શાહરુખઃ વો તો હૈ અલબેલા

ઓકે, આ વખતની કોલમના વિષયને રઘુ જેટલીએ ‘ચિત્રલેખા’ના તાજા અંકમાં (‘જલસાઘર’માં) છેડ્યો છે, પણ સ્થળસંકોચના લીધે રઘુએ નથી આપી એવી અમુક બાતમી મારે આપવી છે. વાત છે કુંદન શાહ દિગ્દર્શિત ફિલ્મ ‘કભી હાં કભી ના’ વિશે. આ ફિલ્મ એની રિલીઝના ત્રીસમા વર્ષમાં પ્રવેશી છે.

1991માં કુંદનભાઈએ આ ફિલ્મ બનાવવાની શરૂઆત કરેલી ત્યારે હીરો આમીર ખાન હતો, પછી એની જગ્યાએ શાહરુખ આવ્યો, હીરોઈન જુહી ચાવલા હતી એના સ્થાને પછી સૂચિત્રા કૃષ્ણમૂર્તિ આવી, શાહરુખ ખાને શૂટિંગ વખતે ફિલ્મના તંગ બજેટને કારણે પડેલી અગવડ ચૂપચાપ સહન કરી લીધેલી, વગેરે વગેરે તમે ‘જલસાઘર’માં વાંચી શકો છો.

વાત જાણે એમ કે, કુંદન શાહની ‘જાને ભી દો યારો’થી શહરુખ એટલો પ્રભાવિત હતો કે કુંદનભાઈ એને ‘કભી હાં કભી ના’ માટે મળવા ગયા ત્યારે એણે કોઈ ઔપચારિકતા દાખવી નહીં અને કહ્યું કે “હું એમાં કામ કરીશ.” તે વખતે શાહરુખની છૂટીછવાઈ ટીવીસિરિયલ્સ આવેલી. જો કે ‘કભી હાં કભી ના’નું શૂટિંગ વિલંબમાં પડ્યું એ દરમિયાન શાહરુખે હેમામાલિનીની ‘દિલ આશના હૈ,’ રાકેશ રોશનની ‘કરણ અર્જુન,’ ‘દીવાના’ જેવી કેટલીક મોટા બજેટની ફિલ્મો સાઈન કરી હતી. ‘કભી હા કભી ના’ના નિર્માતા વિજય ગાલાની મૂંઝાયા. એમણે કુંદનભાઈને કહ્યું કે “યાર, આપણી શાહરુખ સાથે ખાલી મોઢામોઢ વાત થઈ છે, લેખિતમાં કંઈ નથી. આપણી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું નહીં એટલે એણે બીજી ફિલ્મો લઈ લીધી… એ ફરી ગયો તો?”

બીજા દિવસે કુંદનભાઈ અને નિર્માતા જુહુ બીચ પર આવેલી સેન્ટોર હોટેલમાં ‘દીવાના’ ફિલ્મના મુહૂર્તમાં શાહરુખને મળવા ગયા. ત્યાં એટલી ભીડ હતી કે કુંદનભાઈ વિમાસણમાં મુકાયા કે આવામાં કન્સેન્ટ લેટર વંચાવી એની પાસેથી સહી લેવી કેવી રીતે જેમતેમ કુંદનભાઈ બે મિનિટ માટે શાહરુખને એક કૉર્નરમાં લઈ ગયાઃ “પ્રોડ્યુસરને ટેન્શન થઈ રહ્યું છે, એ ઈચ્છે છે કે તું અમને એક સંમતિપત્ર લખી આપ. લેટર રેડી છે. તારે ખાલી વાંચીને સહી જ કરવાની છે…”

એ રૂમમાં (બૅન્ક્વે હૉલમાં) ટેબલ નહોતું એટલે શાહરુખે જમીન પર બેસીને, પગ પર લેટર મૂકી સહી કરી આપી. અમે એને પાંચ હજાર રૂપિયા ઍડવાન્સ ચૂકવવામાં આવ્યા. પૂરી ફિલ્મમાં કામ કરવા માટે શાહરુખને પચીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવેલા.

કુંદનભાઈના કહેવા મુજબ, અમે ફિલ્મના રફ કટ્સ જોઈ રહ્યા હતા ત્યારે મને બહુ ટેન્શન થતું હતું, પણ શાહરુખે મને કોણી મારીઃ “કુંદન, તમે ટેન્શન નહીં લો. ફિલ્મ સારી બની છે.” સંગીતકાર  જતીન લલિતનાં સ્વરાંકન પણ કર્ણમંજુલ હતાં. ખાસ તો, “અય કાશ કે હમ…” “આના મેરે પ્યાર કો…” “વો તો હૈ અલબેલા…” જેવાં ગીત આજેય ગણગણવાં ગમે.

કમનસીબે ‘બાઝીગર’ અને ‘ડર’ રિલીઝ થઈ એ પહેલાંથી ‘કભી હાં કભી ના’ તૈયાર થઈને પડેલી, પણ કોઈ ડિસ્ટ્રિબ્યૂટર રિલીઝ કરવા તૈયાર નહોતો. નવાઈની વાત તો એ કે શાહરુખની બધી જ ફિલ્મો સુપરહિટ થઈ હોવા છતાં ‘કભી હાં કભી ના’ કોઈ લેતું નહોતું.

 

1994ના આરંભમાં એક દિવસ કોઈએ એના કાને વાત નાખીઃ ‘કભી હાં કભી ના’ કોઈ લેતું નથી, નિર્માતા-દિગ્દર્શક મૂંઝાયા છે. શાહરુખે તરત વિજય ગાલાનીને ફોન જોડ્યોઃ “મુંબઈ ટેરિટરીમાં હું રિલીઝ કરીશ.” આમ વિજય ગાલાની, શાહરુખ ખાન, વિનસે મળીને ‘કભી હાં કભી ના’ રિલીઝ કરી. શાહરુખને ફિલ્મ એટલી ગમી ગયેલી કે રિલીઝ પછી પણ એણે એનો પ્રચાર કરેલો. હૈદરાબાદના એક થિએટરમાં ‘કભી હાં કભી ના’ ચાલતી હતી ત્યાં કુંદનભાઈ અને શાહરુખ ગયા. અધવચ્ચે ફિલ્મ અટકાવી શાહરુખે પ્રેક્ષકો સાથે વાતચીત કરી. થોડી વાર પછી ફિલ્મ શરૂ કરાવી. ઑડિયન્સ ગાંડું ગાંડું થઈ ગયેલું. જો કે વેગળા વિષયની, કુંદનભાઈએ દિલથી બનાવેલી આ ફિલ્મને પૈસા રિકવર કરતાં બાર વર્ષ લાગી ગયેલાં.

2017ના ઑક્ટોબરમાં કુંદન શાહે આ ફાની દુનિયામાંથી કાયમ માટે એક્ઝિટ લીધી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]