જૂની માન્યતાઓને મેડિટેશન દ્વારા બદલી શકીએ છીએ

જ્યારે એક દિવસ તમે આ પ્રેક્ટિસ કરશો તો આખો દિવસ તમને તેનું પરિણામ જોવા મળશે. તે આપને પ્રેરણા આપશે. થોડા દિવસમાં તમે અનુભવ કરશો કે તમારી માન્યતા બદલાઈ રહી છે, તમારો સંસ્કાર દરેક પરિસ્થિતિમાં શાંત-સ્થિર રહેવાનો બની રહ્યો છે. જીવનની યાત્રાનો આપણે આનંદ લેવો જોઈએ. ધીમે ધીમે આપણને અનુભવ થશે કે આ સ્વભાવિક બનતું જાય છે. જૂની માન્યતાઓને મેડીટેશન દ્વારા બદલી શકીએ છીએ. જો મેડિટેશન દ્વારા આપણે આપણા સંકલ્પોને એક લક્ષ્ય સાથે એક દિશામાં લઈ જતા શીખીશું તો તે આપણી માન્યતાઓને બદલી દેશે.

રાજયોગ શબ્દમાં યોગનો અર્થ છે સંબંધ. ધારો કે હું તમને યાદ કરું છું તો તેનો અર્થ છે કે મારો યોગ તમારી સાથે લાગેલો છે. રાજયોગ અર્થાત મારો સંબંધ સર્વોચ્ચ શક્તિ પરમાત્મા સાથે જોડાયેલો છે. બંને વચ્ચે સંબંધ જોડતા પહેલા બન્નેનો પરિચય હોવો જરૂરી છે. પરિચયના આધારે બંને વચ્ચે સંબંધ જોડાય છે. મોટાભાગના લોકોની ફરિયાદ રહેતી હોય છે કે જ્યારે પણ તેઓ ભક્તિ કરવા બેસે છે ત્યારે મનમાં કોઈ બીજા જ વિચારો ચાલતા હોય છે. હવે પ્રશ્ન એ છે કે જો આપણે આખો દિવસ બીજાને યાદ કરી શકીએ છીએ તો ભગવાનને યાદ કરવા આટલું મુશ્કેલ કેમ લાગે છે? આપણે નિષ્ઠા પૂર્વક, ભાવનાથી દરરોજના નિયમ મુજબ ભગવાનને યાદ કરવા બેસીએ છીએ પરંતુ આપણું મન તે સમયે વશમાં રહેતુ નથી. પછી આપણે કહી દઈએ છીએ કે મન તો ચંચળ છે. આપણે કહીએ છીએ કે મારે ભગવાનને યાદ કરવાનું (મેડીટેશન) શીખવું પડશે.

વાસ્તવમાં પ્રભુને યાદ કરવાનું શીખવાની જરૂર નથી, આપણે આખો દિવસ કેટલી વ્યક્તિઓને યાદ કરીએ છીએ! આપણે સંબંધીઓને યાદ કરીએ છીએ ત્યારે મન ભટકતુ નથી, તો પછી ભગવાનને યાદ કરતી વખતે શા માટે મન ભટકે છે? વાસ્તવમાં યાદ કરવું આપણા માટે સ્વાભાવિક છે. જેવી રીતે શ્વાસ લેવો સ્વાભાવિક છે, તે શીખવાની જરૂર નથી. પરંતુ પ્રભુ કે જેને આપણે માતા-પિતા, બંધુ, સખા કહીએ છીએ તેમને યાદ કરવા શા માટે અઘરું લાગે છે! ભગવાનને યાદ કરતા પહેલાને ઓળખવા, જાણવા કે તેમનો પરિચય જરૂરી છે.

બ્રહ્માકુમારી સંસ્થામાં જ્યારે કોઈ નવા ભાઈ બહેન રાજયોગ શીખવા આવે છે ત્યારે સૌથી પહેલાં તેમને સાત દિવસનો કોર્સ કરવા માટે કહેવામાં આવે છે. આ કોર્સમાં હું કોણ છું? પરમાત્મા કોણ છે? તેમની સાથે મારો સંબંધ શું છે? પરમાત્મા પાસે થી ઈશ્વરીય શક્તિઓ આપણે સ્વયં માં કેવી રીતે ધારણ કરી શકીએ? આ સૃષ્ટિ નાટક કેવી રીતે ચાલે છે? વિગેરે વિગેરે માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ રેગ્યુલર ક્લાસ કરવા માટે કહેવામાં આવે છે. આ ક્લાસમાં પરમાત્માના મહાવાક્યો નિમિત્ત ટીચર વાંચીને સંભળાવે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)