તારી વ્યથાનું પોટલું તે મારી સામે આવીને ખોલ્યું હોત તો…

આલાપ,

કહેવાય છે કે જિંદગીમાં દરેક વ્યક્તિ પાસે રહેલી અમૂલ્ય જણસ કોઈ હોય તો એ છે સ્મરણોનો પટારો. આ પટારો જેટલો મોટો એટલું આયુષ્ય લાંબુ. વૃદ્ધાવસ્થામાં પણ જુવાન રહેવાની કોઈ ઔષધિ હોય તો એ છે એ સ્મરણો. સ્મરણો દુઃખ પણ આપે અને ખુશી પણ. એ ખુશી તો મીઠી લાગે જ પરંતુ એ દુઃખ પણ ખરજવા જેવી મીઠી ખંજવાળ આપે.

મને કાયમ એવું લાગે છે કે આપણો પ્રેમ અને આપણો ભૂતકાળ ઈશ્વર જેવો છે, એ અત્ર, તત્ર અને સર્વત્ર વ્યાપેલો છે. મોસમ હોય કે મહેફિલ, અવસર હોય કે એકાંત, વસ્તુ હોય કે વિચારોની આંધી-તું દરેકમાં હોય. એમ કહું કે દરેકમાં તું જ હોય. વીતેલા દિવસો, એ સાથ અને એ અહેસાસ આજે પણ એવા જ લાગે જાણે હજુ ગઇકાલની જ વાત હોય. વારંવાર એ દિવસોની સફર કર્યા કરવી ગમે. એને વાગોળવા ગમે-જીવવા ગમે. તને ખબર છે? આ ખ્યાલોમાં જીવવાની પણ એક અલગ મજા હોય છે. તને આજની જ વાત કરું.

આજે સવારે મારી નજર અરીસા સામે ગઈ. આ શું? અરીસામાં મને મારુ નહિ, તારું પ્રતિબિંબ દેખાયું. હું ચોંકી ગઈ. મેં તરત પાછળ ફરીને જોયું, ક્યાંક તું અચાનક આવીને પાછળ તો નથી ગોઠવાઈ ગયો ને? ને મને મારા પર જ હસવું આવ્યું. કેટલી બાલિશ કલ્પના. મેં ફરી અરીસા તરફ નજર કરી. તું મને જોઈ રહ્યો હતો અનિમેષ-અપલક નજરે. મારા ચેહેરાની કરચલી અને આંખોની ઉદાસી જોઈને તું વિહ્વળ થઈ જતા બોલ્યો, ” સારું, એવું કયું દર્દ ભીતર સમાવીને બેઠી છે જેણે તને અકાળે વૃદ્ધ કરી નાખી? તારા ચહેરાનું નૂર હણી લીધું એવું દર્દ તું મારી સાથે શેર નહિ કરે?”- ને આંખોનાં ઝળઝળિયાથી ધૂંધળું થઈ રહેલું તારું પ્રતિબિંબ હું એકધારું જોઈ રહી. હોઠ પર પરાણે હાસ્ય લાવીને મેં તને કહ્યું, “આલાપ, આમ આટલા વર્ષો પછી અરીસામાં આવીને પૂછે તો હું શું બોલું? તને જોવો કે સાંભળવો એ જ નક્કી નથી કરી શકતી.” -ને અચાનક ભ્રમણા તૂટી ને તું જતો રહ્યો અરીસામાંથી.

આલાપ, ધારોકે તારી વ્યથાનું પોટલું તે મારી સામે આવીને ખોલ્યું હોત તો…તું તો એવી રીતે મારા જીવનમાંથી ગયો જેમ ચોમાસું જાય. ચોમાસુંતો બહુ બધાને ભીંજવીને જાય જે એને કદાચ યાદ પણ ન હોય પણ ભીંજાયેલા દરેકને ચોમાસું કોઈ ખાસ કારણસર હંમેશ યાદ રહેતું હોય. બસ, આમ જ તું ગયો ને મને સમજાયું કે તું તો ચોમાસું હતો. ભીંજવી જવું એ તારી પ્રકૃતિ હતી પરંતુ પલળવું કે બચવું એ સંપૂર્ણપણે મારો જ નિર્ણય હોય અને મેં પલળવાનું પસંદ કરેલું. તું સામે હોત તો ચોક્કસ તને જણાવત કે આ અકાળે આવી રહેલા વૃદ્ધાવસ્થાના વરતારાના કારણમાં પણ તું જ છે.

તારા ચાલ્યા જવા પછી સતત ઘૂંટાઈને ઘેરું થયેલું જે દર્દ મારા અસ્તિત્વને વધુ અસર કરી ગયું એ છે તને છેલ્લીવારનું ન મળી શકવાની મજબૂરીનું. આંખમાં આંસુ છે એ મારામાં જ તને સતત શોધીને થાકેલી પીડા છે. તને વળગીને ખાલી થઈ જવાની અધૂરી રહી ગયેલી ઇચ્છની લાચારી ચહેરા પર કરચલી રૂપે સ્પષ્ટ દેખાઈ રહી છે. હરક્ષણ તારા જ વિચારોમાં શ્વસતા રહેવા છતાં તને ન સ્પર્શી શકવાની મજબૂરીએ મારી ઉછળતી યુવાનીને એકાએક શાંત કરી દીધી. આજે સમજાય છે કે જુવાની ઉંમરની મહોતાજ નથી, મનના માણીગર સાથે જીવવાની દરેક ક્ષણ જુવાની છે.

હું ફરીથી અરીસા સામે આવું છું અને તું સામે જ દેખાયો થોડો ઉદાસ અને શરમથી ઝુકાવેલી નજરો સાથે ને હું અરીસાને વળગીને જાણેકે તને વળગ્યાની અને એ રીતે તારામાં ઓગળવાની અનુભૂતિ કરી રહી છું. બહાર ધીમી ધારે વરસતો વરસાદ મને બોલાવી રહ્યો છે.

લાગણીઓની અમૃતધારા લઈને આવ્યું ચોમાસું
આવ, હૃદયની ભીતર પાછું આજે વાવ્યું ચોમાસુ.

-સારંગી.
(નીતા સોજીત્રા)