તમે અવલોકન કર્યું છે? જયારે તમે પ્રસન્ન છો, આનંદિત છો ત્યારે તમે અંદર વિસ્તરણ નો અનુભવ કરો છો. પ્રસન્નતાની ક્ષણોમાં સ્વયંની ભીતર તમે વિશાળતાનો અનુભવ કરો છો, તમને લાગે છે કે તમે ચારે બાજુ ફેલાઈ ગયા છો. પરંતુ જયારે તમે દુ:ખી અને ઉદાસ છો, ત્યારે તમને તમારી અંદર સંકોચન નો અનુભવ થાય છે. જાણે હૃદય સંકોચાઈ ગયું છે એવું તમને લાગે છે. તો આ તત્ત્વ જેના દ્વારા તમે વિસ્તરણ અને સંકોચનનો અનુભવ કરો છો એ જ આત્મતત્વ છે. જયારે તમે પ્રસન્ન, ઉત્સાહભર્યા અને ઉર્જાવાન હો છો ત્યારે આત્મ તત્ત્વનો અનુભવ કરો છો, પરંતુ જયારે તમે નિરાશ અને દુ:ખી હો છો, પ્રાણશક્તિ ખૂબ ઓછી હોય છે ત્યારે તમે આત્મ તત્ત્વનો અનુભવ કરી શકતાં નથી.
આત્મતત્ત્વ સાથે સંયોજાવા માટે માટે કેટલાક ચોક્કસ ગુણધર્મો છે, જેને આપણે આધ્યાત્મિક મૂલ્યો પણ કહી શકીએ. આ મૂલ્યોનું આપણે લીસ્ટ બનાવીએ તો: પ્રેમ, કરુણા, મૈત્રીભાવ, અહિંસા, ઉદારતા, સહકાર, ઉત્સાહ, ગતિશીલતા, વિશ્વાસ, પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા, જવાબદારી, સેવા, શાંતિ અને સંતોષ જેવા સદ્દગુણોનો તેમાં સમાવેશ થાય છે. જો આ મૂલ્યો જીવનમાં ખીલ્યાં છે તો તમે આત્મતત્ત્વ સાથે સંલગ્ન છો, નિરંતર તમે આત્મતત્ત્વનો અનુભવ કરી રહ્યાં છો. અને આ સઘળું સહુની અંદર છે જ. માત્ર તે તરફ સહજતાપૂર્વક ધ્યાન લઇ જવાનું છે. પોતાની જાત પ્રત્યે કઠોર બન્યા વગર, માત્ર તેની ઉપસ્થિતિ તરફ સજગ બનવાથી આ ગુણોનો તમારા જીવનમાં વધુ ને વધુ વિકાસ કરી શકો છો. માત્ર સજગ બનવાનું છે, ભીતર જવાનું છે.
એક ભિક્ષુકએ આખું જીવન ભીખ માંગીને, નિર્ધનતામાં વિતાવ્યું. જયારે તેનું મૃત્યુ થયું ત્યારે, તે જે જગ્યા પર બેસીને ભીખ માંગતો હતો તે જગ્યા પર લોકોએ સફાઈ કરવાનું શરુ કર્યું. સ્થળને સમતલ અને સ્વચ્છ બનાવવા લોકોએ ત્યાં થોડું ખોદકામ કર્યું અને સહુના આશ્ચર્ય વચ્ચે સોનામહોરોથી ભરેલો એક મોટો પટારો ત્યાંથી મળી આવ્યો. સોનાના ઢગલા પર બેસીને તે ભિક્ષુક ભીખ માંગતો હતો, અને તેને ખબર જ ન હતી. કદાચ તેણે પોતે ક્યારેક થોડું ખોદી જોયું હોત તો? જે ધન માટે તેણે જીવન આપી દીધું, તે તો તેના આસનની નીચે જ હતું!
પ્રત્યેક વ્યક્તિ અહીં વિશિષ્ટ હેતુ માટે છે. પ્રેમ, શાંતિ અને આનંદની અભિવ્યક્તિ કરવા આપણે પૃથ્વી પર આવ્યાં છીએ. જો તમે તમારી આંતરિક સંપત્તિથી પરિચિત છો તો તમે સાચે જ ભાગ્યવાન છો. પણ તમારી અંદરની આ સંપત્તિથી ક્યાંક તમે અજાણ તો નથી? તો આ ક્ષણે જ જાગો! અંતર્યાત્રા શરુ કરો.
પોતાના સ્રોત તરફ કઈ રીતે જઈ શકાય? સ્વયં સાથે કઈ રીતે તાદાત્મ્ય સાધી શકાય? તો, ભીતર જવાની, સ્વયંને જાણવાની ઈચ્છા થવી તે જ સૌથી પ્રથમ પગલું છે. જયારે તમે બાહ્ય જગતમાં જવાનાં દ્વાર બંધ કરો છો ત્યારે ભીતર જવાનાં દ્વાર આપમેળે ખૂલી જાય છે. જો તમે અન્ય વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ વિષે હંમેશા વિચારો છો તો તમે બહારનાં જગતમાં ખોવાઈ જાઓ છો. તો થોડા સમય માટે બહારનાં દ્વાર બંધ કરી દો. આ વ્યક્તિ સારી નથી, પેલી વ્યક્તિએ મારું અપમાન કર્યું, આ બધું વિચારવાનું બંધ કરી દો. બહારનાં જગત ભણી લઇ જતાં દ્વાર જેવાં બંધ થશે કે તરત જ ભીતરનાં દ્વાર ખૂલશે. અંદરનું પ્રેમસભર જ્યોતિર્મય જગત તમારી સમક્ષ વ્યક્ત થશે. પ્રેમ, નિર્દોષતા અને કરુણાથી સભર, તમારાં પોતાનાં અદ્ભૂત અંતર્જગતનાં પ્રગાઢ આકર્ષણનો તમે અનુભવ કરશો.
તમારા માટે કયું આધ્યાત્મિક મૂલ્ય અગત્યનું છે? આગળ જે સદગુણોની આપણે નોંધ બનાવી, તેમાં તમે કઈં ઉમેરવા માંગો છો? અન્ય વ્યક્તિમાં કે તમારામાં કોઈ સદગુણ તમે જુઓ છો તો તેને ઉપર બનાવેલ લીસ્ટમાં ઉમેરી દો. કોઈ એક સદગુણ કે જે તમને અતિ પ્રિય છે, તેની સાધના કરવાનું આજથી જ શરુ કરી દો. એ એક સદગુણને વિકસવા દો, જુદા જુદા સંજોગોમાં તેને અભિવ્યક્ત થવા દો. પ્રત્યેક કાર્ય હૃદયપૂર્વક કરો. પ્રત્યેક શબ્દ હૃદયની ભાષામાં બોલો. જુઓ કે કોઈ સદ્દગુણની હૃદયપૂર્વક સાધના અને તેની અભિવ્યક્તિ કરો છો ત્યારે તમારાં જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે? તમારી આસપાસનાં લોકોનો વ્યવહાર પણ બદલાઈ રહ્યો છે?
આ સઘળાં આધ્યાત્મિક મૂલ્યો દરેક સંસ્કૃતિ અને ધર્મોએ સ્વીકાર્યાં છે. આ સર્વ સામાન્ય મૂલ્યોને કેન્દ્રસ્થ રાખીને જીવન જીવવાની કલા એ આધ્યાત્મિકતા છે. ધર્મ અને અધ્યાત્મ વચ્ચે શું ફેર છે? કેળાંના ઉદાહરણથી સમજીએ તો ધર્મ એ કેળાંની છાલ છે, જે આપણને નિયમો અને વિધિ વિધાન સૂચવે છે, જયારે અધ્યાત્મ એ છાલની અંદર રહેલું કેળું છે, સ્ત્રોત તરફ જવાની, ભીતર જવાની સહજ તૃષ્ણા અને આપણે પરમ શક્તિનું દિવ્ય સ્વરૂપ છીએ તે જ્ઞાનની સ્ફુરણા એ અધ્યાત્મ છે. ઘણી વખત લોકો ભૂલથી છાલને પકડી રાખે છે અને અંદરનું ફળ- કેળું ફેંકી દે છે.
જયારે ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટ સમજાય છે ત્યારે અંતર્યાત્રા શરુ થાય છે. અને ત્યારે અત્યંત પ્રજ્ઞાવાન અને અતીવ સુનિયોજિત એવાં પરમ તત્ત્વ સાથે સંયોજન થાય છે. એ પરમ તત્ત્વ જે સમગ્ર બ્રહ્માંડનાં અસ્તિત્વનું મૂળ છે, સર્વ ઘટનાઓનું કારણ છે. અમૂલ્ય ખજાનો આપણી અંદર જ છે. કઈં જ અભાવ નથી. કોઈ જ ત્રુટિ નથી. જયારે આધ્યાત્મિક-આત્મિક મૂલ્યોને કેન્દ્રમાં રાખીને જીવન જીવીએ છીએ, જયારે આપણે જવાબદારી લઈએ છીએ, ઔદાર્યપૂર્ણ બનીએ છીએ, શાંત અને કેન્દ્રસ્થ હોઈએ છીએ ત્યારે જીવન ચરમ પ્રચુરતા પૂર્ણ બની જાય છે. આ મૂલ્યો વગર જીવન છીછરું બને છે, વ્યક્તિ અવલંબિત અને દુ:ખી થઇ જાય છે.
જેમ અગ્નિ સ્વભાવથી જ દાહક છે, જળનો સ્વભાવ વહેવાનો છે તે જ રીતે આત્માનો સ્વભાવ જીવનનું ઉત્થાન કરવાનો અને જીવનની સંભાળ લેવાનો છે. જયારે તમે આધ્યાત્મિક મૂલ્યોને વધુને વધુ જીવનમાં ઉતારો છો, ત્યારે તમે દ્રઢ, અટલ અને નિશ્ચલ બનો છો, સૃષ્ટિનાં કણ કણ સાથે તમે જોડાઓ છો. ત્યારે તમે સાચા અર્થમાં યોગી બનો છો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)