2026નો આરંભ થઈ ગયો છે. નવા વર્ષની પહેલી ઘડી એ સંદેશ આપે છે કે બહાર કંઈ બદલાય તે પહેલાં અંદરનું
પરિવર્તન જરૂરી છે. અંદર થોડી શાંતિ જન્મે એ સાચી શરૂઆત છે.
આજે જ્યારે આપણે આધુનિક સમાજની ગતિ જોઈએ છીએ ત્યારે લાગે છે કે આપણે વિકાસની આંધળી દોટમાં ઘણું બધું પાછળ છોડી રહ્યા છીએ. આપણે ભૌતિક સમૃદ્ધિ તો મેળવી, પણ શું આપણે ખરેખર સુખી થયા? 1990ના દાયકાથી અત્યાર સુધીમાં આપણે બુદ્ધિ (IQ) થી બહુ પ્રગતિ કરી, પણ હૃદયની સંવેદના અને આત્માની શુદ્ધિ ક્યાંક ખોવાઈ ગઈ છે. જીવનમાં સાચી સફળતા ત્યારે જ ગણાય જ્યારે તમારી આર્થિક ઉન્નતિની સાથે તમારા સંસ્કારો અને પરિવાર પણ સુરક્ષિત હોય.
આજના સમયની સૌથી મોટી કરુણતા એ છે કે આપણી પાસે 16 લેનના હાઈવે તો છે, પણ આપણા દ્રષ્ટિકોણ સાંકડા થતા જાય છે. આપણે ચંદ્ર પર જઈને પાછા આવી શકીએ છીએ, પણ બાજુના ફ્લેટમાં રહેતા પડોશી કે ઘરમાં રહેતા પોતાના વડીલો સાથે પ્રેમથી બેસવાની ફુરસદ આપણી પાસે નથી. આજે લોકોની આવક તો ડબલ-ટ્રિબલ થઈ રહી છે, પણ આની સાથે જ પરિવારોમાં વિખવાદ અને છૂટાછેડાના કિસ્સા પણ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. આનો અર્થ એ છે કે આપણે માત્ર ગ્રોથ કર્યો, પ્રોગ્રેસ નહીં.

યાદ રાખજો, તમે ગમે તેટલા પૈસા કમાઓ, પણ જો તમારા જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા નથી, તો તે વિકાસ લાંબો સમય ટકવાનો નથી. હું હંમેશાં કહું છું કે, વિકાસ + નૈતિકતા= પ્રગતિ. જો તમે તમારા નોકરી-વ્યવસાયમાં અનૈતિક રસ્તાઓ અપનાવશો તો કદાચ બેંક બેલેન્સ વધશે, પણ રાતની ઊંઘ અને મનની શાંતિ ચોક્કસ જતી રહેશે. સફળતાની ઈમારત નૈતિકતાના પાયા પર જ ટકેલી હોય છે.
યાદ રહે, માણસ તરીકે આપણી સૌથી મોટી જવાબદારી આપણા કૌટુંબિક સંબંધો સાચવવાની છે. મુંબઈ કે અમદાવાદ કે દેશનાં મહાનગરોમાં 40-50 માળનાં બિલ્ડિંગો તો બની ગયાં, પણ આ ગગનચુંબી ઈમારતોમાં રહેતા માણસો વચ્ચેનાં અંતર વધી ગયાં છે. લિફ્ટમાં સાથે ઉપર-નીચે જવા છતાં આપણે એકબીજા સામે જોઈને હસી શકતા નથી, અરે એમને ઓળખવાનો પ્રયત્ન પણ કરતા નથી.

પરિવાર એ આપણી શક્તિ છે. જે માણસ પોતાના ઘરના સભ્યોને સમય નથી આપી શકતો, જે માણસ પોતાનાં સંતાનોમાં સંસ્કારનું સિંચન નથી કરી શકતો તેની બહારની તમામ સફળતા શૂન્ય સમાન છે. સાચી પ્રગતિ એ છે, જેમાં તમે ઊંચા તો ઊઠો, પણ તમારા પગ મૂળિયાં અને પરિવાર સાથે જોડાયેલા રહે.
સફળતાનું સાચું ગણિત સમજવા જેવું છે:
*ગ્રોથ+નૈતિકતા= પ્રગતિ.
*પ્રગતિ+પરિવાર અને આધ્યાત્મિકતા= સાચી સફળતા.
તમારા IQ (બુદ્ધિઆંક)થી તમે ધન કમાશો, પણ તમારા EQ (ઈમોશનલ ક્વોશન્ટ-ભાવનાત્મક બુદ્ધિ)થી તમે સંબંધો સાચવશો અને તમારા SQ (સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ-આધ્યાત્મિક બુદ્ધિ)થી તમે આંતરિક શાંતિ મેળવશો.
માટે આજે, નવવર્ષના સૂર્યોદયે એ નક્કી કરો કે સફળતાની વ્યાખ્યામાં માત્ર બેંક બેલેન્સ સામું જ ન જોશો. બલકે જ્યારે તમારામાં બીજાને મદદ કરવાની ભાવના જાગે, જ્યારે તમારા હૃદયમાં પ્રામાણિકતા સ્થિર થાય અને જ્યારે તમારો પરિવાર પ્રેમ અને શાંતિનું ધામ બને ત્યારે સમજજો કે તમે પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે.
સર્વશક્તિમાન ઈશ્વર આપ સૌને આ સદબુદ્ધિ અને શક્તિ અર્પે એ જ પ્રાર્થના.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




