કાર્ય કર્યાનો ખરો આનંદ કેમ લૂંટાય?

આજથી લગભગ સાડાત્રણ દાયકા કરતાં પહેલાં, 1987માં, ગુજરાતના અનેક વિસ્તારો ભીષણ દુકાળથી ગ્રસ્ત હતા. આ સમય એવો હતો કે માણસોને ખાવાના ફાંફા પડેલા ત્યાં મૂંગાં પશુઓનું શું? ભૂખથી તરફડતાં કેટલાંક પશુ તો હાડપિંજર બની ગયેલાં, તો કેટલાંક મરી રહ્યા હતા. દુકાળમાં હોમાતા આ અબોલ પશુઓને જોઈને તેના માલિકો જે મળે તે લઈને વેચી દેવા કકળતા હતા. જેમાંના એક નાનીબોર ગામના કેશુભાઈએ તો પ્રમુખસ્વામી મહારાજને કહી દીધેલું કે, હવે ઢોરાં વેચી દેવાનો વિચાર છે.’

તે વખતે દુષ્કાળરાહતનો મોભ ઊંચકનારા પ્રમુખસ્વામી મહારાજે કહેલું કે, ‘આપણે કોઈ ઢોર વેચવા નથી. તમે ઢોર મંદિરમાં મૂકી જજો. ગામમાં તમારા જેવા બીજા કોઈ હોય તો એમને વાત કરજો. આવતી સાલ ખેતીમાં કામ લાગે એમને એવા રાખવા છે.’

યાદ રહે, આ કાર્ય કરવા પાછળનો એમનો ઈરાદો ઢોરોને પાળવાનો નહીં, પણ પોષવાનો રહેતો. ઢોર જીવી જાય એટલું પૂરતું નહીં, પણ તે આવતા વર્ષે ખેતી માટે ઉપયોગી બને તેવા સશક્ત બની રહેવા જોઈએ. આ ઈરાદા સાથે તેઓ રાહતકાર્યમાં પ્રવૃત્ત થયેલા. સમાજસેવાની કેવી ઉદાત્ત ભાવના.

આ ઉદાત્ત ભાવનાના પરિણામે જ અબોલ પશુઓને દુકાળમાં સુકાળ થાય તે હેતુથી પ્રમુખસ્વામીએ ગુજરાતમાં ચાર-ચાર પશુ કલ્યાણ કેન્દ્ર સર્જી દીધેલાં. એમના કાર્યોની ગાથા આજે વિશ્વ ફલક ઉપર ગુંજી રહી છે તેનું એક કારણ છે કાર્ય કરવા પાછળની તેમની શુદ્ધ ભાવના. જે તેમનાં દરેક નાના-મોટાં કાર્યોમાં જોવા મળે છે. આથી જ, તત્કાલીન કલેક્ટર રવિ સક્સેનાએ હૃષ્ટપુષ્ટ પશુઓને જોઈ કહેલું કે, ‘આ બધામાંથી એકેય ઢોર દુકાળનું લાગતુ નથી. દુકાળરાહતની કામગીરી તો સરકાર પણ ચલાવે છે, પરંતુ એમાં અનુકંપા, પ્રેમ અને ભક્તિનો ભળે ત્યાં જુદો પ્રકાશ દેખાય. એ વાત મને અહીં જોવા મળી.’

મહાપુરુષોનાં જીવન આ જ શીખવે છે કે કામ ભલે નાનું હોય, પરંતુ તે કામ શુદ્ધ ભાવનાથી થાય તો નાનું કામ પણ મહાન બની જતું હોય છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ ઘણી વખત જણાવે છે કે જીવન એ ભાવના છે. જો ભાવના ન હોય તો જીવન મશીન જેવું બની જાય.

એક વખત સ્વામી વિવેકાનંદજી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. જે રસ્તે એ જઈ રહ્યા હતા ત્યાં એક મંદિરનું બાંધકામ ચાલતું હતું. ત્યાં એક કારીગરને કામ કરતો જોર્યો. સ્વામી વિવેકાનંદજી તેની પાસે ગયા અને પૂછ્યું, ‘શું કરો છો?’

પેલો કારીગર કહે, ‘જોતા નથી… ગધેડાની જેમ મજૂરી કરીએ છીએ. આખો દિવસ મહેનત કરીએ તોય પૂરતી મજૂરી મળતી નથી. ’

કારીગરની વેદના સાંભળી વિવેકાનંદજી આગળ વધ્યા. ત્યાં બીજો કારીગર મળ્યો. એને પણ એ જ સવાલઃ ‘શું કરો છો?’

કારીગર કહે, ‘આ શિલ્પમાં મારી કળાને કંડારું છું.’

ત્યાંથી આગળ વધતાં ત્રીજા કારીગર મળ્યો. એનો જવાબ હતોઃ ‘સ્વામી, હું તો ભગવાનની ભક્તિ કરું છું.

આ પ્રસંગમાં ત્રણેય શ્રમિક મજૂરી જ કરી રહ્યા હતા, પરંતુ કાર્ય કરવાની ભાવનાઓમાં તફાવત હતો. તેના પરિણામે કાર્ય કરવાથી પ્રાપ્ત થતા આનંદમાં પણ ફેર પડી ગયો.

પહેલો કારીગર ફક્ત હાથથી જ કામ લેતો હતો એટલે એને દરેક ક્રિયા થકવી નાખનારો શ્રમ લાગતો. બીજો કારીગર હાથ અને બુદ્ધિથી કામ લેતો હતો એટલે એને એના કામથી સંતોષ હતો, પરંતુ ત્રીજો કારીગર હાથ, બુદ્ધિ અને હૃદયની શુદ્ધ ભાવનાથી કામ કરતો હતો, તેથી તેને આ કાર્યથી સંતોષ તો થતો જ હતો, બલકે આ કાર્ય એને મળ્યું એને એ મોટું ભાગ્ય માનતો હતો. સાચી ભાવના સારા કાર્યની પ્રેરણા આપે છે અને સારા કાર્યની ગુણવત્તા વધારે છે.

સારઃ નાનામાં નાનું કાર્ય પણ શુદ્ધ ભાવનાથી કરીશું તો તે કાર્યનો ખરો આનંદ લૂંટી શકીશું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)