યાદો ક્યારેક અધૂરપનો અહેસાસ કરાવે છે…

આલાપ,

ઈશ્વરના સર્જનની કરામત અદભુત છે હેં ને? છ ફૂટ ઉંચા માણસના નાના અમથા મગજમાં યાદોને સંગ્રહવાની પટારીની ક્ષમતા કેટલી હોય છે? માણસ જીવે ત્યાં સુધીની બધી જ સારી-માઠી વાતો એ પટારીમાં અકબંધ પડી હોય છે.

આલાપ, આજે વિચાર આવ્યો, ધારો કે આ યાદોની પટારીને ક્યાંક દૂર જઈને ઠાલવી શકાતી હોત તો? હા, આવો વિચાર પણ કોઈ ચોક્કસ કારણથી જ જન્મ્યો હોય અને મારા આવા ચોક્કસ કારણમાં માત્ર તું જ હોય. બન્યું એવું કે આજે સવારે ઉગતા સૂરજને જોઈને એ સમય યાદ આવ્યો જ્યારે આપણે રાજસ્થાનની એ કોલેજ ટુર દરમ્યાન સનરાઈઝ જોવા ગયેલા. મેં તને એ વખતે કહેલું, “આલાપ, મારુ એક સપનું છે, મારા જીવનની દરેક સવાર ઉગતા સૂરજને આપણાં ઘરની બાલ્કનીમાંથી અર્ઘ્ય આપવાથી શરૂ થાય.” તેં મારી આંખોમાં આંખો પરોવતા કહેલું, “સારુ, તારું સદ્યસ્નાતા રૂપ અને ખુલ્લા કેશમાંથી ટપકતા વારી બિંદુ વડે તારા આ ‘સૂરજ’ને અર્ઘ્ય નહિ આપે?” ને શરમની લાલ ચૂંદડી ઓઢી લીધેલી મેં.

ક્યારેક થાય કે આ યાદદાસ્તને કેમ મોત નહિ આવતું હોય? એની ઉંમર કેમ નહિ થતી હોય? એ કેમ ક્ષીણ નહિ થતી હોય? સવાર સવારમાં સૂરજના સાત સાત ઘોડા પર સવારી કરતી ચાલી આવતી તારી યાદો ક્યારેક જીવનમાં રહી ગયેલી અધૂરપનો અહેસાસ કરાવે છે.

ઘણીવાર જીવનમાં કશુંક ખૂટવાની વ્યથા પણ તમને જીવાડી રાખે છે. તું આવું માને છે?

-સારંગી.

(નીતા સોજીત્રા)