બ્લર છે, પણ જોઈ શકાય…

લો ત્યારે, વધુ એક સાઉથ રિમેક હાજર છે. ગયા શુક્રવારે કાર્તિક આર્યનની ‘શેહઝાદે’ આવી ને ગઈ, આજે (24 ફેબ્રુઆરીએ) અક્ષયકુમાર-ઈમરાન હાશમી ‘સેલ્ફી’ લાવ્યા છે. ડિરેક્ટર છે રાજ મેહતા. રાજ-અક્ષયની જોડીએ આ પહેલાં આપણને ‘ગુડ ન્યુઝ’ આપેલી, રાજ ભૈય્યાએ તે પછી ‘જુગ જુગ જિયો’ બનાવી. અને હવે, 2019માં આવેલી મલયાલમ મૂવી ‘ડ્રાઈવિંગ લાઈસન્સ’ પરથી એમણે ‘સેલ્ફી’ ઝડપી છે.

ફિલ્મની કથાનું હાર્દ છેઃ ફિલ્મસ્ટારોને ભગવાનની જેમ પૂજતા એમના ભક્તોને જ્યારે ભક્તિનો બદલો ન મળે અથવા ક્યાંક કંઈ કાચું કપાય એટલે એ લોકો સ્ટારની વિરુદ્ધ થઈ જાય, બૉયકૉટ બોલિવૂડનાં બ્યૂગલ ફૂંકાવાં માંડે, ટ્વિટર પર એની વિરુદ્ધ હૅશટૅગ શરૂ થઈ જાય, મિડિયા પણ ચાલુ ગાડીમાં ચડી જઈને પોતાની મેળે ચુકાદા આપવા મંડે, વગેરે.

ટૉપ ફિલ્મસ્ટાર વિજયકુમાર (અક્ષયકુમાર) ભોપાળમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મની ક્લાઈમેક્સ શૂટ કરવા વિજયકુમારને અર્જન્ટલી ડ્રાઈવિંગ લાઈસન્સ લેવાની જરૂર પડે છે. એ પણ તાત્કાલિક, કેમ કે શૂટિંગ સમયસર પૂરું થાય એ બહુ જરૂરી છે. ભોપાળનો મોટર વેહિકલ ઈન્સ્પેક્ટર ઓમ પ્રકાશ (ઈમરાન હાશમી) વિજયકુમારનો બહુ મોટો ફૅન છે, એ અને એનો દીકરો વિજયકુમાર સાથે સેલ્ફી લેવા જાતજાતના ઉધામા કરે છે. હવે તક મળતાં ઓમ કહે છે “લાઈસન્સ તો ફટ્ દઈને આપી દઉં, પણ વિજયકુમાર મારી અને મારા દીકરા સાથે એક સેલ્ફી લેવા દે તો…” બધું નક્કી થાય છે, પણ કંઈક ગેરસમજણ થતાં બન્ને વચ્ચે અંટસ પડી જાય છે. ઓમ પ્રકાશ જિદ પકડે છે કે હવે તો હીરો વિજયકુમારે સામાન્ય માણસની જેમ વિધિ-પ્રવિધિ પાર પાડીને જ લાઈસન્સ લેવું પડશે, જેમાં મહિનો નીકળી જાય, જ્યારે વિજયે તો અઠવાડિયામાં અમેરિકા જવાનું છે… હવે?

સાલસ પત્ની (નુસરત ભરૂચા) અને વહાલસોયો પુત્ર ધરાવતો ફૅમિલી મૅન ઓમ પોતે જેને રીતસરનો પૂજે છે એની સામે જંગે ચડે છે એ વાત મને 2016માં આવેલી મનીષ શર્માની, શાહરુખ ખાનને ડબલ રોલમાં ચમકાવતી ‘ફૅન’ યાદ અપાવી ગઈ. બોલિવૂડ સુપરસ્ટાર આર્યન ખન્ના (શાહરુખ) અને દિલ્હીમાં રહેતો એનો ફૅન ગૌરવ (શાહરુખ) જેમ બાધ્યા કરે છે એમ અહીં પણ ઍરોગન્ટ વિજયકુમાર અને અહંવાદી ઓમ વચ્ચે લડાઈ ચાલ્યા જ કરે છે… ચાલ્યા જ કરે છે… વિજયના પ્રતિસ્પર્ધીની ભૂમિકામાં અભિમન્યુસિંહ છે, જે આ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવી વિજયને નીચે પાડવાના પ્રયાસ કરે છે.

ફિલ્મસ્ટાર વિજય કુમારનું કૅરેક્ટર ભજવતો અક્ષય આખી ફિલ્મમાં પોતાનો (એટલે કે અક્ષયકુમારનો) જયજયકાર કર્યા કરે છેઃ “સાલ મેં ચાર ફિલ્મેં કરતા હૂં, ઓટીટી પર બેએક ફિલ્મ કરું છું, આ સિવાય જાહેરખબર (કમલા પસંદ પાનમસાલા)માં કામ કરું છું, ઈવેન્ટમાં જાઉં છું ને ક્યારેક ટીવી-રિઆલિટી શો બી કરી કાઢું.” ભાઈ અક્ષય, ચાર ફિલિમ તું કરે છે, પણ ‘બચ્ચન પાંડે,’ ‘સમ્રાટ પૃથ્વીરાજ,’ ‘રક્ષા બંધન’ અને ‘રામ સેતુ’ના બૉક્સ ઑફિસ પર કેવા હાલ થાય છે તે તો જરા જો. અને ઓટીટી પર ‘કટપૂતલી’ અને ‘અતરંગી રે’ આવી. શું ઉકાળ્યું એણે?

-અને છેલ્લા થોડા સમયથી બોલિવૂડ પર માછલાં ધોવાઈ રહ્યાં છે એનો જવાબ આપવાનો પણ અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે.

મૂળ મલયાલમ કૉમેડીમાં કેટલીક હકીકત બહુ સરસ રીતે રજૂ કરવામાં આવેલી. જેવી કે, ફૅન્સ છે તો સ્ટાર્સ છે, શ્રેય અને પ્રેય વચ્ચેની લડાઈ અને સ્ટાર-ફૅનની માનસિકતા, એમની મનોઝંઝટ… જ્યારે અહીં આખી વાર્તા એકતરફી થઈ ગઈ છે. હા, અમુક સંવાદ સારા છે. જો વીકએન્ડમાં કરવા જેવું કંઈ ન હોય તો ઝાઝી અપેક્ષા રાખ્યા વિના ઓકે-ટાઈપ ‘સેલ્ફી’ જોવા જજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]