તૂ ગેમમેં રહેગા ભાઈ અન્ટિલ યૂ ડાઈ…

રંગપંચમીની સમી સાંજે તૂ જુઠી મૈં મક્કાર જોઈ ને એ વિશે તથા એના સર્જક લવ રંજનની ફિલ્મ વિશે મોજમસ્તીમાં લખવાનું આયોજન કરેલું, પરંતુ ગુરુવારની પરોઢે વૉટ્સઍપ પર ધડાધડ મેસેજીસ આવવા મંડે છેઃ બુધવારે ભળભાંખળે અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકનું હાર્ટ અટેકથી દિલ્હીમાં નિધન અને… જૂઠી-મક્કારને બાજુએ મૂકી આ પીસ લખું છું. સતીશજીનો જન્મ 13 એપ્રિલ, 1956ના રોજ હરિયાણામાં થયેલો, મૃત્યુ દિલ્હીમાં થયું, હજી સાત માર્ચે તો એ મુંબઈમાં જાવેદ અખ્તર આયોજિત ધુળેટીમાં મહાલ્યા, વગેરે વગેરે વિશે બધા બધું લખી ગયા છે. દિલ્હીની એનએસડી અને પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં ઍક્ટિંગ ભણ્યા, 1980માં મુંબઈની વાટ પકડી ને 1983માં પહેલીનું સ્ટેજ ગોઠવાયુંઃ કુંદન શાહની જાને ભી દો યારો.

વર્ષો પહેલાં હું સુભાષ ઘાઈની ઑફિસમાં ઍક્ટર શ્રેયસ તળપદેને મળવા ગયેલો.એ હજુ આવ્યો નહોતો. ત્યાં સતીશ કૌશિક સાવ અનાયાસ મળી ગયેલા. મેં ઓળખાણ આપતાં કહ્યું કે હું ચિત્રલેખા મૅગેઝિનમાંથી આવું છું તો એમણે મને ચોંકાવી દીધોઃ મધુબહેન કેમ છે આ સવાલ એમણે શુદ્ધ ગુજરાતીમાં પૂછેલો.4-5 કૉફીના કપ ખાલી કરતાં કરતાં કંઈકેટલા વિષય પર વાતચીત થયેલી.એમાં, અલબત્ત, રૂપ કી રાની ચોરોં કા રાજાનો વિષય નીકળે જ. એમણે કહેલું કે મારો દાખલો સાવ ખોટો હતો. ફિલ્મ બેસી ગઈ ને એ સાથે મારું હૃદય પણ. એ પછી એમણએ એક ઈન્ટરેસ્ટિંગ કિસ્સો કહેલો. 2000ની સાલમાં એ હમારા દિલ આપકે પાસ હૈ ફિલ્મ ડિરેક્ટ કરતા હતા. અનિલ કપૂર હીરો, ઐશ્વર્યા રાય બચ્ચન હીરોઈન. એમાં ઐશ્વર્યાની બહેણપણી તરીકે સતીશજીએ મીતા વશિષ્ઠને લીધેલી. થોડું શૂટિંગ કર્યા બાદ ડિરેક્ટર તરીકે એમને ખ્યાલ આવ્યો કે આ રોલમાં મીતાને લેવામાં લોચો પડી ગયો છે.એ ઐશ્વર્યા કરતાં છવાઈ જાય છે. એમણે મીતાને વાત કરી તો એણેય કબૂલ્યું કે વાત સાચી છે. અને કોઈ પણ દલીલ વિના એણે ફિલ્મ છોડી દીધી ને એની જગ્યાએ તનાઝ કરીમ આવી…

બીજો કિસ્સો. મિસ્ટર ઈન્ડિયા બની રહી હતી, જેમાં એ કૅલેન્ડરની ભૂમિકા ભજવતા ને એ શેખર કપૂરના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતા. તે વખતે આમીર ખાનને શેખર કપૂરના આસિસ્ટન્ટ બનવું હતું. શેખરજીએ એને સતીશ કૌશિક પાસે મોકલ્યો.સતીશજીએ આમીરને કામ આપ્યું નહીં. વર્ષો બાદ સતીશજીએ નિખાલસતાથી આમીરને કહેલું કે યાર તે દિવસે તું મને મળવા આવેલો તારી કારમાં. જ્યારે મારી પાસે કાર નહોતી. મને થયું કે મારો આસિસ્ટન્ટ કારમાં આવે ને હું રિક્ષા-ટૅક્સીમાં તો એ કેવું લાગે. એટલે મેં તને રાખ્યો નહોતો. ત્યારે આમીરે કહ્યું, અરે તમારે મને કહેવું જોઈએને. એ મારી કાર નહોતી, બીજા કોઈની હતી.હું મોટા ફિલ્મપરિવારમાંથી આવતો તો પણ તે વખતે મારી પાસે કાર નહોતી.સતીશજીની અભિનયની કારકિર્દીનું અમર પાત્ર એટલે મિસ્ટર ઈન્ડિયાનું કૅલેન્ડર. આ ફિલ્મમાં કામ કરતા બાળકલાકારોને એમણે અભિનયની તાલીમ પણ આપેલી. એટલામાં શ્રેયસ તળપદેની એન્ટ્રી થઈ ને અમારી વાત અટકી ગઈ.

સતીશજીમાં રમૂજની જબરી સૂઝ હતી, ખૂબ હસાવતા, પણ અંગત જીવનમાં એમણે ઘણા આઘાત અનુભવેલા. 1985માં એમનાં લગ્ન થયા, પણ લગ્નનાં આઠેક વર્ષ બાદ એમના ઘરે પારણું બંધાયેલું. એમને ત્યાં બાબો આવેલો, પણ 1996માં બે જ વર્ષની વયે એનું નિધન થઈ ગયું.એના 16 વર્ષ બાદ, 2012માં સરોગસીથી એમને ત્યાં દીકરી આવી. એ વખતે સતીશજીની વય હતીઃ 57 વર્ષ.

145થી વધુ ફિલ્મમાં અભિનય અને 15થી વધુ ફિલ્મનાં દિગ્દર્શન કરનાર સતીશજીની અભિનેતા તરીકે લાસ્ટ રિલીઝ હતી છત્રીવાલી. હાલમાં એ કંગના રણોટની ઈમરજન્સીનું શૂટિંગ કરી રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી પર આધારિત આ ફિલ્મમાં કંગના બની ઈન્દિરા ગાંધી અને સતીશજી બન્યા છે જગજીવનરામ.

બસ, અલવિદા સતીશજી. તમે તમારા કંઠમાં રજૂ કરેલી કવિતાની 2-3 પંક્તિ લખવાની લાલચ રોકી શકતો નથી. જીવનનો સાર સમજાવતું આ ગીત એમણે પોતાના અવાજમાં તૈયાર કરેલું, જેની પંક્તિ હતીઃ
વેન લાઈફ ગિવ્ઝ યુ બનાના,તુમ ઉસકો છિલ કે ખા જાના…ઑલવેઝ રિમેમ્બર વ્હૉટ ધ ઓલ્ડ મૅન સેઈડ, તૂ ગેમમેં રહેગા ભાઈ,અન્ટિલ યૂ ડાઈ…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]