નાનપણમાં તમે ખો-ખો રમત રમ્યા હશો. એ રમત આજે પણ ઘણાની ફેવરીટ રહી છે. અલબત્ત, જરા જુદી રીતે. પોતાની ભૂલનો ખો બીજાને આપી દેવાની રમતઃ મેં તો મારું કામ બરાબર જ કર્યું હતું, પણ ઍડમિનવાળાએ લોચો માર્યો… મારી ભૂલ થાય જ નહીં…
આજે દોષારોપણની રમતમાં ઘણા ડૂબેલા છે. આજનો નર પેલા વાનરની યાદ અપાવી રહ્યો , જે માલિકનું દહીં એકલો ઝાપટી ગયો અને ખીલે બાંધેલી બકરીના મોઢે થોડું દહીં ચોપડી દઈ બધો દોષ બકરી પર ઢોળી દીધો અને બકરીને બિચારીને માર ખવડાવ્યો.
આવી વિચિત્ર પ્રકૃતિને કારણે આજે કેટલાય હર્યાભર્યા ઘરમાં શોક છવાઈ જાય છે. વાત વટે ચડે છે. કોઈ કોઈ રીતે નમવાનું નામ લેતું નથી. પરસ્પર ભૂલ કબૂલ ન કરવાની જાણે હરીફાઈ ચાલી છે. અંતે બચે છે સિન્થેટિક સ્નેહ, જે કંઈ જ ખપમાં નથી આવતો. ખરેખર તો આવા સમયે બાજી સંભાળી લેવાની જરૂર હોય છે. સહેજ હિંમત કરીને પણ પોતાની ભૂલ સ્વીકારી લેવાની. અ લિટલ ઑઈલ મે સેવ અ ડીલ ઓફ ફ્રિક્શન અર્થાત્ થોડું જ તેલનું ઉંજણ મોટું ઘર્ષણ નિવારે છે. દરવાડાનો આગળો કિચૂડ કિચૂડ અવાજ કરતો હોય તો એમાં થોડું તેલ ઊંજી દેવાથી એ શાંત થઈ જશે, અને મોટું ઘર્ષણ ટળી જશે.
‘સૉરી, એ મારી ભૂલ હતી’ એટલું જ કહેવાનું હોય છે. આનાથી ઘરમાં કુરુક્ષેત્રના બદલે મધુવન સર્જાઈ શકે છે. અંગ્રેજીમાં એક ગાંઠે બાંધી રાખવા જેવી વાત થઈ છે કે વ્હેર ધેર ઈઝ કૉન્ટ્રાડિક્શન ધેર ઈઝ વેસ્ટ ઓફ એનર્જીઃ જ્યાં ઘર્ષણ હો ત્યાં શક્તિનો વ્યય.
આપણી શક્તિ, આપણી સંપત્તિ, આપણી શાંતિને હડફેટે ચડાવનારું એ ઘર્ષણ ઘણી વાર જન્મે છે– પોતાનો કક્કો સાચો રાખવાની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી. પરંતુ મડદાં સિવાય દરેકથી ભૂલો થઈ શકે છે. આપણે જીવંત છીએ તો આપણાથી પણ ભૂલ થઈ શકે. તેને કેમ ન સ્વીકારીએ? અને આપણા અંગત આગળ જ સ્વીકારવામાં આનાકાની શા માટે? આપણા જ ભાઈ, આપણા જ પતિ, આપણા જ પત્ની, આપણા જ પુત્ર આગળ સ્વીકારને બદલે ઈનકાર કરીને આપણે આપણી જ શાંતિને જોખમમાં મૂકી દઈએ છીએ.
1978માં મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજની સ્વાગતસભા યોજાયેલી. આ સભાના ખર્ચને પહોંચી વળવા સ્થાનિક યુવકોએ એક સોવિનિયર તૈયાર કરેલું, એમાં જાહેરખબર આપનારા તથા અનુદાન કરનારા દાતાઓને આ સ્વાગતસભાના ખાસ ઈન્વિટેશન આપવામાં આવેલાં, પરંતુ હકડેઠઠ મેદનીને સમાવવામાં એક હજારની ક્ષમતાવાળો હૉલ નાનો પડતાં કેટલાય પાસધારકોને બહાર ઊભા રહેવું પડ્યું. હૉલ બહારની ભીડનો આંક આશરે 400-500ની સંખ્યાને આંબી ગયો. હૉલનો મેનેજર ગભરાયો. તેણે પોલીસ બોલાવવાની ધમકી ઉચ્ચારતાં યુવાનો મૂંઝાયા. ઊગરવાનો કોઈ આરો ન દેખાતાં સૌ પહોંચ્યા પ્રમુખસ્વામી મહારાજ પાસે. તે સમયે હૉલમાં રજૂ થઈ રહેલા કાર્યક્રમને નિહાળવામાં તલ્લીન થયેલા તેઓને યુવકોએ પરિસ્થિતિ જણાવી. વાત સાંભળી પ્રમુખસ્વામી મહારાજ હૉલની બહાર આવ્યા. એમણે ઉશ્કેરાયેલા ટોળાને કહ્યું, ‘હૉલ નાનો છે. તો સૌ માફ કરજો. તમારા માટે કાલે કે પરમ દિવસે ફરી વાર આ જ હૉલમાં કાર્યક્રમ કરીશું.’ પ્રમુખસ્વામી મહારાજનો આ સૂર સાંભળી સૌનો આક્રોશ તો શમી ગયો, પણ એમને નવાઈ લાગી કે ‘જેમની સ્વાગતસભા છે તે સંત જ માફી માગે છે!
તે પછી કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો, પરંતુ યુવા કાર્યકરોને કળ ન વળી. એમની ભૂલના કારણે સ્વામીશ્રીએ માફી માગવી પડી. આનો રંજ યુવકોને કોરી રહ્યો. સૌએ સ્વામીશ્રીની માફી માંગી. તે વખતે પ્રમુખસ્વામીએ કહ્યું- ‘તમે યુવકો સત્સંગની આટલી સેવા કરો છો તો તમારા માટે હું આટલું ન કરી શકું?’
આ સાંભળીને યુવાનો તેમનામાં પ્રેમની પરાકાષ્ઠા જોઈ રહ્યા. સાથે સ૨ળતાની સીમા અને અહંશૂન્યતાની અવધિ પણ. તમારે ધ્યાન રાખવું જોઈએ, પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ એવા ઠપકાની કોઈ વાત જ નહીં. બલકે ઉપકાર હેઠળ દાટી દેવાની મુરાદ પણ પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં નહોતી. રાજા માથે મુગટ મૂકે તેટલી સહજતાથી તેઓએ બીજાની ભૂલ પોતાને શિરે ચડાવી દીધી.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સૌના પ્રાણપ્યારા બન્યા એના મૂળમાં છે અશાંતિની આગને શાંતિના સરોવરમાં ફેરવવાની એમની કળા. આવા જીવનપ્રસંગો આપણા દિગ્દર્શક છે. તેઓ ચીંધે છે એક સત્ય, શાશ્વત અને સલામત માર્ગ. તે માર્ગે ચાલીને આપણે આપણું શ્રેય અને પ્રેય સાધવાનું છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
