સુપરસ્ટારની સુપર ખાનદાની…

હમણાં થોડો સમય તાવમાં પટકાયો ને પલંગમાં પડ્યો પડ્યો વેબસિરીઝ, વગેરેથી કંટાળ્યો ત્યારે કોઈએ યૂટ્યુબની લિન્ક મોકલી. બોલિવૂડબબલ ચૅનલમાં આવતા અરબાઝ ખાનના ચૅટ-શોની લિન્ક હતી. આ પરટિક્યુલર લિન્ક જાવેદ અખ્તરના ઈન્ટરવ્યુની હતી, જેમાં એમણે 1970ના દાયકાની સુપરહિટ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ની થોડીક વાત કરી છે.

આ એપિસોડ મને લઈ ગયો નર્મદનગરી સુરત, કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાલાના ઘરે. કૃષ્ણકાંત ભૂખણવાલા એટલે હિંદી-ગુજરાતી-અંગ્રેજી ફિલ્મ તથા રંગભૂમિના ઍક્ટર-ડિરેક્ટર કેકે. સુરતમાં એમના ઘરે એક સુદીર્ઘ મુલાકાત દરમિયાન ‘હાથી મેરે સાથી’ અને એના નિર્માતા ચિન્નપ્પા દેવરનો વિષય નીકળતાં એમણે આ ફિલ્મ સાથે સંકળાયેલા કેટલાક રોમાંચક કિસ્સા કહેલા. ખાસ તો આ કિસ્સો માણસની ઈશ્વરમાં આસ્થાના જડબેસલાક પુરાવા સમો છે.

1930ના દાયકામાં ચિન્નપ્પા દેવર કોઈમ્બતુરની એક કાપડમિલમાં મજૂરી કરતા. કાળી મજૂરી. રોજેરોજનું કમાઈને ખાવું પડે. અચાનક એમની નોકરી છૂટી ગઈ. મુરુગન ભગવાનમાં અસીમ શ્રદ્ધા ધરાવતા યુવા ચિનપ્પાએ બીજી નોકરી ઝટ મેળવી આપવા પ્રાર્થના કરી, પણ નોકરી મળતી નહોતી. આમ છતાં ભગવાનમાંથી એમની શ્રદ્ધા ડગી નહીં. એ મંદિરે ગયા ને ભગવાનને ખખડાવ્યાઃ “આ શું માંડ્યું છે? કંઈ ખબર પડે કે નહીં? નોકરી નહીં તો ખાવાનો મેળ કરી આપો…” આવી કડક પ્રાર્થના કરીને એ મંદરની બહાર નીકળ્યા કે ત્યાં એમના પગે કંઈક અથડાયું. જોયું તો સિગારેટનું એક ખોખું, ખોખામાં વીસ રૂપિયા હતા.

ચિન્નપ્પાને ખ્યાલ આવી ગયો કે ભગવાને જ એને મદદ કરી છે. એ પાછા મંદિરમાં ગયા. વીસમાંથી પાંચ રૂપિયા મુરૂગન ભગવાનની મૂર્તિ પાસે મૂકી દીધાઃ “આજ પછી મારી કમાણીના પચીસ ટકા ભાગ તમારા ચરણે ધરીશ.”

બીજા દિવસે એમને એક તમિળ ફિલ્મના શૂટિંગમાં હીરો દસ-બાર ગુંડાને પીટતો હોય એવા સીનમાં ગુંડાનું કામ મળ્યું. મારામારીએ એમને સૅન્ડોનું બિરુદ આપ્યું. આવી થોડીક ફિલ્મોમાં મારામારીનું કામ કર્યા બાદ એ ‘ઍનિમલ ટ્રેનર’ બન્યા અને સૅન્ડો એમ. એમ. એ. ચિન્નપ્પા દેવર તરીકે પંકાયા. હિંમત કરીને એક ફિલ્મનું નિર્માણ કર્યું. વિષય હતો ભગવાન મુરુગન પ્રત્યેની આસ્થા. સુપરહિટ. પછી તો એમણે તમિળ સુપરસ્ટાર એમ. જી. રામચંદ્રનને લઈને અનેક ફિલ્મો બનાવી.

ચિન્નપ્પા દેવ૨ની સુપરહિટ હિંદી ફિલ્મ એટલે ‘હાથી મેરે સાથી.’ કથાકાર અને નિર્માતા સૅન્ડો ચિન્નપ્પા દેવ૨ પોતે, ડિરેક્ટર હતા દેવરના નાના ભાઈ એમ. એ. તિરુભુગમ્. હીરો તરીકે સંજીવકુમારને લેવાનું નક્કી થયું. મુંબઈમાં વાર્તા સાંભળી સંજીવકુમારે કહ્યું કે “આ પાત્ર માટે હું ફિટ નથી. તમે એક કામ કરોઃ રાજેશ ખન્ના કરીને એક નવો હીરો આવ્યો છે. એને લો.”

‘આરાધના’ના શૂટિંગમાં દેવર એક દિવસ રાજેશ ખન્નાને મળ્યા. આ એ સમયકાળ હતો, જ્યારે રાજેશ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્ના બન્યા નહોતા. પૈસા, વગેરે નક્કી થયું.

ઈન્ટરવ્યુમાં જાવેદ સાહેબે કહ્યું એ મુજબ, રાજેશ ખન્નાએ નવોદિત લેખકજોડી સલીમ-જાવેદને તક અપાવી. રાજેશ ખન્નાની તીવ્ર ઈચ્છા કે પટકથા આ બન્ને લેખકો લખે. સલીમ-જાવેદે હા પાડી. અને બાકી ઈતિહાસ… પછી તો દેવરે ‘જાનવર ઔર ઈન્સાન,’ ‘ગાય ઔર ગૌરી,’ ‘મા,’ ‘મેરા રક્ષક,’ વગેરે જેવી હિંદી ફિલ્મો બનાવી. ઑલમોસ્ટ બધી ફિલ્મમાં હાથી, ગાય, શ્વાન, વાઘ જેવાં પ્રાણીની મહત્વની ભૂમિકા હતી. 1978માં એમનું અવસાન થયું.

જી ના, ક્લાઈમેક્સ હવે આવે છેઃ ‘હાથી મેરે સાથી’નું શૂટિંગ શરૂ થયું એ દરમિયાન જ ‘આરાધના’ રિલીઝ થઈ. રાતોરાત રાજેશ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્ના થઈ ગયા, એમના ભાવ ત્રણ ગણા વધી ગયા. આથી ચિન્નપ્પા દેવરે ફરીથી રાજેશ ખન્નાનો સંપર્ક કર્યોઃ “સાર, અબી આપકા ફીસ વોહી હોના કિ જ્યાદા પૈસા ચાહિયે?”

તે વખતે રાજેશ ખન્નાએ આપેલો જવાબ (જે મને કેકેએ કહેલો) સાંભળીને રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એમણે કહ્યું, “ધારો કે ‘આરાધના’ ફ્લૉપ થઈ હોત તો તમે ભાવ ઘટાડવાનું પૂછવા આવ્યા હોત? આપણી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં તમે મને ફુલ પેમેન્ટ કરી દીધું છે, જે બતાવે છે કે તમને મારામાં કેટલો વિશ્વાસ છે. હું તો નક્કી થઈ એ જ ફીમાં હું કામ કરીશ.”