Home Blog Page 964

ACBએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કરપ્શનનો કેસ નોંધ્યો

નવી દિલ્હીઃ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ દિલ્હી સરકારની સ્કૂલોમાં 12,748 ક્લાસના બાંધકામમાં ભ્રષ્ટાચારને લઈને  આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી.  મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2000  કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ ACBએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર દરમિયાન શાળાઓમાં વર્ગખંડોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો બાદ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) એ કડક કાર્યવાહી કરી છે. ACB એ ભૂતપૂર્વ નાયબ CM અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ કેસ 12,748 વર્ગખંડો અને ઇમારતોના બાંધકામમાં 2000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ સાથે સંબંધિત છે.

ACBની તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા

આ ક્લાસરૂમને સેમી-પર્માનેન્ટ સ્ટ્રક્ચર (SPS) તરીકે બનાવવામાં આવ્યા હતા, જે 30 વર્ષ સુધી ટકે છે, પરંતુ ખર્ચ RCC (પાકા) વર્ગખંડો જેટલો જ હતો, જે 75 વર્ષ સુધી ટકી રહે છે. આ કોન્ટ્રેક્ટ 34 કોન્ટ્રેક્ટરોને આપવામાં આવ્યો હતો, જેમાંથી મોટા ભાગના AAP સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ ક્લાસનું કામ સમયસર પૂર્ણ થયું ન હતું અને ખર્ચમાં ભારે વધારો જોવા મળ્યો હતો. આ સાથે સલાહકારો અને આર્કિટેક્ટ્સની નિમણૂક કોઈ પણ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના કરવામાં આવી હતી, જેના કારણે ખર્ચમાં વધારો થયો હતો.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ સુધી દબાવી દેવામાં આવી હતી.આ ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ નોંધાવી છે. એક ક્લાસરૂમનો સામાન્ય ખર્ચ પાંચ લાખ રૂપિયા હોવો જોઈએ, પરંતુ આ પ્રોજેક્ટમાં તે પ્રતિ ક્લાસરૂમ 24.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો.  એસપીએસ બાંધકામનો ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ 2292 રૂપિયા સુધી પહોંચ્યો, જે શાળાના પાકા બાંધકામના ખર્ચ (2044-2416 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ) જેટલો છે, એમ સીવીસી અહેવાલ કહે છે.

ગુજરાતમાં ગરમીનો કહેર, મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાય રહ્યો છે. આકાસમાંથી અગનગોળા વરસાતા હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ ફરી એક વખત 44.9 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદમાં 44.8 ડિગ્રી નોંધાયું. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 42થી 45 ડિગ્રી વચ્ચે રહ્યું, જેમાં ગાંધીનગર (44), અમરેલી (44.5), કંડલા (44.3), વડોદરા (42.4) અને ભાવનગર (41.6)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારે તાપને લઈ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન 46 ડિગ્રીને પાર ગયું છે અને આગામી દિવસોમાં ગરમીથી રાહતની કોઈ આશા નથી. ગરમ પવનો અને ભીષણ તાપને લીધે વાહનચાલકો પણ હેરાન છે. રસ્તાઓ પર કુદરતી કર્ફ્યૂ જેવો માહોલ છે.

લોકો ગરમીથી બચવા હિલ સ્ટેશનો અને વોટરપાર્કનો આશરો લઈ રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આકરી ગરમીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ગઈ કાલે 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું, અને આજે પણ ઘણા જિલ્લાઓમાં 2 ડિગ્રીનો વધારો જોવાયો.

કોલકાતાની હોટેલમાં લાગી ભીષણ આગઃ 14નાં મોત

કોલકાતાઃ બડા બજાર વિસ્તારમાં મચ્છુઆ ફલમંડી નજીક આવેલી ઋતુરાજ હોટલમાં આગ લાગી હતી. આ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની શક્યતા છે. બચાવ કામગીરી ચાલુ છે.

પોલીસ કમિશનર મનોજ વર્માએ જણાવ્યું હતું કે ઋતુરાજ હોટેલમાં રાત્રે આગ લાગી હતી. આ માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માતની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટેલના ચોથા માળે લગાવવામાં આવેલા વીજળી મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે હોટેલની છત અને બારીઓ પરથી કૂદતા જોવા મળ્યા હતા.

ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે હું રાજ્ય વહીવટી તંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરું છું. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સલામતી નિયમો બનાવવા જોઈએ.

કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું હતું કે આ એક દુ:ખદ અકસ્માત છે. સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી. મને સમજાતું નથી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે.

અમદાવાદ બાદ જૂનાગઢમાં બુલડોઝર કાર્યવાહી, 16,000 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં 2,000 ઝૂંપડા અને 150 અન્ય ગેરકાયદે બાંધકામો સહિત કુલ 2,150 દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે. આ કાર્યવાહીના 60 ટકા કામ પૂર્ણ થયા બાદ બાકીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બીજી તરફ, જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં બુધવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં 100થી વધુ ગેરકાયદે બાંધકામો તોડવાનો લક્ષ્યાંક છે. આ માટે 3 ડીવાયએસપી, 9 PI, 26 PSI અને 260થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા.

પ્રથમ તબક્કામાં 16,000 ચોરસ મીટરના વિસ્તારમાં ડિમોલિશન કરી 50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી. આ કામગીરીમાં 10 ટ્રેક્ટર અને 10 જેસીબીનો ઉપયોગ થયો. ડ્રોનની મદદથી સ્થળનું નિરીક્ષણ કરાયું, જેથી કાર્યવાહી ચોકસાઈપૂર્વક થઈ શકે. પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, દબાણકારો પાસે કોઈ કાનૂની દસ્તાવેજો નહોતા, જેને લઈને કલમ 61 હેઠળ નોટિસ અને કલમ 202 અન્વયે કાર્યવાહી કરાઈ.

આ ડિમોલિશનથી સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટ્યા, જેનાથી જાહેર હિતના પ્રોજેક્ટ્સ માટે માર્ગ મોકળો થશે. તંત્રની આ કાર્યવાહીથી કાયદાની સર્વોપરિતા અને વહીવટની કડકાઈ દર્શાવાઈ છે.

ભારત 36 કલાકમાં કરશે હુમલોઃ પાકિસ્તાની મંત્રી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન સતત વધી રહ્યું છે. ભારતની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે પત્રકાર પરિષદ યોજી હતી.

તેમણે દાવો કર્યો હતો કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે કે ભારત આગામી 24થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM મોદીએ મંગળવારે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ માટે સશસ્ત્ર દળોને છૂટ આપી હતી. જેથી તેઓ પહલગામ હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને સજા આપી શકે. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પાકિસ્તાનના માહિતી મંત્રી તરારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ ઘટનાને ખોટા બહાના તરીકે ઉપયોગ કરીને આગામી 24થી 36 કલાકમાં સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઈ પણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે અને આ કટોકટીના દુ:ખને ખરેખર સમજે છે. અમે હંમેશાં દુનિયા સમક્ષ આતંકવાદની નિંદા કરી છે. તેમમે કહ્યું હતું કે પાકિસ્તાને સત્ય બહાર લાવવા માટે નિષ્ણાતોના તટસ્થ કમિશન દ્વારા વિશ્વસનીય, પારદર્શક અને સ્વતંત્ર તપાસની અમે દિલથી ઓફર કરી છે. પાકિસ્તાની મંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિની ગંભીરતાને સમજવા પણ અપીલ કરી છે.

વટાણા પનીર રવા પરાંઠા

થોડી અલગ રીતના, પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે વટાણા પનીર રવાના પરાંઠા!

સામગ્રીઃ

  • બટેટા 2
  • લીલા મરચાં 3
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લસણની કળી 4-5
  • તેલ
  • ઘી પરાંઠા શેકવા
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • બારીક રવો 1 કપ
  • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • પનીર 1 કપ

રાઈતા માટેઃ

  • ગાજર 1
  • કાકડી 1
  • કાંદો 1
  • લીલું મરચું 1
  • દહીં 1 કપ
  • રાઈ 1 ટે.સ્પૂન
  • કાળું મીઠું 2 ચપટી
  • સિંધવ મીઠું 1 ચપટી
  • કાશ્મીરી મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન

રીતઃ બટેટા, લીલા મરચાં તેમજ આદુને કટ કરીને મિક્સીમાં ઉમેરો તેમજ લસણની કળી પણ મેળવીને બારીક પેસ્ટ બનાવીને એક બાઉલમાં કાઢી લો. મિક્સીમાં 1 કપ પાણી નાખીને ફેરવીને પેસ્ટમાં મેળવી દો.

એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડાવો. ત્યારબાદ તેમાં વટાણા ઉમેરી 2 મિનિટ સાંતળીને, સ્વાદ મુજબ મીઠું મેળવી દો અને પેન ઢાંકીને ગેસની ધીમી આંચે 3-4 મિનિટ વટાણા ચઢવા દો. વટાણા થોડા ચઢી જાય એટલે વટાણાને મેશરથી અધકચરા વાટી લો અને બટેટાની પેસ્ટવાળું મિશ્રણ તેમાં રેડી દો. આ મિશ્રણમાં એક ઉકાળો આવે એટલે તેમાં રવો તેમજ ચિલી ફ્લેક્સ મેળવી દો. ગેસની ધીમી આંચે તવેથા વડે રવો મેળવીને મિશ્રણ હલાવતાં રહો. આ મિશ્રણ ઘટ્ટ લોટ જેવું થાય એટલે ગેસ બંધ કરી દો. લોટને ઠંડો થવા દો.

આ દરમ્યાન રાઈતું બનાવી લો. ગાજર, કાકડીને ખમણી લો. કાકડીમાંથી પાણી નિચોવી લેવું. કાંદો ઝીણો સમારી લો. આ બધી સામગ્રીને એક મોટા બાઉલમાં કાઢી લો. દહીંને કપડામાં બાંધીને તેમાંનું પાણી નિતારી લીધા બાદ દહીં પણ ગાજર, કાકડીમાં મેળવી લો. મરચું ઝીણું સમારીને મેળવો. તેમજ રાઈને અધકચરી વાટીને તેમાં મેળવી દો, કાળું મીઠું 2 ચપટી અને સાદું મીઠું પણ જરા મેળવી દો. એક ચમચા વડે આ મિશ્રણને એકસરખું પાંચેક મિનિટ ફેંટી લો. વાટેલી રાઈને લીધે રાઈતાનો સ્વાદ સારો આવશે.

પનીરને નાના ચોરસ ટુકડામાં કટ કરી લો.

વટાણાવાળો લોટ ઠંડો થઈ જાય એટલે તેમાં સમારેલી કોથમીર મેળવીને તેમાંથી એક લૂવો લઈ તેને લોટનું અટામણ દઈ થોડો વણી લીધા બાદ તેની ઉપર પનીરના થોડા ટુકડા દાબીને લગાડો અને સહેજ જાડો પરાઠો વણી લો. પનીરના ટુકડાને કારણે પરાંઠાનો દેખાવ સારો આવશે તેમજ પનીર શેકાઈને તેનો સ્વાદ પણ સારો આવશે. ગેસ પર તવી ગરમ થાય એટલે પરાંઠાને 1-1 ચમચી તેલ અથવા ઘી રેડીને બંને બાજુએથી શેકી લો.

આ ગરમાગરમ પરાંઠાનો રાઈતા સાથે સ્વાદ સારો લાગે છે!

૩૦ એપ્રિલ ૨૦૨૫

પંચાંગ 30/04/2025

IPL 2025 : કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી

IPL 2025 ની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો વચ્ચે રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતાની ટીમ 14 રનથી જીતી ગઈ. આ સાથે દિલ્હીને ફરી એકવાર ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો. કોલકાતા નાઈટ રાઇડર્સે આ જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ મેચમાં KKR ની જીતનો સૌથી મોટો હીરો સુનીલ નારાયણ હતો. તેણે બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું.

KKR એ પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા

દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ KKRના બેટ્સમેનોએ તેમને ખોટા સાબિત કર્યા. KKR ના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને સુનીલ નારાયણે નાઈટ રાઈડર્સને પ્રથમ ત્રણ ઓવરમાં 48 રન ઉમેરીને ઝડપી શરૂઆત અપાવી. આ પછી અજિંક્ય રહાણેએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો. અંગક્રિશ રઘુવંશી અને રિંકુ સિંહની શાનદાર ઇનિંગ્સ અને બંને વચ્ચેની અડધી સદીની ભાગીદારીએ KKR ને 200 રનના આંકને પાર પહોંચાડ્યો.

KKR તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. જ્યારે, રિંકુ સિંહે 36 રનનું યોગદાન આપ્યું. આ પહેલા ગુરબાઝે 26 રન અને નારાયણે 27 રન બનાવ્યા હતા. કેપ્ટન રહાણેએ પણ 26 રનની ઇનિંગ રમી. બીજી તરફ, દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી. વિપ્રાજ નિગમ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. આ ઉપરાંત ચમીરાને એક વિકેટ મળી.

દિલ્હીના બેટ્સમેન નિષ્ફળ ગયા

205 રનનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેણે ફક્ત 4 રનમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. આ પછી કરુણ નાયર અને કેએલ રાહુલ ખાસ કંઈ કરી શક્યા નહીં અને તેમની વિકેટ ગુમાવી દીધી. જોકે ફાફ ડુ પ્લેસિસ અને કેપ્ટન અક્ષર પટેલે લડાયક ઇનિંગ્સ રમી હતી. ફાફ ડુ પ્લેસિસે 45 બોલમાં 62 રન અને અક્ષર પટેલે 23 બોલમાં 43 રન બનાવ્યા. આ સિવાય બાકીના બધા બેટ્સમેન ફ્લોપ રહ્યા, જેના કારણે દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શકી. બીજી બાજુ સુનીલ નારાયણ પણ બોલિંગમાં સફળ રહ્યા. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 3 બેટ્સમેનોની વિકેટ લીધી. તેમના ઉપરાંત વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ, વૈભવ અરોરા, આન્દ્રે રસેલ અને અનુકુલ રોયે 1-1 વિકેટ લીધી.

મોંઘવારીનો માર ! મધર ડેરીએ પ્રતિ લિટર રૂ.2 નો ભાવ વધારો કર્યો

બુધવાર એટલે કે 30 એપ્રિલ સવારથી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં મધર ડેરીના દૂધના ભાવ વધવાના છે. મધર ડેરીના જણાવ્યા અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે 30 એપ્રિલથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. દૂધના ભાવમાં વધારાને કારણે લોકોના ખિસ્સા પર બોજ વધવાનો છે.

દિલ્હી-એનસીઆરમાં મધર ડેરીના ટોન્ડ (બલ્ક વેન્ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થશે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા થશે. આ સાથે, ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે ડબલ ટોન્ડ દૂધનો ભાવ પ્રતિ લિટર 49 રૂપિયાથી વધારીને 51 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર 57 રૂપિયાથી વધારીને ૫૯ રૂપિયા કરવામાં આવ્યો છે.