થોડો સમય પોતાના માટે આપવાનું લક્ષ્ય રાખો, વિચારો સાથે ટકરાવ ન કરો. મનના વિચારોને રોકવાનો કે તેને બંધ કરવાનો પ્રયત્ન ન કરો, પરંતુ ધ્યાન આપો કે હું બીજા પ્રકારના વિચારો પણ કરી શકું છું. આપણને અનુભવ થશે કે વ્યર્થ વિચારો તો આવશે પરંતુ જો તેના ઉપર ધ્યાન નહીં આપીએ તો તેની જાતે જ તે ધીરે ધીરે બંધ થઈ જશે. પરંતુ જો તમે તે વિચારમાં જ મૂંઝાઈ ગયા કે – ‘કાલે તો તેણે આવું કહ્યું હતું’ તો તમારું આખું કામ જ બગડી જશે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે મારે આત્મા રાજા બનીને મન દ્વારા કેવા પ્રકારના વિચારો કરવા છે! ઘણા લોકો કહે છે કે એક બિંદુ લઈને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, પરંતુ આ યથાર્થ નથી. સાચી રીત એ છે કે પહેલા એક સંકલ્પ લો મનમાં બિંદુ ઉત્પન્ન કરો અને તેના ઉપર ધ્યાન કરો.
ધારો કે આપણે એક સંકલ્પ લીધો – ‘હું શાંત સ્વરૂપ આત્મા છું, શાંતિ મારો સ્વભાવ છે’. આ સંકલ્પ લેવાની સાથે-સાથે એ અનુભૂતિ કરવાની છે કે જો મારા જીવનમાં શાંતિ સ્વાભાવિક રીતે આવી જશે તો મારું જીવન કેવું સુંદર હશે! પોતાને તથા પોતાના વિચારોની શક્તિ ને જુઓ. આપણે વારંવાર આવેશમાં ન આવતા દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનું શીખવું પડશે. એ દ્રશ્ય સામે લાવો કે એવી કઈ પરિસ્થિતિમાં હું અશાંત થઈ જાઉં છું. હવે ફરીથી તે દ્રશ્ય નજર સામે લાવો પરિસ્થિતિ તે જ છે, મનુષ્ય પણ તે જ છે પરંતુ શું હું તે પરિસ્થિતિમાં શાંત રહી શકું છું? પોતાની જાતને શાંત સ્વરૂપ આત્મા રૂપમાં જુઓ તથા તે અનુભવ કરો કે શાંતિ મારામાં આવતી જાય છે અને હું કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહી શકું છું.
આ પ્રેક્ટિસ કરવાથી શાંત રહેવું તે આપણો સ્વભાવ-સંસ્કાર બની જશે. જેમ જેમ આપણું મન શાંત બનતુ જશે તેમ-તેમ સંકલ્પ ધીમે ધીમે ચાલશે. આપણું ચેતન મન રોજ-બરોજના સંકલ્પો કરે છે. જ્યારે ધીરે-ધીરે ચેતન મનના વ્યર્થ સંકલ્પો સમાપ્ત થઈ જાય છે ત્યારે આપણું આંતરિક મન કામ કરવાનું શરૂ કરે છે. હવે આપણે મૌનની અવસ્થામાં જે સંકલ્પો કરીશું તે પાયો બની જશે દરરોજ તમે પોતાની સાથે શાંતિથી બેસીને વાત કરો કે દરેક વ્યક્તિ જે કરી રહેલ છે તે પોતાની રીતે બરાબર જ છે તેઓ પોતાની ક્ષમતા, પોતાની આવડત તથા સાચું કે ખોટું તેની માન્યતાથી કામ કરી રહ્યું છે. મારી અપેક્ષા દરેક દ્વારા પૂરી નહીં થઈ શકે તેનો હું સ્વીકાર કરું છું. આ માન્યતા ખૂબ ઊંડાણ પૂર્વક આપણે આપણા મનમાં ભરવાની છે.
હવે આપણે આપણા મનમાં જે માન્યતા ભરીશું આપણો મન દિવસ દરમિયાન તે પ્રમાણે વિચારવાનું કાર્ય કરશે. પરંતુ જો આપણે પહેલા મનને શાંત નથી કર્યું અને વિચારીએ છીએ કે હું દરેકને કંટ્રોલ કરીશ. તો એ ઉપરના વિચારો છે. અંતરિક મનના સંકલ્પો તો એ જ છે કે વ્યક્તિઓ મારી ઈચ્છા અનુસાર જ કામ કરવી જોઈએ પરિણામે વ્યવહારમાં પણ તે જ થશે. એટલા માટે પહેલા પોતાના મનને સ્થિર કરો પોતાના મનમાં ખૂબ શક્તિશાળી સકારાત્મક સંકલ્પો કરો પછી તમે અનુભવ કરશો કે તમારા સાધારણ સંકલ્પ સમાપ્ત થઈ ગયા છે. ત્યારબાદ તેમાં સકારાત્મક સંકલ્પો નું બીજ નાખો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)