वृत्तयः पञ्चतय्यः क्लिष्टाSक्लिष्टा: ॥ १.५॥
વૃત્તિઓ પાંચ પ્રકારની છે: કેટલીક ક્લેશ-યુક્ત છે, અને કેટલીક ક્લેશ-મુક્ત છે.
प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृ
આ પાંચ પ્રકારની વૃત્તિઓમાં, દ્રષ્ટા કે સાધકનું મન એકાકાર થઇ જાય છે.
1. પ્રમાણ: પ્રમાણ એટલે સાબિતી. મન દરેક વાત પુરવાર કરવાની ચેષ્ટા કર્યા કરે છે. સ્વયં ના ચોક્કસ દ્રષ્ટિકોણ માટે પણ તેને પ્રમાણ જોઈએ છે, અન્ય વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ ને ચોક્કસ રીતે સમજવા પણ મન પ્રમાણ ઈચ્છે છે.
2. વિપર્યય: વિપર્યય એટલે મિથ્યા જ્ઞાન, ખોટો દ્રષ્ટિકોણ! તમે કોઈ ચોક્કસ દ્રષ્ટિકોણ ધરાવો છો, પરંતુ એ મિથ્યા છે અથવા વાસ્તવિકતા થી ભિન્ન છે.
3. વિકલ્પ: વિકલ્પ એટલે માત્ર કલ્પના! તમે જેની કલ્પના કરો છો તેનું અસ્તિત્વ જ નથી.
4. નિદ્રા: નિદ્રા એટલે ઊંઘ, સુષુપ્ત અવસ્થા.
5. સ્મૃતિ: સ્મૃતિ એટલે યાદ રાખવું-યાદ રહેવું.
|
प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥१.७॥
પ્રત્યક્ષ, અનુમાનિત અને શાસ્ત્ર : આ ત્રણ પ્રકારનાં પ્રમાણ છે.
પ્રત્યક્ષ: અનુભવ સિદ્ધ પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. આપણું મન હંમેશા અનુભવ કરવા ઈચ્છે છે. (પાંચ ઇન્દ્રિયોથી) પોતે કરેલો અનુભવ તે મન માટે એક દ્રઢ પ્રમાણ છે.
અનુમાન: પ્રમાણની બીજો પ્રકાર છે, અનુમાન. મન અનુમાન કરે છે. ધુમાડો દેખાય છે તો મન કહે છે કે ત્યાં અગ્નિ હોવો જોઈએ, તમે માત્ર ધુમાડો જ જોઈ શકો છો પરંતુ તેનાથી તમે અનુમાન કરો છો કે ત્યાં અગ્નિની ઉપસ્થિતિ હોવી જોઈએ. આ અનુમાનિત પ્રમાણ છે.
આગમ: ત્રીજું પ્રમાણ છે શાસ્ત્ર. તમે કોઈ બોટલ પર “ઝેર” એમ લખેલું વાંચો છો ત્યારે તમે એમ કહેતા નથી કે “ના, હું પહેલાં ચાખીશ, પછી જ માનીશ કે આ ઝેર છે.” અહીં તમે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ રાખી શકો નહીં. ઝેરનો અનુભવ કઈ રીતે કરશો? કારણ પછી તમે જીવિત રહી શકવાના નથી. તો, અહીં તમે જે લખ્યું છે તેને સ્વીકારી લો છો. આયુર્વેદમાં લખ્યું છે કે અમુક ઔષધિઓ લેવાથી અમુક રોગનો ઉપચાર થાય છે તો આપણે તેને માનીએ છીએ. કારણ કે શાસ્ત્રમાં લખેલું છે.
તમે એક જ જન્મમાં બધું જ જ્ઞાન મેળવી શકતા નથી. કેટલાંય શતકોથી જે જ્ઞાન શાસ્ત્રબદ્ધ છે, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો સંભવ નથી. ઇતિહાસમાં તમે વિશ્વ યુદ્ધ વિશે વાંચો છો, અહીં તમે પ્રત્યક્ષ પ્રમાણ મેળવી નહિ શકો. તમે એમ નહિ કહી શકો કે”ના! આ પુસ્તકને હું માનવા તૈયાર નથી. વિશ્વ યુદ્ધ થયું કે નહિ તે મારે જોવું પડશે. અનુભવ કરવો પડશે.” હવે એ સમયે તમારો જન્મ જ નહોતો થયો તો તમે તેનો અનુભવ કઈ રીતે કરી શકો? તમારે પુસ્તકમાં લખેલી માહિતી માનવી જ પડશે. આ આગમ પ્રમાણ છે.
પ્રત્યક્ષ, અનુમાન અને આગમ: આ ત્રણ પ્રમાણ દ્વારા તમે સુનિશ્ચિત કરો છો કે તમે જે જાણો છો તે સત્ય છે કે નહિ.
જયારે પ્રમાણની આ વૃત્તિનો તમે ત્યાગ કરો છો ત્યારે યોગ ઘટિત થાય છે. આ જ સ્થિતિમાં આપ આત્મતત્વ સાથે સંધાન કરો છો. જયારે પ્રમાણ મેળવતાં રહેવાની વૃત્તિનો ત્યાગ થાય છે ત્યારે જ તમે ભીતર જઈ શકો છો. તમે સ્વિટ્ઝરલેન્ડમાં છો તે સમજવા માટે તમારે પ્રમાણની જરૂર રહે છે, તમારી જ્ઞાનેન્દ્રિયો (ચક્ષુ, નાસિકા, કર્ણેન્દ્રિય, ત્વચા વગેરે) દ્વારા તમે એમ કહી શકશો. પરંતુ વર્તમાનમાં તમે છો તે માટે તમારે કોઈ પ્રમાણની જરૂર નથી. તમારું હોવું જ પર્યાપ્ત છે. તમને કોઈ ઑસ્ટ્રિયા કે કૅનેડા લઇ જાય અને ત્યાં સ્વિટ્ઝર્લેન્ડ જેવા જ પર્વતો બતાવીને કહી શકે તમે સ્વિટ્ઝર્લેન્ડમાં છો. તમારી ઇન્દ્રિયોને પ્રમાણ મળે છે, પરંતુ તે સત્ય નથી. તો, સ્વિટ્ઝર્લેન્ડમાં તમે છો એ બાબત માટે પ્રમાણ જોઈએ, અને તેની સત્યતા વિશે પણ નિશ્ચિતપણે કહી શકાય નહિ પરંતુ “તમે છો”, એ જ્ઞાન હોવા માટે ઇન્દ્રિયોની કોઈ ભૂમિકા નથી. “હું છું” એ જ્ઞાન પ્રમાણ અને ઇન્દ્રિયોથી પરે છે.
સ્વયંના સ્ત્રોત સાથેનાં સંધાન માટે કોઈ પ્રમાણની જરૂર નથી. સત્ય ક્યારેય પ્રમાણ – સાબિતી દ્વારા સમજી શકાય નહીં. જેને પ્રમાણિત કરી શકાય તેને અપ્રમાણિત પણ કરી શકાય. વિરુદ્ધ અને તરફેણ આમ બંને બાજુ પ્રમાણ આપી શકાય. પરંતુ સત્ય આ બંનેની પરે છે. ઈશ્વર પણ પ્રમાણની પરે છે. તમે ઈશ્વરની ઉપસ્થિતિને સાબિત ન કરી શકો પરંતુ નકારી પણ ન શકો.
પ્રમાણ હંમેશા તર્ક સાથે જોડાયેલું હોય છે. અને તર્કની ક્ષમતા સીમિત છે. પ્રેમ અને બૌદ્ધત્વ (આત્મજ્ઞાન) આ બંને પણ પ્રમાણ થી પરે છે. કોઈના વ્યવહાર પરથી તેની અંદર રહેલા પ્રેમનું પ્રમાણ આપી શકાય નહીં. એક અભિનેતા અત્યંત પ્રેમમય હોવાનો અભિનય કરી શકે, પરંતુ અંદરથી તે પ્રેમનો અનુભવ કરતો ન હોય તેમ બની શકે. જગતમાં તમને સૌથી વધુ અવરોધે છે તે છે પ્રમાણ. તમે પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના માટે સતત પ્રમાણની ઈચ્છા રાખો છો. જયારે એક દ્રષ્ટા, પ્રમાણથી પરે છે.
ચિત્તની અન્ય વૃત્તિઓ વિષે આવતા સપ્તાહે વિસ્તારમાં સમજીશું.