વાણીઃ આ લોકની સંજીવની…

વર્ષો પહેલાં ક્યાંક વાંચેલું કે કોઈના વ્યક્તિત્વનું માપ કાઢવું હોય તો એ વ્યક્તિ પોતાનાથી ઊતરતી કક્ષાની વ્યક્તિ સાથે કેવો વહેવાર કરે છે એ જોવું. આ જ નિયમ કૌટુંબિક જીવનના સુખને પણ લાગુ પડે છે. પરિવારમાં પરસ્પર સંબંધો મહત્વના હોય છે.

-અને સંબંધો સાચવવાની ચાવી છે વાણી અને વર્તન. ખાસ તો વાણી.

એક દષ્ટાંત છેઃ નગરમાંથી રાજાની સવારી નીકળતી હતી. સવારી મારગમાં એક અંધજન બેઠો હતો. તરત  સિપાઈ દોડીને એની પાસે ગયોઃ “એય આંધળા, રસ્તા વચ્ચે શું બેઠો છે? રાજાની સવારી આવે છે. ભાન નથી પડતી? ઊઠ, નહીંતર ફટકારીશ”.

અંધજન કહે, “સિપાઈ સાહેબ, રાજા આવે એટલે તરત ઊઠી જઈશ.”

થોડી વાર થઈ ને વ્યવસ્થા ચકાસવા દીવાન નીકળ્યા. એમણે આંધળાને જોઈને કહ્યું, “અંધજન, ઊઠો. રાજાની સવારી આવે છે.”

અંધ કહે: “દીવાનજી, બસ ઊઠું જ છું.”

ત્યાં તો રાજા ખુદ આવી ચડ્યાઃ “સુરદાસજી. કેમ અહીં બેઠા છો?”

અંધજને બે હાથ જોડ્યાઃ “આપનું સ્વાગત છે રાજન્… કહો, શી આજ્ઞા છે?”

આ આખી ઘટના ત્યાં ઊભા રહીને નિહાળનાર એક નગરવાસીને આશ્ચર્ય થયું- અંધજને ત્રણેયને ઓળખી કેવી રીતે લીધા? એણે સવાલ કર્યો તો અંધજને કહ્યું કે “વાણીના આધારે.”

ખરેખર, વ્યક્તિની વાણી જ તેનો પરિચય આપી દે છે, વાણી પરથી તેનું વ્યક્તિત્વ બહાર આવે છે. વાણીનું માધુર્ય આપમેળે જ આવશે અને તેની સારી જ અસર થાય, પરંતુ ભાવના જ જો સારી ન હોય તો ગમે તેટલો પ્રયત્ન કરીએ, શબ્દોની ઝાકઝમાળ કરી ગોઠવીને બોલવાનો પ્રયત્ન કરીએ તો પણ તેની કંઈ જ અસર થતી નથી અને ઘણી વાર વાત વધારે પડતી વણસી પણ જતી હોય છે.

વાણીને વ્યવસ્થિત અને વિવેકપૂર્ણ વાપરીએ તો સંબંધો કે વ્યવહાર સુધરી જતા હોય છે અને વણવિચારે જેમ-તેમ વાપરીએ તો સુધરેલા સંબંધો કે વ્યવહારો બગડી જતા હોય છે. આપણે જ્યારે કોઈને કંઈક કહેતા હોઈએ ત્યારે આપણી ભાવના કેવી છે એ અગત્યનું છે. જો આપણી ભાવના શુદ્ધ અને પવિત્ર હશે.

પેલી ઐતિહાસિક શિકાગો ધર્મ પરિષદમાં વિવિધ વક્તા લેડીઝ ઍન્ડ જેન્ટલમેનથી પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કરતા હતા. છેલ્લે વિવેકાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે તેમણે માય ડિયર બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સ એવું પ્રેમાળ સંબોધન કર્યું તેનાથી જાણે ચમત્કાર થયો. શ્રોતાનાં હૃદય ઝૂમી ઊઠ્યાં. બીજાં પ્રવચન કરતાં આ એક સંબોધને જ સભા જીતી લીધી. અન્ય પ્રવચનકારો પણ સંબોધન કરતા જ હતા પરંતુ સ્વામી વિવેકાનંદની વાણીની થોડી જ મીઠાશે સંપૂર્ણ સભા જીતી લીધી.

એક વાર બુદ્ધિજીવીઓમાં પ્રશ્ન પુછાયો કે, “શરીરનું શ્રેષ્ઠ અંગ કયું છે?’ સચોટ જવાબ મળ્યોઃ ‘જીભ, કારણ કે એનામાં મડદાને બેઠાં કરવાની તાકાત છે.”

અને કનિષ્ઠ અંગ કયું? એ પણ જીભ, કારણ કે તેમાં જીવતાંને મડદા બનાવી દેવાની તાકાત છે.’

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ માટે લખાયું છે કે (એમની) “વાણી અમૃતથી ભરી મધુ સમી, સંજીવની લોકમાં”… એમની વાણી એટલી મધુર અને પ્રિય હતી કે તેઓના સંપર્કમાં જે કોઈ આવે એ એમના દીવાના જ થઈ જતા. ગોંડલમાં યોગીજી મહારાજ જ્યારે મંદિરની ટપાલ આપવા ટપાલી આવતા ત્યારે તેને પ્રેમથી “ટપાલી સાહેબ” કહીને સંબોધતા.

હા, વાણીની એ તાકાત છે કે જો નમ્રતાથી વાપરવામાં આવે તો તેમાં અપાર શક્તિ છુપાયેલી હોય છે અને સામે પક્ષે જો વ્યવસ્થિત વાણી ન વાપરી હોય તો નુકસાનની નોબત પણ વાગી જાય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)