મુક્ત થવાની ઈચ્છા થવી એક આશીર્વાદ: શ્રી શ્રી રવિશંકરજી

એક દિવસ પોતાના રાજ્યના વહીવટના અહેવાલ સાંભળતા સાંભળતા જનકરાજાને ઝોકું આવ્યું અને તેમાં તેમણે એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેમણે જોયું કે તેમના સમગ્ર રાજ્યમાં ભયંકર દુકાળ વ્યાપેલો છે. તેમણે જોયું કે પોતે ખોરાકની ભીખ માંગતા ઠેર ઠેર ભટકી રહ્યા છે. છેવટે કોઈએ તેમને એક રોટલી આપી. જેવા તે રોટલી ખાવા જતા હતા ત્યારે એક ગરૂડ ઝડપથી નીચે આવ્યું અને રોટલી છીનવી ગયું. એ ક્ષણે તેઓ જાગી ગયા અને તેમને જણાયું કે પોતાને ભૂખ લાગી છે.

તેમણે આંખો ખોલી અને ખ્યાલ આવ્યો કે તેઓ દરબારમાં છે. તેમને મુંઝવણ થઈ. શું પેલું સ્વપ્ન હતું? કે આ સ્વપ્ન છે?વાસ્તવિકતા શું છે? તેમણે ઘણા વિદ્વાનો સાથે પરામર્શ કર્યો. પછી કોઈએ તેમને આઠ વિકલાંગો ધરાવતા ઋષિ અષ્ટાવક્રનો સંપર્ક કરવાની સલાહ આપી. એ ઋષિને દરબારમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. તે બંનેની વચ્ચે થયેલો ગહન વાર્તાલાપ અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખાયો.

એ એક વિશિષ્ટ ઘટના હતી જેમાં વાર્તાલાપ એવી બે વ્યક્તિઓ વચ્ચે થતો હતો જેમાંના એકે જીવનની પરાકાષ્ઠા માણી છે પરંતુ વાસ્તવિકતા સમજવા ઈચ્છે છે અને બીજા એ હતા જે અસ્તિત્વના શિખર પર પહોંચી ચુક્યા હતા.

જનકે અષ્ટાવક્રને પૂછ્યું,”હું કેવી રીતે મુક્ત થઈ શકું? મને ઘણું જ્ઞાન છે,પરંતુ હું મારા જીવનમાં તેનો કેવી રીતે અમલ કરી શકું? “જનક પોતાના રાજ્યની જવાબદારી લેવામાંથી છટકી ના ગયા; પરંતુ તેમણે અષ્ટાવક્ર પાસેથી નિર્લેપ રહેવાની કુશળતાઓ શીખવાનું ઈચ્છ્યું.

જનકને શા માટે મુક્તિની ઝંખના થઈ? એવું શું છે જે વ્યક્તિને મુક્તિ ઝંખતો કરે છે? શું તમે ક્યારેય એ વિચાર કર્યો છે? વ્યક્તિ જ્યારે નિંદ્રાધીન હોય છે ત્યારે કોઈ ફેર નથી પડતો કે તે જેલમાં છે કે મહેલમાં. નિંદ્રાવસ્થામાં વ્યક્તિને કોઈ બંધન જણાતું નથી. જનકને બંધનનો અનુભવ થાય છે અને તે દર્શાવે છે કે તે જાગૃત અવસ્થામાં છે.

તો મુક્તિ એટલે શું? મુક્તિ એટલે જીવનની પીડાદાયક લઢણોને તિલાંજલિ આપવી.લોકોને પીડામાંથી મુક્તિ જોઈએ છે,પણ સુખમાંથી નહીં! ટેવો અને લઢણો કોઈ આનંદ આપતા નથી, પરંતુ આનંદનો અભાવ દુખ જન્માવે છે. દરરોજ સવારે ચા કે કોફી પીવાની ટેવ કોઈ વિશિષ્ટ ખુશી કે મોટો આનંદ આપતા નથી, પરંતુ જો તમે તે પીતા નથી તો તમને માથું દુખે છે. આ બંધન છે.

વ્યક્તિ જીવનમાં લઢણો સાથે જીવતી રહે છે અને તેને તે બાબતે કોઈ સભાનતા પણ હોતી નથી, બિલકુલ પ્રાણીઓની જેમ. ગાયને દરરોજ ઘાસ ચાવ્યા કરવામાં કંટાળો આવતો નથી. માટે જ જીવનની લઢણોમાંથી મુક્તિ પામવાની ઝંખના થવી એ જ મોટા આશીર્વાદ છે. એ દર્શાવે છે કે તમે પસંદગી પામેલ છો. જો તમારામાં મુક્તિ માટે થોડી પણ ઈચ્છા જાગી છે તો જાણો કે તમે બહુ નસીબદાર છો. પૃથ્વી પર કરોડો જીવોનું અસ્તિત્વ છે, પરંતુ તે બધાને પોતાની ટેવો અને લઢણોમાંથી મુક્તિ જોઈતી નથી. તો એ શું છે જે તમારામાં લઢણો લાદે છે?

પાંચ ઈન્દ્રિયો તમને જકડી દે છે. તેઓ સ્વાદ, સુગંધ કે સ્પર્શ બાબતે તમને આકર્ષણ કે અણગમો કરાવે છે. જ્યારે તમે કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ કે અણગમો ધરાવતા હોવ તો તમે મુક્તિ પામી શકતા નથી. જો તમને કશાથી અણગમો છે તો જાણી લો કે તમે તેનાથી મુક્ત થઈ શકશો નહીં. જે વસ્તુ જીવનને સહાયરૂપ હોય તે તરફ ઢળવું એ તમારી પ્રકૃતિ છે. વધુ ને વધુ ઉત્ક્રાંતિ થવી એ જીવનની પ્રકૃતિ છે અને જે કંઈ તમારી ઉત્ક્રાંતિને અનુરૂપ નથી તે વિષ છે. જે રીતે તમે વિષને તરછોડો તે રીતે તમારે એ વસ્તુને તરછોડવી જોઈએ. પરંતુ,કેવી રીતે?

પાંચ સિદ્ધાંતો છે જે તમને માર્ગદર્શન આપીને એ વસ્તુ તરછોડવામાં સહાય કરી શકે છે- ક્ષમા,આર્જવ એટલે કે સન્નિષ્ઠતા, કરુણા, સંતોષ અને સત્ય.

પોતે ભૂલ કરી છે તે જાણવા છતાં પોતાને ક્ષમા આપી દેવી એ પહેલો સિદ્ધાંત છે. સમજો કે જે થયું તે સારા માટે થયું છે અને તે બાબતને વાગોળ્યા ના કરો. જો તમે પોતાની જાતને માફ નથી કરી શકતા તો તમે તમારી જાતને ભૂતકાળ સાથે બાંધી દીધી છે.

સન્નિષ્ઠતા વિનાની ક્ષમાનો કોઈ સાર નથી. લોકો પોતાની જાતને માફ કર્યા કરે છે,પણ તેઓ સન્નિષ્ઠ હોતા નથી. સન્નિષ્ઠતાની જ્યોત પ્રગટાવવી પડે અને તે તમને બંધનમાંથી ઉગારવા પૂરતી છે. પોતાની જાત કે અન્ય પર નિષ્ઠુર ના બનો. તમામ જીવો પ્રત્યે કરુણા હોવી જોઈએ. જો તમે કરુણામય નથી તો તમે ચોક્કસ ગુસ્સો કરવાના.

એક હતાશ થયેલી વ્યક્તિ પોતાની જાત કે અન્યો પ્રત્યે કરુણામય થઈ શકે નહીં. તમને શેની ચિંતા છે? નાની નાની ઈચ્છાઓ અને પદાર્થો! આપણે એવી રીતે જીવીએ છીએ કે જાણે કાયમ માટે જીવવાના હોઈએ. આપણે જીવનના પ્રવાહ વિશે ભૂલી જઈએ છીએ અને આપણને સમયનો ખ્યાલ રહેતો નથી. જાગૃત થાવ અને સંતુષ્ટ બનો. એ સમજો કે કોઈ અહીં કાયમ માટે રહેવાનું નથી.

 

પાંચમો સિધ્ધાંત છે સત્ય. સત્ય એટલે શું? એ જે અત્યારે અસ્તિત્વમાં છે તે સત્ય છે. સમસ્ત દુનિયા બદલાતી રહે છે; આ દુનિયામાં બધા માણસો બદલાઈ રહ્યા છે; તેમના મન બદલાઈ રહ્યા છે. બધું જ બદલાઈ રહ્યું છે,પરંતુ લોકો અવારનવાર કંઈક નકારાત્મકને ઝડપીને પકડી રાખે છે. આ જ્ઞાન કે તમારી આસપાસનું બધું બદલાયા કરે છે એ તમને એટલા અવિચલ અને મજબૂત બનાવે છે કે આ દુનિયામાં કશું તમને હલાવી ના શકે. જો એકવાર તમે આ જ્ઞાનમાં સ્થાપિત થઈ જાવ છો તો તમે બંધનમાંથી મુક્ત થઈ જાવ છો.

આ સિધ્ધાંતોનો અત્યારથી અમલ કરો. આ પાંચ સિધ્ધાંતોનું અમૃત ગ્રહણ કરો; તેમને તમારા જીવનમાં અમૃત તરીકે સ્વીકારો! તમારા જીવનમાં એમનું પોષણ કરો અને જુઓ કે તમે કેવા બિનપ્રયત્ને મુક્ત થઈ શકો છો!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)