ગયા અઠવાડિયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) 2022નાં પરિણામ આવ્યા. આમાં ઉત્તર પ્રદેશના સૂરજ તિવારીએ 917મી રેન્ક મેળવી. આ રેન્ક મેળવીને સૂરજે “કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી” એ ઉક્તિને સાર્થક કરી. આજથી છ વર્ષ પહેલાં ગાઝિયાબાદના દાદરીમાં એક ટ્રેન એક્સિડન્ટમાં સૂરજે એના બન્ને પગ તથા જમણો હાથ ગુમાવ્યા. આવી શારીરિક અક્ષમતા છતાં એણે સિવિલ સર્વિસ એક્ઝામ ક્લિયર કરી.
હવે જરા આ જુઓઃ આજથી આશરે દોઢસો વર્ષ પહેલાં જૉન રોબલિંગ નામના સાહસિક સિવિલ એન્જિનિયરે મૅનહટન ટાપુ અને બ્રુકલિનને જોડતો, આશરે છ હજાર ફૂટ લાંબો પુલ બનાવવાનો વિચાર રજૂ કર્યો, પરંતુ તે સમયે બાંધકામ નિષ્ણાતોએ આ વિચારનો વિરોધ કર્યો. મૅનહટન અને બ્રુકલિન વચ્ચે વહેતી અગાધ ઈસ્ટ રિવરનાં ઊંડાણ અને વાતાવરણની વિષમતા જોઈને તેમણે પોતાનું મંતવ્ય કહ્યું- “આ પુલ બાંધવો ઈમ્પોસિબલ છે.”
સામા પક્ષે વિશિષ્ટ સ્વપ્નના સર્જનકાર્યમાં જૉને તેમના પુત્ર વૉશિંગ્ટન રોબલિંગને પણ જોડ્યો. વૉશિંગ્ટન પોતે એન્જિનિયર હતો, પરંતુ, સારાં કાર્યમાં સો વિઘ્ન. આ સપનાના પ્રારંભમાં, 1869માં એક ભયંકર અકસ્માતમાં જૉનનું મૃત્યુ થયું. ત્યાર બાદ એક ભીષણ આગમાં વૉશિંગ્ટનના શરીરમાં અમુક પ્રકારના ગૅસ જતાં તે હંમેશ માટે પથારીવશ થયો. બોલવા કે હાથ-પગ પણ હલાવી શકતો નહોતો. એના શરીરનું એકમાત્ર કાર્યરત અંગ હતું હાથની માત્ર એક આંગળી. લોકોને થતું કે આ સપનું ખરેખર સપનું જ રહેશે, કારણ કે પુલનું પ્રબળ સપનું સેવનાર જૉન મૃત્યુ પામ્યો અને પુત્ર સાવ અસમર્થ થઈ ગયો, પરંતુ સપનાને હકીકતમાં પરિવર્તિત કરવાની પ્રબળતા હજુ પણ વૉશિંગ્ટનના અંતરમાં હતી. તેણે પોતાના શરીરમાં ચાલતા એકમાત્ર અંગ વડે, આંગળીથી એક પોતાની સાંકેતિક ભાષા તૈયાર કરીઃ પત્નીના હાથ પર ટકોરા મારે અને એ દ્વારા શું કહેવા માંગે છે તેના સંકેત આપે. આ રીતે એક આંગળીના ટકોરે ૧૩ વર્ષના અંતે તેણે મનમાં દઢ કરેલા સ્વપ્નને સિદ્ધ કર્યું.
જો તમે સપનું જોઈ શકો તો તે સાકાર પણ થઈ શકે છે. બસ, નક્કી તમારે કરવાનું છે કે તમારે કરવું છે શું?
સામાન્ય રીતે જીવનમાં બનતી દરેક ઘટના બે વાર ઘટતી હોય છે. એક વાર માનવીના મસ્તિષ્કમાં અને બીજી વાર સાકાર સ્વરૂપે. જે મનુષ્ય કંઈક કરી દેખાડવાનું સપનું સેવે છે તે સાકાર થાય જ છે.
આવું જ એક સપનું સેવ્યું હતું અમેરિકાનાં જેસિકા કોક્સે. જેસિકાને એક દિવસ તેના શિક્ષકે પૂછ્યું ‘તારે શું બનવું છે?’
ત્યારે એમને ઉત્તર મળ્યો ‘પાઈલટ.’
શિક્ષકે કહ્યું, “યસ, યુ કૅન.”
બાળપણમાં બન્ને હાથ ગુમાવી ચૂકેલી જેસિકાએ આ શબ્દોને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો. પચીસ વર્ષની ઉંમરે એણે પોતાના સ્વપ્નબીજને પુરુષાર્થનાં જળ સીંચીને સાકાર કર્યું. હાથ વિનાની વિશ્વની પહેલવહેલી પાઈલટ બની જેસિકા ઈતિહાસમાં અમર થઈ ગઈ.
જર્મનીના એરિકની તો વાત જ નિરાળી છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે એરિકની બંને આંખોનાં તેજ હણાયાં. આમ છતાં પણ પર્વતો ચઢવાનું સપનું ધરાવનાર એરિકે ૩૩ વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કરીને પોતાનું સપનું સાકાર કર્યું.
ખરેખર, દઢ મનોબળ સાથે જોયેલાં સ્વપ્ન સર્વદા સિદ્ધ થયેલાં આપણને જોવા મળે છે. આ સ્વપ્નની પરિકલ્પના જેટલી વધુ દેઢ તેટલાં વિઘ્નોનો સામનો કરવામાં વધુ હિંમત મળે. માનવી જે સપનાં સેવે તે બધાં જ સાકાર કરી શકે છે. શરત માત્ર એઠલી કે સપનાં જોવા પડે.
હવે તમે કોની રાહ કોની જુઓ છો? જો તમે સપનું જોઈ શકો તો સાકાર પણ થઈ શકે છે. નિર્ણય તમારો છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)