સંબંધના કયા રહસ્યો છે? એક સંબંધ કેવી રીતે વિકસે છે? સૌથી પહેલા આકર્ષણ થાય છે. તમને કોઈને માટે આકર્ષણ થાય છે અને તે વસ્તુ સહેલાઈથી મળી જાય તો રોમાંચ જતો રહે છે; તે બહુ ઝડપથી અદ્રશ્ય થઈ જાય છે. પણ તમને આકર્ષણ થયું છે તે વસ્તુ મેળવવાનું થોડું અઘરું હોય તો તમને તેના માટે પ્રેમ થાય છે. તમે આવો અનુભવ કર્યો છે?
તમે પ્રેમમાં પડો છો, પછી શું થાય છે? થોડા સમય પછી નાટકીય ઘટનાઓ શરુ થાય છે. તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એ સંબંધમાં પોતાની જાતને ન્યોછાવર કરો છો,અને પોતાની માંગણીઓ પણ મુકવા માંડો છો. જે ક્ષણથી તમે માંગવાની શરુઆત કરો છો, પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે. બધો રોમાંચ, આનંદ જતા રહ્યા હોય તેમ લાગે છે. ત્યારે તમને લાગે છે,”ઓહ! મારી ભૂલ થઈ ગઈ.”હવે તેમાંથી બહાર નીકળવા સંઘર્ષ અને તકલીફ થાય છે. અને તમે તેમાંથી બહાર આવી જાવ છો પછી ફરી એક બીજી ઝંઝટમાં આવી જાવ છો,અને એ જ ઈતિહાસનું પુનરાવર્તન થાય છે.
દરેક વ્યક્તિને જાણવું હોય છે કે સંબંધો લાંબા ટકે એ માટે શું કરવું. તમારે સંબંધોના રહસ્ય વિશે જાણવું છે? કોઈ પણ સંબંધમાં ત્રણ બાબતો જરૂરી છે: યોગ્ય ધારણા/વિચારધારા, યોગ્ય અવલોકન અને યોગ્ય અભિવ્યક્તિ. લોકો ઘણી વાર એવું કહેતા હોય છે કે તેમને કોઈ સમજતું નથી. “મને કોઈ સમજતું નથી” એવું કહેવાને બદલે તમે એવું કહી શકો છો કે તમે તમારી જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી નથી. જો તમે કોઈ સ્પેનિશની આગળ રશિયન બોલશો તો તે ચોક્કસ સમજવાનો નથી. પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરવા તમારી ધારણાઓ, વિચારો યોગ્ય હોવા જોઈએ. યોગ્ય વિચાર ત્યારે શક્ય બને છે જ્યારે તમે તમારી જાતને સામેવાળાની દ્રષ્ટિએ જુઓ છો.
માત્ર યોગ્ય વિચારધારા હોવી એ પૂરતું નથી; તમારું અવલોકન યોગ્ય હોવું જોઈએ. તમે કોઈ વસ્તુ માટે ધારણા બાંધી હોય ત્યારે તમે કેવી રીતે પ્રત્યાઘાત આપો છો એ અગત્યનું છે. તમને અંદરથી કેવું લાગે છે? તમારા મનનું અવલોકન કરો એ અગત્યનું છે. તમારી પોતાની અંદર આ અવલોકનો: સંવેદનાનું, વલણોનું,તમારી જે રીતભાતો છે તે સંબંધનું બીજું પાસું છે. પોતાની જાતનું અવલોકન અને બીજાનો વિચાર કર્યા પછી યોગ્ય અભિવ્યક્તિ થાય છે, પોતાની જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય છે.
આખું જીવન આ ત્રણ બાબતોનો જ પાઠ છે: ધારણા/વિચારધારા, અવલોકન અને અભિવ્યક્તિ. તમે કરો છો તે ભૂલ ખરેખર ભૂલ નથી હોતી; એ જીવનના ત્રણ અગત્યના પાસાઓ શીખવા માટેની પ્રક્રિયા હોય છે.સંબંધોમાં પ્રેમ જરૂરી છે, માત્ર આકર્ષણ નહીં. આકર્ષણમાં આક્રમકતા હોય છે;પ્રેમમાં શરણાગતિ હોય છે. ભલે આકર્ષણ પહેલું પગથિયું છે,પણ તમે પહેલા પગથિયા પર બહુ લાંબો સમય સુધી ઊભા રહી શકતા નથી. તમારે બીજા પગથિયા તરફ જવું જ પડે છે એ પ્રેમ છે.
જ્યારે તમે સંતુલિત હોવ છો અને તમારી અધિરાઈ ત્યજી શકો છો તો તમારો રોમાંચ લાંબો ટકે છે. વ્યક્તિ તમારી જેટલી નજીક આવે છે એટલો રોમાંચ વધે છે. સંતુલિત રહેવામાં, આપણી અંદર રહેલી ચેતના સાથે જોડાયેલા રહેવામાં આ ફાયદો છે. આપણી ચેતનાનો આ સ્વભાવ છે.
પ્રેમના ગુણોમાંનો એક છે શાશ્વતતા. જ્યારે તમે કોઈના પ્રેમમાં હોવ છો તો તમે એ ક્ષણો શાશ્વત રહે એમ ઈચ્છો છો. પ્રેમ નશ્વર છે; તે સમયથી પર છે અને આપણને તેવું જ જોઈતું હોય છે. અને એ આપણો સ્વભાવ છે,આપણો સ્રોત છે.
થોડો સમય ફાળવો અને તમારામાંના મૌનમાં ઉતરો તો તમે જોશો કે તમારામાં કેટલી બધી તાકાત આવે છે. અને તેમાંથી તમારો રોમાંચ શાશ્વત બને છે, તમારો પ્રેમ બિનશરતી બને છે. આપણે આપણા અસ્તિત્વની સફાઈ કરવાની જરૂર હોય છે. આપણે આપણા મન કે આપણા અસ્તિત્વને સાફ કરવા કંઈ કરતા નથી. તમે ગુસ્સે થતા હોવ છો, વ્યગ્રતા, તનાવ અને ઈર્ષ્યા અનુભવતા હોવ છો, દુખી થતા હોવ આ અવસ્થાઓ દરમ્યાનના શબ્દો શરીરમાં કણોમાં પરિવર્તિત થાય છે અને ત્યાં કોઈ ભાગ કે રસાયણ સ્વરૂપે રહે છે. માત્ર ગહેરા વિશ્રામ, યોગ્ય શ્વસન કે ઉપવાસથી તમે તેમનો નિકાલ કરી શકો છો. જો તમે અઠવાડિયામાં માત્ર અડધો કલાક માટે પણ ધ્યાન કરો તો તમે એમનો નિકાલ કરી શકો છો અને તમારા અસ્તિત્વને જીવંત બનાવો શકો છો.
આપણે આપણા પ્રેમને જૂનો થવા દેતા નથી. આપણો પ્રેમ પ્રાચીન થતો નથી. આપણો પ્રેમ બાળમૃત્યુ પામે છે. આપણા સમાજમાં સૌથી વધારે મૃત્યુદર ધરાવનાર બાબત છે પ્રેમ સંબંધો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)