જરૂરી છે. બાળકમાં એટલી શક્તિ નથી હોતી તે આ પ્રકારના બિનજરૂરી વિચારો થી ઉત્પન્ન થતા ભયનો સામનો કરી શકે. પરિણામે તે અનેક પ્રકારના શારીરિક તથા માનસિક રોગનો શિકાર બની જાય છે. અન્યની સાથે સરખામણી કરવી તે આપણા માટે નુકસાન કારક છે. આજકાલ પિતા એવું વિચારે છે કે જો હું દબાણ ઉત્પન્ન નહીં કરું તો બાળક પરીક્ષામાં સારું પ્રદર્શન નહીં કરી શકે.

વાસ્તવમાં ડર ઉત્પન્ન કરવો તે નકારાત્મક ઊર્જા છે તથા પ્રેરણા આપવી તે સકારાત્મક ઊર્જા છે. પરીક્ષાના સમયે બાળકને પ્યાર આપો, સહાનુભૂતિ આપો, સહયોગ આપો. બીજાની ટીકા કરવાથી તેઓ નિરાશ થઇ જાય છે. આપણે બીજાને સારી રીતે કામ કરવાની પ્રેરણા આપવાની છે. પ્રેરણા આપવી અને ટીકા કરવી એ બંનેમાં ઘણુ અંતર છે. શબ્દ એટલા અગત્યના નથી હોતા જેટલો તેની પાછળનો હેતુ. આપણે બીજાને પોતાના વિચારો આપીને મજબૂત બનાવી શકીએ છીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]