મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઈ ત્યારે રણસંગ્રામમાં અર્જુનના રથ અને જીવનરથ બંનેની લગામ કેશવે સંભાળી હતી. એ સમયે અર્જુને પોતાના પરમ સખા અને સારથી એવા કેશવ, ભગવાન શ્રીકૃષ્ણને પોતાનો રથ સમરાંગણની મધ્યમાં લેવા જણાવ્યું, જેથી તે જોઈ શકે કે શત્રુપક્ષમાં કોણ કોણ લડવા માટે ભેગા થયા છે.
સૈન્યની મધ્યમાં આવીને અર્જુને જ્યારે પોતાની સમક્ષ અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય તથા નિકટનાં સગાંસંબધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હચમચી ઊઠ્યું. એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો ન લડવું સારું. આવું વિચારી એ પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની રથમાં બેસી પડ્યો.
એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે સંદેશ સંભળાવ્યો એ ભગવદ્ ગીતાના નામે સુપ્રસિદ્ધ થયો. ગીતાના પ્રથમ અધ્યાયનું શીર્ષક પણ, ‘અર્જુન વિષાદયોગ’ આપવામાં આવ્યું છે. નિરુત્સાહી, ખિન્ન બની ગયેલા અર્જુનમાં યુદ્ધનું જોમ ફૂંકતાં કેશવે કહ્યું, “હે પાર્થ! આ તને શોભતું નથી, હૃદયની દુર્બળતા, શિથિલતા છોડી ઊભો થા અને લડવા માંડ.”
નિરાશાના અંધકારને ચીરતી કેવી બુલંદી સંભળાય છે આ શબ્દોમાં. અર્જુન જ્યારે શું કરવું અને શું ન કરવું એ દ્વિધામાં હતા, તો ભગવાન કહે છે કે “મનના માનેલા બધા મરમ મૂકી દે, અને મારા શરણે આવી જા.”
આપણી સાદી બોલીમાં કહીએ તો કૃષ્ણ કહે છે કે, “તું ટેન્શન ના લઈશ, બધી ચિંતા મારી ઉપર છોડી દે… બસ, હું કહું એમ કરવા માંડ. હું તને બધી સમસ્યાઓમાંથી બહાર કાઢી લઈશ.” કેવી ધરપત છે આ શબ્દોમાં
ભગવાન અર્જુનને કહે છે, “તું સહન કરતાં શીખ. ” વ્યક્તિત્વઘડતરની કેવી શૂરવીરતા પડઘાય છે આ શબ્દોમાં.
આપણને થાય કે, જીવનના રણમેદાનમાં પણ આપણને કેશવ મળી જાય તો? પણ એવા કેશવ, જે ખભે હાથ મૂકીને કહે, “હું બેઠો છું. તું ચિંતા ના કરીશ.” સતત કમ્ફર્ટ શોધતા મનને ઢંઢોળીને જે કહે “ભઈલા, થોડું સહન કરતાં શીખ.”
મળે એક એવા કેશવ જેમનો આદેશ, ઉપદેશ જીવનની આંટીઘૂંટીઓમાં અંતિમ નિર્ણય બની જાય, જેમના વિશ્વાસે આપણે નિરાંતનો શ્વાસ લઈ શકીએ. નિષ્ફળતાના ઘેરા ‘ઘા’ને ભરવા જેઓ હૂંફાળી ઉપસ્થિતિ બની જાય, ભૂતકાળના ડંખ ભૂંસી નાખે, વર્તમાનમાં શ્રેષ્ઠ બનાવે અને ભવિષ્ય માટે નિશ્ચિંત બનાવી દે. એવા કેશવ, જે સાથે ઊભા હોય હોય તો આપણે પણ અર્જુનની જેમ ખોંખારીને કહી શકીએ કે, “જેની પડખે કેશવ ઊભા હોય તેના વિજયમાં શું આશ્ચર્ય!”
નથી લાગતું કે માણસમાત્ર જીવનના સંગ્રામમાં આવા એક સમર્થ કેશવને ઝંખે છે? પણ એ કેશવ ખરેખર સમર્થ હોવા જોઈએ. બાકી તો “યાર, તું ચિંતા ના કર. હું બેઠો છુંને” એમ કહીને બેસી રહેવાવાળા બોલ બચ્ચન તો દુનિયામાં ડગલે ને પગલે મળી આવે છે.
ભગવાનની માનવજાત પર અસીમ કૃપા છે કે તેઓ આપણી વચ્ચે કોઈ ને કોઈ સ્વરૂપે સદા જીવંત રહે છે. સદનસીબે તે ઓળખી શકે છે. કેશવ કોઈનામાં રહીને બોલે છે, ચેતવે છે, સમજાવે છે, ઢંઢોળે છે, જગાડે છે, રાહ બતાવે છે, જો સમજાય તો.
હા, જીવનની આ યાત્રામાં કેશવ આપણી આસપાસ છે. આંખ, કાન અને હૃદય ખુલ્લાં રાખીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખીશું તો ચોક્કસ ‘કેશવ’ આપણને મળશે – આસપાસમાં, પણ આપણી સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. ધ્યાન રાખજો, કેશવ કોઈકમાં રહીને બોલે છે, કોઈકમાં રહીને જુએ છે અને કોઈક દ્વારા ચેતવે છે. આપણને સૌને ‘કેશવ’ વહેલા મળે તેવી પ્રાર્થના.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
