પતંજલિ યોગ સૂત્ર: વિપર્યય એટલે મિથ્યા જ્ઞાન 

આગળનાં સૂત્રમાં આપણે જોયું કે : વૃત્તિઓ પાંચ પ્રકારની છે: કેટલીક ક્લેશ-યુક્ત છે, અને કેટલીક ક્લેશ-મુક્ત છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ આ પાંચ પ્રકારની વૃત્તિઓમાં મન એકાકાર થતું હોય છે.
પ્રમાણ : પ્રત્યક્ષ, અનુમાન, અને આગમ એમ ત્રણ પ્રકારનાં પ્રમાણ વિશે મહર્ષિ પતંજલિ એ સૂત્ર-7 માં સમજાવ્યું તેનું અગાઉ વિવરણ કર્યું છે.
સૂત્ર-8

विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् ॥१.८॥

વિપર્યય એટલે મિથ્યા જ્ઞાન, જે (વાસ્તવમાં) તે સ્વરૂપમાં સ્થાપિત નથી. 

વિપર્યય એટલે વાસ્તવિકતાથી ભિન્ન જ્ઞાન. મિથ્યા જ્ઞાનને કારણે વ્યક્તિનો દ્રષ્ટિકોણ પણ ભિન્ન હોય છે. અને આને કારણે વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ જે છે તે સ્વરૂપમાં તમે જોઈ શકતા નથી. જે નથી તેને તમે સત્ય માની લો છો. એક વખત જયારે મન વિપર્યયમાં ફસાઈ જાય છે, પછી કોઈ પણ પ્રમાણનું તેને માટે કોઈ મહત્વ રહેતું નથી. તર્કનું હવે કોઈ મૂલ્ય નથી કારણ મન હવે અન્ય વૃત્તિ- વિપર્યય સાથે તદાકાર થઇ ચૂક્યું છે. હવે તે મિથ્યા જ્ઞાનની દિશામાં જ પ્રવૃત રહે છે. વચ્ચે વચ્ચે સત્યની ઝાંખી થાય છે પરંતુ પુન: તે મિથ્યા જ્ઞાનની ભૂમિકા બાંધવા લાગે છે. આ વિપર્યય છે. વ્યક્તિ-વસ્તુ-પરિસ્થિતિ-ઘટના જે તે સ્વરૂપમાં છે, તેના થી અલગ રીતે જોવી, ખોટા દ્રષ્ટિકોણથી જોવી તે મનની બીજી વૃત્તિ- વિપર્યય છે.

 

शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥१.९॥

માત્ર શબ્દો દ્વારા રચાતી ખોટી કલ્પના- સંપૂર્ણ ભ્રાંતિ એટલે વિકલ્પ!

વિકલ્પ એટલે સાવ ખોટી કલ્પના. મિથ્યા જ્ઞાન કે મિથ્યા દ્રષ્ટિકોણ નહિ પરંતુ જેનું અસ્તિત્વ જ નથી તેવી કલ્પના કરવી. જેમ કે આકાશકુસુમ- આકાશમાં ઉગેલું કમળ પુષ્પ અથવા તો સસલાંના શીંગડાં! આકાશ સત્ય છે, કમળ પણ સત્ય છે પરંતુ આકાશમાં ક્યારેય કમળ ઉગે નહિ. એ જ રીતે  સસલું સત્ય છે, શીંગડાં પણ સત્ય છે પરંતુ સસલાંને શીંગડાં હોય નહિ. તો શબ્દો દ્વારા આવી ખોટી કલ્પના કરવી તે વિકલ્પ છે. સમજો છો ને? કમળ સત્ય છે, આકાશ સત્ય છે પરંતુ તમે જો એમ કહો છો કે કમળ આકાશમાં ઉગે છે તો તે ભ્રાંતિ છે.
વિકલ્પ બે પ્રકારના હોઈ શકે છે. એક પ્રકાર છે આનંદ પૂર્ણ કલ્પના અને બીજો પ્રકાર છે ભય પ્રેરિત  કલ્પના. જેનો કોઈ જ આધાર નથી તેવો ભય એ વિકલ્પ છે. આવતી કાલે મૃત્યુ આવશે તો શું થશે, અકસ્માત થશે તો શું થશે, અપંગ થઇ જવાશે તો શું થશે, આ સર્વ નિરર્થક ભય એ વિકલ્પ છે. મન જયારે વિકલ્પની વૃત્તિમાં એકાકાર થાય છે ત્યારે તે સતત નિરર્થક ભયની કલ્પના કરે છે.

अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥१.१०॥

શૂન્યતા- અભાવની સ્થિતિનું જે અવલંબન લે છે, તે વૃત્તિ એ નિદ્રા છે.

 
નિદ્રા શું છે? મનની એ વૃત્તિ કે જેણે :શૂન્યતા, ન હોવાપણું જેવી સ્થિતિ ધારણ કરી છે. શૂન્યતાની ભાવના એટલે નિદ્રા! મહર્ષિ પતંજલિ જેવી, નિદ્રાની સુંદર વ્યાખ્યા અન્ય કોઈએ કરી નથી. જયારે મન પાસે કોઈ વિષય નથી, વિષયના અભાવની આ સ્થિતિ એ નિદ્રા છે.

अनुभूतविषयासंप्रमोष: स्मृतिः ॥१.११॥

અનુભૂત વિષયોનું (જ્ઞાન ના સ્તરે) પ્રકટીકરણ થવું એ સ્મૃતિ છે. 

જયારે, અનુભવમાં આવી ચુકેલા વિષયો, સંસ્કાર સ્વરૂપે સ્થિર થઇ ને, પુન: ચેતનામાં પ્રતિબિંબિત થાય છે તે સ્મૃતિ છે. જે અનુભવોને તમારું મન છોડી નથી શકતું તે અનુભવો વારંવાર સ્મૃતિ સ્વરૂપે પ્રકટ થાય છે. રોજ સવારે તમે બ્રશ કરો છો પરંતુ તેની તમને સ્મૃતિ રહેતી નથી. તમે રોજ સવારમાં નાસ્તો કરો છો પરંતુ તેની પણ તમને સ્મૃતિ રહેતી નથી. તમે ગત 29 નવેમ્બર એ કેવાં વસ્ત્રો પહેર્યાં હતાં એ તમને યાદ છે? ના! કારણ તે અનુભવનું કોઈ વિશેષ મહત્વ નથી. એ ન તો દુઃખદ અનુભવ છે, ન સુખદ અનુભવ છે. તો આવા તટસ્થ અનુભવ તમારી ચેતનાને અસર કરતા નથી. પરંતુ કેટલાક એવા અનુભવ કે જેનો તમે ત્યાગ નથી કરી શકતા તે સ્મૃતિ સ્વરૂપે રહી જાય છે.
સુખદ અનુભવો મોહ અને રાગ ઉત્પન્ન કરે છે જયારે દુઃખદ અનુભવો મનમાં ભય અને ત્રાસ ઉત્પન્ન કરે છે. આ સ્મૃતિ છે.
તો, જયારે તમે જાગૃત અવસ્થામાં છો ત્યારે તમે પ્રમાણ, વિપર્યય, વિકલ્પ કે સ્મૃતિ : આ ચારમાંથી એક વૃત્તિ સાથે એકરૂપ થયા છો? તો અહીં યોગ અને ધ્યાનનો અભાવ છે.
તમે પ્રમાણ ઈચ્છો છો? તમે તમારી સાથે જ વાદ વિવાદ કરો છો? વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ, ચોક્કસ પ્રકારે જ હોવા જોઈએ તેવા દુરાગ્રહ થી ચાલો છો? તો પ્રિય, તમે મનની વૃત્તિઓ સાથે એકાકાર થઇ ગયા છો. આનો શો ઉપાય? એ અંગે, આવતા સપ્તાહે જાણીશું.