મન એક આધ્યાત્મિક શક્તિ છે. એક સેકન્ડમાં તે વિશ્વના કોઈપણ ખૂણે જઈ શકે છે. આ આધ્યાત્મિક સત્તા છે, અદ્રશ્ય સત્તા છે માટે કોઈપણ સાંસારિક પદાર્થ તેના સુખનો આધાર ન હોઈ શકે. મનને રાજી રાખવાના યોગ રૂપી ઉપાયનું જ્ઞાન ન હોવાના કારણે આજે માનવ ભૌતિક પદાર્થોમાં સુખ શાંતિની શોધ કરે છે પરંતુ સુખ તો ચૈતન્ય સત્તા મનનો વિષય છે.
પદાર્થ તો જડ હોય છે તેમાં સુખ કે દુઃખ જેવી ભાવનાઓ નથી હોતી. કોઈ એક વસ્તુ મનને એટલી બધી પસંદ આવી જાય છે કે તે વ્યક્તિ તેના વગર રહી નથી શકતો. તો કોઈ વ્યક્તિને તે વસ્તુથી એટલી બધી નફરત થઈ જાય છે કે તે તેને જોવા પણ નથી ઈચ્છતો. આમ આકર્ષણ વસ્તુઓમાં નથી હોતું પરંતુ તે મનનો જ એક ભાવ છે. તેનો ઉપયોગ કરતા- કરતા મનુષ્યની ઉપયોગ કરવાની ઇન્દ્રિયો નબળી પડી જાય છે. શરીર વૃદ્ધ થઈ જાય છે અને મનુષ્ય મૃત્યુ પામે છે.
આનાથી એ સ્પષ્ટ થાય છે કે પદાર્થ મનુષ્યની શરીરની તંદુરસ્તી, લાંબુ આયુષ્ય તથા માનસિક શાંતિનો આધાર નથી. પદાર્થ પોતે જ પરિવર્તનશીલ હોવાના કારણે કોઈને કાયમ માટે કોઈને શાંતિ આપી જ કેવી રીતે શકે? મનુષ્ય દ્વારા એકઠા કરવામાં આવેલ પદાર્થો કોઈ કારણથી તેની પાસેથી છીનવી લેવામાં આવે તો તે અસહય દુઃખનું કારણ બની જાય છે. માટે જ સુખ- શાંતિની પ્રાપ્તિ સાધનોનો સંગ્રહ કરવાથી નથી થઈ શકતી.
તેનો અર્થ તે પણ નહીં કે મનુષ્ય પદાર્થોનો ઉપયોગ કરવાનું કે સંગ્રહ કરવાનું છોડી દે. જો રોટી- કપડા-મકાનની યોગ્ય વ્યવસ્થા ન થાય તો મનુષ્ય અશાંત બની જાય છે. આળસ તથા નિષ્ક્રિયતા એ મોટા વિકાર છે જે ખાલી મનમાં શેતાનની જેમ ઘૂસી જાય છે. અહીં અમારું કહેવું એમ છે કે મનની શાંતિ માટે સાધનો સિવાય પવિત્રતા, એકાગ્રતા, શાંતિ બધા સાથે પ્રેમ યુક્ત સંબંધ તથા સકારાત્મક ગુણ પણ જરૂરી છે.
આ પ્રાપ્તિઓ માટે મનનું નિર્મળ હોવું જરૂરી છે. મન નિર્મળ તથા ખરાબ સંસ્કારોથી અપ્રભાવિત રહે તેનો ઉપાય છે રાજયોગ. યોગ અગ્નિ દ્વારા જ મનમાં રહેલ વિકારોના બીજ ભસ્મ થાય છે તથા તે ફરીથી ઉત્પન્ન નથી થતા. રાજયોગ દ્વારા જ પહેલાના પાપ કર્મ પણ મટી જાય છે તથા ફરીથી પાપ કર્મ ન કરવાનું મનોબળ પણ પ્રાપ્ત થાય છે. રાજયોગ થી મનુષ્યનો સંબંધ પરમાત્મા સાથે જોડાઈ જાય છે તથા પરમાત્માની દિવ્ય શક્તિઓ આત્મામાં આવતી જાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)