શ્રી શ્રી રવિશંકર: શાંતિની ગહનતા

માત્ર એક તંદુરસ્ત કળી જ ખીલી શકે એ જ રીતે, માત્ર એક તંદુરસ્ત વ્યક્તિ જ સફળ થઈ શકે છે. તો, તંદુરસ્ત હોવું એટલે શું? જો તમને અંદરથી અસંતુલિત લાગતું હોય તો તમે તંદુરસ્ત નથી; જો મન અક્કડ હોય અને શાંતના હોય તો તમે માનસિક રીતે તંદુરસ્ત નથી. જો લાગણીઓ કડવાશ ભરેલી હોય તો તમે ભાવનાત્મક રીતે તંદુરસ્ત નથી. તંદુરસ્તીની સંપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા વ્યક્તિએ મનથી શાંત અને સ્થિર તથા ભાવનાત્મક રીતે માયાળુ રહેવું જોઈએ. તંદુરસ્તીની અવસ્થા તમારા સૌથી અંદરના સ્તરમાંથી વિપરીતપણે સૌથી બહારની તરફ વહેવી જોઈએ. એ અવસ્થાને સંસ્કૃતમાં સ્વાસ્થ્ય કહેવાય છે.

સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી. એનો અર્થ પોતાનામાં સ્થાપિત એવો પણ થાય કે તંદુરસ્તી માત્ર શરીર કે મન સુધી સીમિત નથી;તે તમારી પાસે વૈશ્વિક મન કે ‘ઈન્દ્ર’ તરફથી ઉપહાર તરીકે આવ્યું છે. શું તમે એ બાબતની નોંધ લીધી છે? જ્યારે તમે કોઈ એવી જગ્યાએ જાવ છો જ્યાં કોઈ અત્યંત વ્યાકુળ કે તનાવયુક્ત વ્યક્તિએ થોડો સમય પસાર કર્યો છે તો ત્યાં કોઈ જ કારણ વગર તમને વ્યાકુળતા લાગવા માંડશે, ભલે એ તનાવવાળી વ્યક્તિ હવે ત્યાં ના હોય. એ જ પ્રકારની લાગણીઓ અને વિચારો તમને આવે છે. એ જ પ્રમાણે જ્યાં સંવાદિત સ્પંદનો હોય,જેમ કે, સત્સંગ થતો હોય એ જગ્યાએ, તમને સારું લાગશે. આમ, લાગણીઓ કોઈના શરીર સુધી સીમિત નથી હોતી, તે બધે ફેલાયેલી હોય છે.

એ જ રીતે શ્વાસ અને મનનું પણ એવું જ હોય છે. તે આખા વાતાવરણમાં વ્યાપ્ત છે કારણ કે મન પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અવકાશ એ પંચમહાભૂત કરતા સૂક્ષ્મ છે. દા.ત., ક્યાંક અગ્નિ સળગે છે તો તેની ગરમી માત્ર આગમાં જ નથી હોતી તે ત્યાંની બધી જગ્યાએ ફેલાય છે.

હવા તેના કરતાં પણ સૂક્ષ્મ છે અને સર્વત્ર વ્યાપ્ત છે. તમે જો દુખી કે હતાશ હોવ તો એવું નહીં થાય કે તમે જ માત્ર હશો જેને એવી લાગણી થતી હશે; તમે તેને આખા વાતાવરણમાં ફેલાવતા હશો. ભવિષ્યમાં એવો સમય આવી શકે છે જ્યારે લોકોને હતાશ થવા માટે દંડ થઈ શકે છે કારણ કે તેઓ ભાવનાત્મક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે! પરંતુ આપણે એને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? એ મૂળભૂત પ્રશ્ન છે અને એનો જવાબ છે ધ્યાન. ધ્યાન, પ્રાણાયામ અને એ પ્રકારની પ્રક્રિયાઓનો મૂળ આશય પ્રાણ ઊર્જા વધારવાનો છે. પ્રાણ લાગણીઓ કરતાં સૂક્ષ્મ છે. જ્યારે તમે સૌથી સૂક્ષ્મ છે તેને સંભાળી લો છો ત્યારે સ્થૂળ બરોબર થઈ જાય છે. તમે શ્વાસનું ધ્યાન રાખો તો શરીરને સારી તંદુરસ્તી મળે છે.

પૌરાણિક સમયમાં સામૂહિક ચેતના વ્યક્તિને સ્વાસ્થ્ય બક્ષે અને તે પોતાનામાં પુનઃસ્થાપિત થાય તેવું પ્રાર્થના થકી થતું. વ્યક્તિ હંમેશા કેન્દ્રિત, ખુશીસભર અને સુખી રહેવી જોઈએ. વ્યક્તિ જેને પણ મળે તો તે બીજી વ્યક્તિ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવું હોવું જોઈએ. આ અગત્યનું છે કારણ કે તમે તમારી આસપાસના લોકો પાસેથી જે વાતો સાંભળો છો તેની તમારા મનની અવસ્થા પર અસર થાય છે. તે તમને કાં તો શાંતિ અને ખુશી આપે છે અથવા ખળભળાટ ઊભો કરે છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે લોકો જ્યારે એવું કંઈ બોલે છે જેનાથી આપણામાં ઈર્ષ્યા, ગુસ્સો, હતાશા કે દુખ જન્મે છે તો આપણામાં ઉત્પન્ન થયેલી નકારાત્મકતા માટે આપણે તેમને જવાબદાર ઠેરવીએ છીએ. આપણે જ તેના માટે જવાબદાર છીએ કારણ કે એ પ્રક્રિયામાં આપણે પ્રદાન કરી રહ્યા છીએ. આપણું મન કેન્દ્રિત અને સંતુલિત નથી હોતું, એને લીધે આપણને અસર થાય છે.

એક વાર તમે અંદરથી ખીલી જાવ તો તમે કોઈ પણ અપમાનને પચાવી શકો છો અને તેને પોતાના ફાયદામાં ફેરવી શકો છો. સમજો કે લોકો પોતાનો તનાવ, ચિંતા અને વ્યગ્રતા ઠાલવી રહ્યા છે. જ્યારે લોકો તમારી સાથે ઊંચા અવાજે બોલે કે ગુસ્સો કરે તો તમને એ માટે સારું લાગવું જોઈએ કે તેમનામાં જે બધું એકત્રિત થઈ રહ્યું છે તે બહાર આવી રહ્યું છે. હું એવું નથી કહેતો કે આપણે આ વૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ કે યોગ્ય માનવી જોઈએ. જ્યારે એવું થાય ત્યારે તેનો રંજ ના કરો. આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? આપણે પસ્તાવો કર્યા કરીએ છીએ અને ફરીથી એ જ ભૂલ કરી બેસીએ છીએ.

જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે પણ તે ગુનેગાર નથી હોતી; તેનામાંનો તનાવ તેને તે ભૂલ કરાવે છે. એકવાર આપણે જો આપણા તનાવમાંથી બહાર આવીએ તો કોઈ ગુનેગાર રહેતો નથી;જેને માફ કરવું પડે એવું કોઈ રહેતું નથી. ત્યારે આપણને ખ્યાલ આવવા લાગે છે કે આ આખો એક ખેલ માત્ર છે જેમાં કોઈ નથી વિજયી કે નથી હારનાર. આ માત્ર ખેલ છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)