શ્રી શ્રી રવિશંકર: પરમાનંદની ખોજ

ઈશ્વરે તમને દુનિયાની તમામ નાની નાની ખુશીઓ આપી છે,પરંતુ પરમાનંદ પોતાની પાસે રાખ્યો છે. એ મેળવવા માટે તમારે તેમની પાસે જવું પડે, માત્ર તેમની પાસે. જો તમારી પ્રાર્થનાઓનો જવાબ નથી મળી રહ્યો તો તેનું કારણ છે કે તમે ક્યારેય તેને માટે ગુણવત્તાસભર સમય ફાળવ્યો નથી. સામાન્ય રીતે તમે બચેલો સમય ફાળવતા હોવ છો,જ્યારે તમારે બીજું કંઈ કરવાનું હોતું નથી. સત્સંગ અને ધ્યાનને સૌથી વધારે પ્રાથમિકતા આપો.

ઈશ્વરને શ્રેષ્ઠ સમય આપો. અનંત સમય સુધી રાહ જુઓ, અસીમ ધીરજ રાખો. સજગતાથી અથવા વારંવારના અભ્યાસથી તમે તેની સમીપ પહોંચી શકશો.ઈશ્વર તમારો છે. આ બાબત ઉતાવળે સુપરમાર્કેટમાંથી ખરીદી કરીને ઝડપથી ઘેર પહોંચી જવા જેવું નથી. કંઈક મેળવવા તમારી ઉતાવળ તમને વિકેન્દ્રીત કરી નાંખે છે અને વામણા બનાવી દે છે. જો તમે એવું જુઓ કે આખી દુકાન ઘરમાં જ તો તમે ખરીદીની ઉતાવળ નહીં કરો. તમે અનુકૂલન અનુભવશો. જો તમે એવું જાણી જશો કે તમે ઈશ્વરીય યોજનાના એક ભાગ છો તો તમે માંગણીઓ કરવાનું બંધ કરશો. ત્યારે તમને સમજાશે કે બધું તમારા માટે કરાઈ રહ્યું છે. તમારી સંભાળ લેવાઈ રહી છે. મનમાં ધીરજ અને ક્રિયાશીલતામાં તરવરાટ એ યોગ્ય સંયોજન છે.

કર્મની રીતો સમજવી અઘરી છે. તમે જેમ જેમ વધુ સમજતા જાવ તેમ તેમ વધુ આશ્ચર્યચકિત થતા જશો. તે લોકોને નજીક લાવે છે અને છુટા પાડે છે. તે કેટલાક લોકોને નબળા બનાવે છે તો કેટલાકને મજબૂત.તે કેટલાકને અમીર બનાવે છે તો કેટલાકને ગરીબ. દુનિયામાં જે કંઈ સંઘર્ષ છે તે કર્મબંધનને લીધે છે. તે બધા તર્ક અને કારણોને પાર પાડીને તમને તમારી સ્વ તરફની યાત્રામાં સહાય કરે છે.

માત્ર મનુષ્ય જીવનમાં કર્મમાંથી મુક્ત થવાની ક્ષમતા છે. અને માત્ર થોડા હજારો લોકો જ તેમાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખે છે. માત્ર ઈશ્વરકૃપાથી કર્મના બંધનને નષ્ટ કરી શકાય છે.પ્રારબ્ધ કર્મ બદલી શકાતા નથી. આધ્યાત્મિક ક્રિયાઓથી સંચિત કર્મ બદલી શકાય છે. સત્સંગ બધા નકારાત્મક કર્મોના બીજ નષ્ટ કરી દે છે. જ્યારે તમે કોઈના વખાણ કરો છો ત્યારે તેમના સારા કર્મો લો છો. જ્યારે તમે બીજા પર આક્ષેપ કરો છો ત્યારે તેમના ખરાબ કર્મો લો છો. આ બાબત સમજો અને સારા તથા ખરાબ બન્ને કર્મો ઈશ્વરને સમર્પણ કરી મુક્ત થઈ જાવ.

લગાવ શ્વાસને અજંપાભર્યો કરી દે છે અને મનની શાંતિ છીનવી લે છે.એને લીધે તમે અસંતુલિત અને દુખી થઈ જાવ છો.તમે અતિશય વિખરાઇ જાવ તે પહેલાં સ્વસ્થ બનો અને શરણાગતિ તથા સાધના દ્વારા શ્વાસને અજંપાથી મુક્ત કરો.આંતરિક મૌનની દુનિયામાં ચાલ્યા જાવ.જ્યારે કોઈ વ્યક્તિ લગાવના સમુદ્રમાં ડૂબતી હોય ત્યારે તેણે બચવા માટે શરણાગતિ રુપી ‘લાઈફ જેકેટ’ પહેરવું જોઈએ.તમારું પ્રથમ પગલું લગાવને જ્ઞાન તરફ,ઈશ્વર તરફ વાળી દેવાનું હોવું જોઈએ.ક્ષુલ્લક બાબતોથી તમારું અળગા રહેવું એમાં તમારું ગૌરવ છે.ઈશ્વર પ્રત્યે તમારો લગાવ એ તમારી શોભા છે.
ત્રણ બાબતો છે:ચેતના,ઈન્દ્રિયો અને પદાર્થો અથવા દુનિયા.અને ત્રણ શબ્દો છે:સુખ,દુખ અને સખા(મિત્ર).આ ત્રણેયમાં ‘ખ’ આવેલો છે જેનો અર્થ થાય છે ઈન્દ્રિયો.ચેતના ઈન્દ્રિયો દ્વારા દુનિયાનો અનુભવ કરે છે.જ્યારે ઈન્દ્રિયો ચેતના સાથે હોય છે ત્યારે સુખ હોય છે,કારણ કે ચેતના તમામ સુખનું ઉદભવ સ્થાન છે. જ્યારે ઈન્દ્રિયો ચેતનાથી દૂર હોય છે ત્યારે દુખ હોય છે.દુખનો એ જ અર્થ થાય છે કે તમે પોતાની અંદર સ્થિર રહેવાને બદલે કોઈ પદાર્થમાં સપડાઈ ગયેલા છો અને પદાર્થની પસંદગી બદલાયા કરે છે.સખા એટલે જે તમારી ઈન્દ્રિયો બની ગયા છે અને તમે તેના દ્વારા,તે જ્ઞાન દ્વારા, દુનિયાને જુઓ છો.સખા એટલે એ મિત્ર કે જે સુખ અને દુખ બન્ને અનુભવોમાં સાથીદાર હોય છે. જ્ઞાન તમારો મિત્ર છે અને ગુરુ બીજું કશું નથી પણ જ્ઞાનનું દેહ સ્વરૂપ છે.સખા જીવન અને મૃત્યુમાં સાથીદાર હોય છે; અર્જુન કૃષ્ણના સખા હતા અને કૃષ્ણ ભલે એક નિપૂણ ગુરુ હતા છતાં સખા પણ હતા.જો તમારી ઈન્દ્રિયો ઈશ્વરીય છે તો તમે આખી દુનિયાને ઈશ્વરીય દ્રષ્ટિએ જુઓ છો.

જો તમે સુખની પાછળ ભાગશો તો દુખ તમારો પીછો કરશે; જો તમે જ્ઞાનને અનુસરશો તો સુખ તમારો પીછો કરશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)