આ જીવનની મોટામાં મોટી સફળતા કઈ છે, જાણો છો? અને એ મેળવવી હોય તો? ટવેન્ટીફૉર-બાય-સેવન તમે આનંદમાં રહો, જીવનમાંથી ક્યારેય આનંદની બાદબાકી ન થાય એ છે સૌથી મોટી, સૌથી મહત્વની સિદ્ધિ. જો વગર દિવેલ પીધે દિવસમાં 4-5 વખત મોઢાં કડવાં થઈ જતાં હોય તો એ છે મનની નિર્બળતા.
એમ કહેવાય છે કે જીવનમાં કંઈ ખરાબ બને એની અસર માનવી પર 10 જ ટકા થાય છે, બાકીની 90 ટકા જે બન્યું એની સાથે તમે કેવી રીતે પનારો પાડો છો, એના વિશે શું વિચારો છો એના પર આધારિત છે. ચડતી ને પડતી, સુખ અને દુઃખ એ તો જીવનનો ક્રમ છે.
આપણે વાત કરીએ સંબંધની. મોટા ભાગની વ્યક્તિ એવું માની લેતી હોય છે કે મને જે વ્યક્તિ ગમી ગઈ એ મારા માટે જ સર્જાઈ છે. આવી ગેરમાન્યતાને લીધે જ સુસાઈડ થતી હોય છે, મર્ડર થતાં હોય છે. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે જતી રહી એ બધો પ્રારબ્ધનો ખેલ છે, ઈશ્વરની ઈચ્છા છે. તમે શા માટે અકળાઈ જાઓ છો? યાદ રહે, કોઈ પણ પરિસ્થિતિમાં મનની સ્થિતિને અને આંતરિક આનંદને ઈજા પહોંચવી જોઈએ નહીં. કેમ કે, વ્હૉટેવર ડન ઈઝ ડન. ઈટ કેનૉટ બી અનડન. ઈવન યૂ ગો ટુ લંડન.
હા, સંબંધ જોડવાના પ્રયત્ન જરૂર કરવા. અથાગ પ્રયત્નો પછી પણ સફળતા ન મળે તો હાથ ઊંચો કરી, એને ગુડ બાય કહી દોઃ ભગવાન તારું ભલું કરે, તારી પ્રગતિ થાય એ માટે શુભેચ્છા. આટલું કહી મોબાઈલમાંથી એનો નંબર ડીલીટ કરી નાખવાનો, કારણ કે નંબર ભૂલથી જોવાઈ જશે તો ફરી એ યાદો તાજી થશે, ફરી મન અસ્થિર થવા માંડશે.
કહેવાનું એ કે સંબંધમાં કે પછી વ્યવસાયમાં આવા પ્રશ્નો આવે ત્યારે સ્થિરતા ખૂબ જરૂરી છે. નહીંતર આંતરિક દુઃખમાંથી તમે બહાર જ નહીં આવી શકો. અમારા ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામીના યુનોથી લઈને કેનેડિયન પાર્લમેન્ટ તથા દેશ-વિદેશમાં કંઈકેટલાં સમ્માન થયાં છે તો સામે એમનાં મોઢામોઢ અપમાન પણ થયાં છે. એક વાર સ્વામી મુંબઈમાં હતા, એમને 102 ડિગ્રી તાવ હતો ત્યારે એક બહુ મોટા ગજાની વ્યક્તિએ એમનું હળાહળ અપમાન કર્યું. લગભગ એક કલાક એ બોલતા રહ્યા. સ્વામીની સાથે સતત રહેતા વડીલ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામીએ એમને અટકાવવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્વામીએ કહ્યું કે, “એમને જે બોલવું છે એ બોલી લેવા દો.” આમ ને આમ રાતના સાડાઆઠ વાગી ગયા. પેલા ભાઈની વાત પૂરી થઈ એટલે સ્વામીશ્રીએ સેવકને એટલું જ કહ્યું કે “જમવાનો સમય છે તો આમને જમાડીને મોકલજો.” આને કહેવાય સ્થિરતા.
યાદ રાખજો કે કોઈ તમારા ભારોભાર વખાણ કરે અને એનાથી તમે ફુલાઈ જાઓ તો પછી કોઈ તમારું નાનુંસરખું અપમાન કરે ત્યારે તમે લેવાઈ જશો એ નક્કી. પ્રમુખસ્વામી કહેતા કે “કોઈ તમને કહે કે તું સાવ ગધેડા જેવો છું ત્યારે આંખો મીંચીને વિચારજો કે કે શું મારા કાન લાંબા છે? મારે ચાર પગ છે? મને પૂંછડી છે? મારું શરીર ધોળુંધબ્બ છે? નથીને? તો તમે ગધેડા નથી. શું કામ એનું મન પર લેવું? ધારો કે તમારું નામ મુકેશ છે અને કોઈ તમને કહે કે મહેશ, જરી અહીં આવ તો તમે શું કહેશો? હું મહેશ નહીં, પણ મુકેશ છું. અર્થાત્ તમે જે નથી એ નથી. તમે ગર્દભ નથી જ નથી. “
આમ, માન-અપમાનમાં સ્થિરતાનું વલણ રાખશો તો ક્યારેય દુઃખી નહીં થાઓ, સદાયે આનંદમાં રહેશો અને આ છે તમારી સૌથી મોટી સિદ્ધિ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)