મહાન લોકો મહાન બને કેવી રીતે?

આજથી ચારેક વર્ષ પહેલાં’ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (‘ઈસરો’)ના વિજ્ઞાનીઓની 11 વર્ષની મહેનત અને પૃથ્વીથી ચંદ્ર સુધી 47 દિવસની મહેનત બાદ લૅન્ડર ‘વિક્રમ’ લક્ષ્યની નજીક પહોંચીને ક્રૅશ થઈ થયું. નિષ્ફળતાથી ઈસરોના તત્કાલીન વડા કે. શિવનની આંખોમાં આંસુ ઊમટી આવ્યાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભેટીને સાંત્વન આપ્યું હતું. 14 જુલાઈએ ઈસરો દ્વારા ચંદ્રયાન-3 મિશન શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યું એ ક્ષણે શિવનની આંખોમાં જરૂર હર્ષાશ્રુ હશે.

શિવન સાહેબ ઉદાહરણ છે એ હકીકતનું કે પ્રતિભા હોય તો વિષમ પરિસ્થિતિમાં પણ સફળતાની ઉડાન ભરી જ શકશો. આ સાથે મને યાદ આવી જાય છે આપણા વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામનો એક પ્રસંગ. એ પણ વિષમ પરિસ્થિતિમાંથી આવતા હતા. એક દિવસ એક વિજ્ઞાનીએ પ્રોજેક્ટ લીડર ડૉ. અબ્દુલને કહ્યું, “આજે મેં મારાં બાળકોને આપણા શહેરમાં આવેલું વિજ્ઞાન પ્રદર્શન બતાવાનું વચન આપ્યું છે. હું થોડો વહેલો જાઉં તો ચાલે?” કલામ સાહેબે હા પાડી.

વિજ્ઞાની તો કામે લાગ્યા. જો કે પ્રોજેક્ટ જટિલ હતો, સમય ક્યાં વીતી ગયો તેની તેમને જાણ ન રહી. અચાનક એમને યાદ આવ્યું કે આજે બાળકોને સાયન્સ એક્ઝિબિશનમાં લઈ જવાનાં હતા. રાતના આઠ, સાડાઆઠ થઈ રહ્યા હતા. વિજ્ઞાની હાંફળાફાંફળા થતા ઘરે પહોંચ્યા, પણ આ શું? ઘરે બાળકો દેખાય નહીં. એમણે પત્નીને પૂછ્યું, તો પત્ની કહેઃ “એ તો કલામ સાહેબ એક્ઝિબિશન જોવા લઈ ગયાં છે. સર તો સાંજે સાડાપાંચ વાગ્યે જ આવી ગયેલા.”

અહીં એક સવાલ થાય કે મહાન પુરુષો મહાન બને છે કેવી રીતે? એ પોતાની આવડત, દેખાવ કે પૈસાથી મહાન નથી બનતા, પરંતુ તેમનામાં રહેલા સદગુણો તેમને મહાન બનાવે છે. બીજાની મુશ્કેલીને સમજવી એને બનતી મદદ કરવી એ ખૂબ મોટો ગુણ છે. સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ તફાવવત છે. લોકો પોતાના સ્વાર્થી આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવાની સૂઝ તેમને નથી હોતી. કદાચ એ બીજાની મુશ્કેલી સમજી પણ લે, તો મદદ નથી કરતા. ઊલટું જાણે જોયું જ નથી એવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે. માટે જો મહાન બનવું હોય તો તેનો ઉપાય છે, જરૂરતમંદોની પરિસ્થિતિ સમજી, હૃદયમાં તેને મદદ કરવાની ભાવના જગાડવી. સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી જરૂરતમંદ વ્યક્તિ મળે તો તેને અવશ્ય મદદ કરવી જોઈએ.

૧૯૬૨માં અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ઉત્સવના સમાપનની રાતે સ્વચ્છતા વિભાગમાં સેવા બજાવી રહેલો એક યુવાન, એંઠવાડથી ભરેલી લારીને ધક્કા મારી રહ્યો હતો, પણ ઢાળ હોઈને લારી આગળ જતી નહોતી. વળી ભાર ખૂબ હતો. આસપાસ કોઈ દેખાય નહીં, સર્વત્ર સુનકાર વ્યાપેલો હતો. એટલામાં તેણે પ્રમુખસ્વામી મહારાજને થોડે દૂરથી પસાર થતા જોયા, પણ સંસ્થાના પ્રમુખ,મહોત્સવના મોવડી અને લાખો લોકોના આદરણીય એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે કાંઈ આવું કામ કરાવાતું હશે? યુવાન આવી ગડમથલમાં હતો ત્યાં પ્રમુખસ્વામીની નજર યુવાન પર પડી. પેલો યુવાન હજુ કંઈ સમજે-વિચારે એ પહેલાં તો પ્રમુખસ્વામી મહારાજ તેની મદદે પહોંચી ગયા અને એંઠવાડની લારીને ધક્કો મારવા લાગ્યા. લારી ઢાળ ચઢી ગઈ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ત્યાં અટક્યા નહીં. લારીને ખાલી કરવાની હતી ત્યાં સુધી ખેંચી જવામાં પણ એ યુવાનની સાથે રહ્યા.

આથી જ ભારતીય દલિત સમાજના ધાર્મિક વડા પૂજ્ય શંભુ મહારાજ એક પ્રસંગે બોલી ઊઠ્યા, “પ્રમુખસ્વામી મહારાજની કરુણાગંગા સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી છે.”

આપણે કદાચ મહાપુરુષોની જેમ સૂર્ય બનીને સમગ્ર સમાજને પ્રકાશ ન આપી શકીએ, પણ એમનાં જીવનમાંથી પ્રેરણા લઈને દીપક તો બનીએ, આપણી આસપાસની વ્યક્તિઓને પ્રકાશ આપીએ. રોજ સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને એવી કેટલીયે વ્યક્તિઓનો ભેટો થતો હશે, જેને કંઈક મદદની જરૂર હોય. આપણાથી થઈ શકે એટલી અને બધાને નહીં તો અમુક વ્યક્તિને મદદ કરીએ, કરી શકીએ ને?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)