લૌકિક જીવનમાં કહેવત છે કે – “કડવું ખાધેલું નથી ભુલાતું જ્યારે મીઠું ખાધેલું ભૂલી જવાય છે.” પરંતુ જ્ઞાનવાન વ્યક્તિ જીવનના સુખદ પ્રસંગોને વારંવાર યાદ કરે છે જેથી તેની મીઠાશથી વર્તમાન ક્ષણો પણ મીઠી બની રહે. તે સાથે જ કડવા પ્રસંગોને તરત જ ભૂલી જાય છે, જેથી તેમની નાની અમથી લકીર પણ તાજી થઈને વર્તમાનને કડવું કરી ન શકે.
જ્ઞાનવાન વ્યક્તિ અપ્રિય વાતમાં પણ છુપાયેલ પ્રિય બાબતને શોધી કાઢે છે. તેથી જ કહેવાય છે કે – “નાના ઉપકારને યાદ રાખો અને મોટા અપકારને ભૂલી જાવ.” ચંદ્રમાને ઘણીવાર ગ્રહણ લાગે છે, પરંતુ ગ્રહણ પછી ફરીથી તે ચમકીલો ચંદ્ર આકાશમાં દેખાય ત્યારે આપણે તેને આનંદથી સ્વીકારી લઈએ છીએ. જો આપણે માત્ર ગ્રહણને જ યાદ રાખીએ અને ચંદ્રમાને કહીએ કે – “કાલે તો તમે ચાંદની આપી નહોતી, આજે પણ અમે તમારો સ્વીકાર નથી કરતા,” તો તે આપણી અજ્ઞાનતા ગણાશે.
માનવ આત્મા પણ માયા દ્વારા લગાવાયેલ ગ્રહણને વશ થઈને ક્યારેક અપ્રિય વર્તન કરી બેસે છે. પરંતુ એમ વિચારીને કે તે ગ્રહણનો સમય વીતી ગયો છે, તે વ્યક્તિને શુભભાવથી ફરી અપનાવી લઈએ — તો શું વાંધો છે? તેને માફ કરી દઈએ, તેનાથી થયેલી ભૂલને ભૂલી દઈએ. ઘણી ઘટનાઓ આપણે ભૂલી જઈએ છીએ — તો તેની સાથે આને પણ દબાવી દઈએ.
પરંતુ મનમાં પ્રશ્ન ઊભો થાય છે: “છેવટે ક્યાં સુધી માફ કરીએ? શું માફ કરવાની કોઈ હદ હોય?” હા, જરૂર હદ છે. જો કોઈ વ્યક્તિ એક વાર ભૂલ કરે — તેને માફ કરી દઈએ. બીજી કે ત્રીજી વાર કરે — તો પણ માફ કરી દઈએ. પરંતુ જો તે વ્યક્તિ ચોથી વાર પણ એ જ ભૂલ કરે — તો તેને માફ ન કરતા સજા આપવી જોઈએ, પરંતુ એવી સજા કે જે સુધાર લાવે. તેણે કહીએ કે – “તમારા સુધાર માટે હવે માફ કરતા વધુ જરૂરી છે કે તમે પોતેજ પોતાની ભૂલ સુધારો.” આટલું કહીને આપણે મનથી તે વ્યક્તિથી ન્યારા બની જઈએ, પરંતુ તેના પ્રત્યે શુભભાવ જાળવી રાખીએ. જો ન્યારા બન્યા પછી પણ મનમાં વારંવાર વિચારીએ કે – “પોતાને સજા આપી કે નહીં?” – તો તે લગાવ પણ આપણા મનની શાંતિને ખંડિત કરે છે.
માફ કરવાનું અર્થ એ નથી કે બધા મારી વાત માને અને મારા મુજબ વર્તે. એ ભાવનો અંત લાવવો પણ માફ કરવાનું એક સ્વરૂપ છે. ક્ષમાશીલ વ્યક્તિની નીતિ હોય છે કે, બધાને અનુકૂળ રહીને જીવવું. ક્રોધમાં આવીને “ધર્મરાજ” બનવા કરતાં “દયારાજ” બનવું વધુ જરૂરી છે, કારણ કે દયા જ ધર્મનું મૂળ છે.
ઘણીવાર મનુષ્ય પોતાની નબળાઈને “ક્ષમા”નું નામ આપવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ સાપમાં ઝેર સમાપ્ત થઈ ગયું હોય અને તે મુસાફરોને કરડી ન શકે — તો તે તેની ક્ષમા નહીં, પરંતુ નબળાઈ કહેવાય. પરંતુ જો ઝેર દાંતમાં ભરેલું હોવા છતાં તે નિશ્ચેતન બની રહે — તો એ સાચી ક્ષમા ગણાય. એ જ રીતે, જો વ્યક્તિ પાસે સાધન-સંપત્તિ હોવા છતાં પણ તે માફ કરી દે, તો એ ક્ષમા શિક્ષા બની જાય છે. પદ, પૈસા અથવા ઓળખાણમાં મોટી વ્યક્તિની વાત સહન કરવી ફરજ બની જાય છે, તેમાં ઉદારતા નથી. પરંતુ નાની વ્યક્તિની વાતને ધીરજપૂર્વક સાંભળીને તેને યોગ્ય માર્ગદર્શન આપવું, એ જ સાચી ક્ષમા અને દયા છે.
જેમ શરીરને ચીકણું, તળેલું ખોરાક આપીએ તો તે જાડું થઈ જાય છે, એમ ઈર્ષા અને અહંકારના સંકલ્પોથી મનનો મોટાપો વધે છે, જે સંબંધોને બગાડે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
