ફટા પોસ્ટર નિકલા કેમિયો

કોઈ પણ કૃતિ- ફિલ્મ, પુસ્તક, નાટક, ટીવીશો ઈત્યાદિ પર એક ચોક્કસ વર્ગ ભડકે, એની પર પ્રતિબંધ મૂકવાની જોરશોરથી માગણી કરે, પણ સત્તાવાળા તરફથી કોઈ પ્રતિસાદ ન મળે ને એ રજૂ થાય તો એની કમાણી પર અવળી અસર પડે કે સવળી? ટિકિટબારી પર ‘પઠાને’ સર્જેલી સુનામી જોતાં તો એવું લાગે કે બૅન ઢેનટેણેનથી તો ફાયદો જ થાય. એક મિનિટ, પહેલાં તમે જરા આ વાંચો.

1960ના દાયકામાં અમેરિકામાં ‘બૅન્ડ ઈન બોસ્ટન સિન્ડ્રોમ’ નામનો એક જુવાળ ફાટી નીકળેલો. માસાચુસેટ્સ રાજ્યના આ ખૂબસૂરત શહેરમાં જે પણ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી થાય એ પુસ્તક ધૂમ વેચાતું. લેખક-પ્રકાશક એમનાં નવાં પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી થાય એવી મનોમન જિસસને પાર્થના કરતા હશે કે નહીં એ તો ખબર નથી, પણ મહાનની કક્ષામાં આવતા લેખકોનાં પુસ્તકોને આનો લાભ મળ્યો છે. જેમ કે અર્નેસ્ટ હેમિંગ્વેનાં ‘ધ સન ઑલ્સો રાઈઝીસ’ તથા ‘અ ફૅરવેલ ટુ આર્મ્સ,] ડીએચ લૉરેન્સનું ‘લેડી ચેટર્લી’સ લવર.’ આપણે ત્યાં સલમાન રશદીનાં ‘ધ મૂર’સ લાસ્ટ સાઈ’ અને ‘ધ સૅતાનિક વર્સીસ.’ આ તમામ પુસ્તકોને પ્રતિબંધ મુકાયા બાદ મબલક વેચાણનો લાભ મળ્યો છે.

-અને હવે ‘પઠાન.’ ભઈ, એવરેજથીય ઊતરતી કક્ષાની ‘પઠાન’ જો કશાય વિવાદ વગર રિલીઝ થઈ હોત, જો સોશિયલ મિડિયા પર એની નેગેટિવ પબ્લિસિટી થઈ ન હોત તો એકાદ અઠવાડિયામાં બૉક્સ ઑફિસ પર કડડભૂસ થઈ ગઈ હોત. કથાના નામે મીંડું ધરાવતી આ ફિલ્મની આ જ નિયતિ હતી, પણ, એન્ટી-પઠાન પ્રચારે એને લાભ કરાવી આપ્યો. હશે. જેવા શાહરુખનાં નસીબ. જસ્ટ જાણી લેવા જેવી વાત એ કે જો આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો અથવા અતિથિ ભૂમિકા ન હોત તો કદાચ નેગેટિવ પબ્લિસિટી પણ એને બચાવી શકી ન હોત, કેમ કે સલમાન-શાહરુખના એ બે સીન્સ જ ફિલ્મમાં નીખર્યા છે.

ભૂતકાળમાં પણ કિસીકા ભાઈ, કિસીકા દોસ્ત સલમાને આ રીતે બે-પાંચ મિનિટ માટે પરદા પર આવીને ફિલ્મોને ફાયદા કરાવ્યા છે. 2007ની સાંવરિયા અને એ જ વર્ષે આવેલી આ જ શાહરુખ-દીપિકાની ‘ઓમ શાંતિ ઓમ’ યાદ છેને? અલબત્ત, એ પહેલાંની પણ ઘણી ફિલ્મ છે, જેમ કેઃ

* 1997માં આવેલી ડેવિડ ધવનની ‘દીવાના મસ્તાના’માં એ ક્લાઈમેક્સમાં જુહી ચાવલાનો પતિ બની જાય છે

* 1998માં આવેલી ‘કુછ કુછ હોતા હૈ’ની ક્લાઈમેક્સમાં એ કાજલનો પતિ બનતો બનતો રહી જાય છે.

* રણબીર કપૂર-કટરીના કૈફની ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ‘અજબ પ્રેમ કી ગજબ દાસ્તાન’માં એ સલમાન ખાન બનીને જ 2-3 મિનિટ માટે પરદા પર પધારે છે.

* આ જ ડિરેક્ટરની ‘ફટા પોસ્ટર નિકલા હીરો’માં પણ ભાઈજાનનો કેમિયો છે. એ પણ સલમાન ખાન તરીકે જ.

* પરેશ રાવલ-અક્ષયકુમારની, ઉમેશ શુક્લા દિગ્દર્શિત ‘ઓ માય ગૉડ’માં એ પરદા પર દેખાયો નહોતો, પણ કથાકાર તરીકે એનો અવાજ ગુંજતો હતો.

* 2014માં રિતેશ દેશમુખે-જેનિલિયાએ પોતાની પહેલવહેલી મરાઠી ફિલ્મ ‘લય ભારી’ બનાવી તો એમને હેલ્પ કરી સલમાને. આ ફિલ્મમાં એના કેરેક્ટરનું નામ હતું, ભાઉ. આ મરાઠી શબ્દનો અર્થ થાયઃ ભાઈ. બોલો.

* અનીસ બઝમીની ‘સન ઑફ સરદાર’માં એ અજય દેવગન-સંજય દત્ત સાથે ચમકેલો.

મહેમાન કલાકારના સુલતાન એવા ભાઈની હેલ્પગીરીના આવા તો અગણિત કિસ્સા છે. તમને કોઈ ઈન્ટરેસ્ટિંગ કિસ્સા યાદ આવે તો જણાવજો.