રાજયોગ મેડિટેશન દ્વારા સંસ્કારોનું પરિવર્તન કરીએ

રાજયોગ મેડિટેશનમાં આપણે જે સકારાત્મક શક્તિશાળી સંકલ્પો કરીએ છીએ તેની અસર ફક્ત તે સમયે જ નથી રહેતી પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે છે ત્યારે તે કામ કરે છે અને આપણને મુશ્કેલીઓથી બચાવે છે. પરિણામે આપણો જીવન પ્રત્યે, લોકો પ્રત્યે તથા પોતાના પ્રત્યે પણ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. તેનો ફાયદો આપણને વ્યવહારિક જીવનમાં મળે છે. પછી મેડિટેશન અને વ્યવહારિક જીવન અલગ નથી રહેતા.

રાજયોગ મેડિટેશનમાં આપણે એ ધ્યાન રાખીએ છીએ કે ગુસ્સા તથા તણાવના સંકલ્પો ઉત્પન્ન જ ન થાય. જ્યારે પણ આપણે સકારાત્મક સંકલ્પો કરીએ છીએ ત્યારે તેની સાથે શક્તિ પણ જરૂરી છે. ઘણીવાર આપણે સકારાત્મક સંકલ્પ કરીએ છીએ કે આ કામ થઈ જશે. પરંતુ સાથે સાથે અંદર શંકા પણ હોય છે કે મને નથી લાગતું કે આ કામ થાય, પરિણામે ડર ઉત્પન્ન થાય છે. આ પ્રકારના સંકલ્પ નબળા સંકલ્પ છે. પરિણામે વિચારો બહુ જલદી નકારાત્મક વિચારોનું અનુસરણ કરવા માંડે છે.

રાજયોગ મેડિટેશનમાં સકારાત્મક સંકલ્પો કરવાની સાથે એક શરત છે કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ ત્યારે જ તે વિચાર પોતાનો પ્રભાવ બતાવશે. પરંતુ આપણા ઊંડા સંસ્કાર હજુ પણ ગુસ્સાવાળા છે, હજુ પણ આપણા એ સંસ્કાર છે કે મારા હિસાબે વધુ થવું જોઈએ, લોકો મારા વિચાર અનુસાર કામ કરવા જોઈએ. ઉપર-ઉપરથી આપણે સંકલ્પ કરીએ છીએ કે – કોઈ વાત નહીં. તમે જે રીતે કરો છો તે ઠીક છે. હું તેનો સ્વીકાર કરું છું. આ પ્રમાણે આપણે એક-બે વાર કરી શકીએ છીએ, પરંતુ ત્રીજીવાર આપણે કહીએ છીએ કે તમને સમજ નથી પડતી? તમે વારંવાર આ પ્રમાણે કામ કરો છો. આનું કારણ એ છે કે આપણા સંસ્કાર કામ કરવાનું ચાલુ કરી દે છે કે આ બરાબર કામ નથી કરતા.

રાજયોગ દ્વારા પ્રાપ્તિ માટે આપણે પોતાના ઊંડા સંસ્કારોને બદલવાના છે. મેડિટેશનમાં જ્યારે આપણે સંસ્કારો ના ઉપર કામ કરીએ છીએ ત્યારે નબળા સંકલ્પો આવશે જ નહીં. આપણે સંકલ્પો ને બદલવાની મહેનત કરવાની સાથે આત્મામાં શક્તિ પણ ભરવી પડશે. આપણી આજુબાજુના લોકો કાંઈ પણ કરે આપણે તેનો સ્વીકાર કરીએ, શાંત રહીએ. આપણે પોતાના ઉપર ખૂબ મહેનત કરવી પડશે. રાજયોગ મેડીટેશન નું પરિણામ તરત નહીં મળે, કે સામેવાળી વ્યક્તિ બદલાઈ જાય, એકદમ પ્યારથી કામ કરવા લાગે. આના પરિણામે આપણા મૂળ સંસ્કાર ફરીથી જાગૃત થઈ જાય છે. જે આપણને ખૂબ નુકસાન કરે છે. આપણે સવારના સમયે મેડિટેશન દ્વારા ઈશ્વરીય શક્તિ પોતાનામાં ભરવી જોઈએ. જો આપણે ઇશ્વરીય શક્તિ દ્વારા આપણા ઊંડા સંસ્કારોને પરિવર્તન કરી શકીશું તો બહારનો જે વિરોધાભાસ છે તે તો આપ મેળેજ સમાપ્ત થઈ જશે, તેના માટે કોઈ મહેનત નહીં કરવી પડે.

મેડિટેશનને પ્રાથમિક સ્તર પર કોઈ પણ શરૂ કરી શકે છે. આના માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. મનના વિચારોને શાંત કરો, પોતાની સાથે વાતો કરો. પરમાત્માની યાદ દ્વારા આત્મામાં શક્તિ ભરો. શરૂઆતમાં 10 મિનિટનો સમય રાખો. પછી ધીરે ધીરે તે વધારતા જાવ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)